ભારતીય લોકસભાની ચૂંટણીના પરિણામો પર સમગ્ર દેશની નજર છે ત્યારે ભારત બહાર વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો પણ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે અને, પરિણામની પળેપળની જાણકારી મેળવવા માટે વિવિધ આયોજન પણ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં રહેતા ભારતીયોએ સાથે મળીને ચૂંટણીના પરિણામ જોઇ શકે તે માટે જાયન્ટ સ્ક્રીન મૂકી છે.
ઓવરસીસ ફ્રેન્ડઝ ઓફ બીજેપીના જય શાહે SBS Gujarati ને જણાવ્યું હતું કે, દેશ બહાર રહેતા ભારતીય સમાજના લોકો પણ ભારતના રાજકારણમાં વિશેષ રૂચિ રાખે છે. ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે કે કોંગ્રેસ પાર્ટી સત્તા મેળવવામાં સફળ થશે એ જોવા માટે અમે જાયન્ટ સ્ક્રીન મૂકી છે.

Source: Supplied
રાજકારણમાં વિશેષ રસ ધરાવતા લોકોએ નોકરીમાં રજા લઇને ઘરે રહી ચૂંટણીના પરિણામો પર નજર રાખી હતી. મેલ્બર્નમાં રહેતા કરણ શાહે જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણીમાં કોણ વિજેતા બને છે તે જોવા માટે તેમણે નોકરીમાં રજા લીધી છે અને સવારથી જ ભારતીય ન્યૂઝ ચેનલ્સ પર પરિણામોની પળે-પળની માહિતી મેળવી રહ્યા છે.
ગુજરાતમાં પણ સવારથી જ મતગણતરી જોવા વિશેષ ધસારો
ગુજરાત રાજ્યના અમદાવાદમાં પણ લોકો મતગણતરી શરૂ થઇ ત્યારથી જ સ્ક્રીન પર નજર રાખતા જોવા મળ્યા હતા.
અમદાવાદના સાગર પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે, સમગ્ર દેશના પરિણામો પણ લોકોની નજર છે પરંતુ આ વખતે વિશેષ ધ્યાન ગુજરાતના પરિણામ પર રાખવામાં આવી રહ્યું છે કારણ કે 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 સીટ જીતી હતી. તેથી જ, આ વખતે પણ તેમની પર ભૂતકાળમાં કરેલું પ્રદર્શન જાળવી રાખવાનું દબાણ જોવા મળી રહ્યું છે.

Source: Supplied
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ 26 સીટો પર આગળ જોવા મળી હતી.
જેમ - જેમ ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવી રહી છે તેમ અહીં પાર્ટીના કાર્યકરો ઉત્સાહમાં આવીને ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે, તેમ સાગર પટેલે ઉમેર્યું હતું.