વિક્ટોરિયામાં આગામી 24મી નવેમ્બરે ચૂંટણી યોજાવા જઇ રહી છે. લેબર અને લિબરલ આ બે મુખ્ય પાર્ટીઓ વચ્ચે સત્તા મેળવવા માટે ખરાખરીનો જંગ જામ્યો છે. બંને પક્ષો વિજયી બનવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
વર્તમાન લેબર પાર્ટીની સરકાર પોતાની સત્તા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે જ્યારે લિબરલ પાર્ટી ફરીથી એક વખત વિક્ટોરિયામાં પોતાની સરકાર બનાવવા માટે આતુર છે.
બંને પાર્ટીઓએ સત્તામાં આવ્યા બાદ ઘણા પ્રજાલક્ષી કાર્યો કરવાનું વચન આપ્યું છે ત્યારે વિક્ટોરિયામાં રહેતા ગુજરાતી સમાજના નાગરિકોએ SBS Gujarati ને ચૂંટણી અંગેના પોતાના પ્રતિભાવ તથા વર્તમાન સરકારના કાર્યો અને બંને પક્ષ વચ્ચે કેવી ટક્કર થઇ શકે છે તે અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
ગુજરાતી સમાજના વોટર્સે વર્તમાન લેબર પાર્ટીની સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી. મોટાભાગના નાગરિકોના મત મુજબ લેબર પાર્ટીએ વચન મુજબ કેટલાક કાર્યો કર્યા છે જોકે કેટલાક લોકોના મતે, તેઓ અમુક બાબતોમાં યોગ્ય કામ કરી શક્યા નથી અને આ વખતે લિબરલ પાર્ટીને વિજેતા બનવાની તક રહેલી છે તેમ જણાવ્યું હતું.

Victorian Premier Daniel Andrews speaks to the media in Pakenham, Melbourne Source: AAP Image/Daniel Pockett
મેલ્બોર્નમાં રહેતા ચિરાગ શાહના જણાવ્યા પ્રમાણે, "વર્તમાન લેબર પાર્ટીએ સારું કાર્ય કર્યું છે પરંતુ તેઓ ક્રાઇમ અને ખાસ કરીને યુવાનોમાં વધતી ગુનાખોરીના પ્રમાણ પર કાબુ રાખવામાં નિષ્ફળ રહ્યા છે."
"વિરોધી પાર્ટીના વડા મેથ્યુ ગાયે વચન આપ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેઓ રાજ્યમાં ગુનાખોરીના પ્રમાણને કાબુમાં લાવવાનો પ્રયત્ન કરશે. તેથી મારા મત પ્રમાણે લિબરલ પાર્ટી પાસે આ ચૂંટણીમાં વિજયની તક રહેલી છે."
દર્શીની શાહના જણાવ્યા પ્રમાણે, "કોઇ પણ પાર્ટી સત્તામાં આવ્યા બાદ તેઓ વિક્ટોરિયામાં રહેતા વિવિધ સમાજ માટે તેમની સંસ્કૃતિ તથા ધર્મને લગતા કાર્યોમાં ફંડ તથા ગ્રાન્ટ આપવાની સાથે નોકરીની વધારે તક ઉભી કરવાની દિશામાં કાર્ય કરે તેવી મને આશા છે."
મેલ્બોર્નના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં રહેતા ભાવિક પટેલના મત પ્રમાણે, "લેબર પાર્ટીએ ઘણા સારા કાર્યો કર્યા છે. જેમ કે તેમણે વિક્ટોરિયાના વિવિધ વિસ્તારોને શહેર સાથે જોડતા મોટાભાગના રસ્તાઓ વધુ સારા બનાવવા ઉપરાંત વ્યસ્ત રહેતા રસ્તા પરના ક્રોસિંગ હટાવ્યા છે. જેનાથી શહેરમાં નોકરી અર્થે જતા લોકોનો ઘણો સમય બચવા લાગ્યો છે."

Darshini (L) and Chirag Shah (R) of Gujarati community residing in Melbourne. Source: SBS Gujarati
"વર્તમાન સરકારે સ્કૂલ તથા હોસ્પિટલના નિર્માણ માટે ઘણું ફંડ ફાળવ્યું છે જેનો વિક્ટોરિયાના સામાન્ય નાગરિકોને લાભ મળ્યો છે. જોકે ગુનાનું પ્રમાણ રોકવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. લિબરલ પાર્ટી વિકાસના ઘણા કાર્યો કરવા ઉપરાંત ગુનાનું પ્રમાણ ઘટાડશે, તેવું વચન આપ્યું છે. તેથી આ વખતે બંને પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે."
મેબ્લોર્નના છેલ્લા 12 વર્ષથી રહેતા હેમંત મહેતાએ જણાવ્યું હતું કે, "લેબર પાર્ટીએ તેમના વચન પ્રમાણે સમાજ માટે કાર્યો કર્યા છે તેથી મારું માનવું છે કે લેબર પાર્ટી ફરીથી સત્તામાં આવે, તેમણે સામાન્ય નાગરિકને લગતી મોટાભાગની માળખાગત સુવિધાઓમાં વધારો કર્યો છે".
"જો લિબરલ અથવા ગ્રીન પાર્ટી સત્તામાં આવે તો તેમણે લેબર પક્ષથી વધુ સારું કાર્ય કરવું પડશે, પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા લેબર પાર્ટી આ ચૂંટણીમાં વિજય મેળવશે તેમ લાગી રહ્યું છે."
અંકિત પટેલે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "લેબર સરકારે સત્તામાં રહીને વાહન વ્યવહારની સુવિધાઓ વધારવાની સાથે સાથે શહેરને જોડતા મોનાશ-ફ્રી વેનું વિસ્તરણ કર્યું છે. જેનાથી શહેરમાં જવું - આવવું આસાન બન્યું છે. આ ઉપરાંત નોકરીયાત નાગરિકો માટે તેમણે ઘણા સારા કાર્યો કર્યા છે તેથી મારા મત પ્રમાણે લિબરલ પાર્ટી માટે આ વખતે પણ સત્તા મેળવવી મુશ્કેલ રહે તેમ લાગી રહ્યું છે."

Victorian Leader of the Opposition Matthew Guy and his wife Renae casting their vote ahead of the state election at a pre-polling booth. Source: AAP Image/Kaitlyn Offer
વિક્ટોરિયાની ચૂંટણીમાં માળખાગત સુવિધાઓની સાથે વાહન - વ્યવહાર, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, વિજળી તથા પાણીના મુદ્દે મતદાતા સરકાર નક્કી કરશે.
બીજી તરફ, છેલ્લા ઘણા વર્ષોની તુલનામાં વિક્ટોરિયામાં 2017માં 2.2 ટકાના દરથી વસ્તી વધારો થયો છે. વિદેશથી સ્થળાંતર કરનારા મોટાભાગના લોકો વિક્ટોરિયામાં સ્થાયી થઇ રહ્યા છે. વસ્તી વધારો વર્તમાન સરકાર માટે એક પડકાર બન્યો છે જોકે, ગુજરાતી સમાજના કેટલાક લોકોએ તેને ગંભીર મુદ્દો નહીં ગણાવીને સ્થળાંતર કરતાં લોકો માટે આગામી સરકાર દ્વારા હળવા નિયમો બનાવવાની આશા વ્યક્ત કરી હતી.
પ્રી-પોલ વોટિંગ શરૂ
24મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે વિક્ટોરિયામાં પ્રી-પોલ વોટિંગ શરૂ થઇ ગયું છે અને નાગરિકો પોતાનો વોટ આપી રહ્યા છે. પ્રી-પોલ વોટિંગ શરૂ થયાના પ્રથમ ત્રણ દિવસમાં 5 ટકાથી પણ વધારે નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે.
ધ ગાર્ડિયનમાં છપાયેલા છેલ્લા આંકડા મુજબ 238,559 લોકોએ પ્રી-પોલ વોટિંગનો લાભ લીધો હતો. જે 2014માં યોજાયેલી ચૂંટણીના પ્રથમ ત્રણ દિવસના આંકડા પ્રમાણે બે ગણો છે.