ગુજરાત આજે પોતાનો 60મો સ્થાપના દિન ઉજવી રહ્યું છે. 1લી મે 1960ના દિવસે સંયુક્ત મુંબઇ રાજ્યનું વિભાજન થઇ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનું નિર્માણ થયું. આ 60 વર્ષના સમયગાળામાં ગુજરાતે ઘણો વિકાસ - પ્રગતિ કરી છે. વિશ્વભરમાં વેપાર - ઉદ્યોગ, કળા - સાહિત્ય, વિજ્ઞાન, રમતજગત, રાજકારણ જેવા ક્ષેત્રોમાં ગુજરાતીઓએ પોતાનું યોગદાન આપ્યું છે.
આજે, મહાગુજરાત આંદોલનના કાર્યકર્તાઓ તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી જુદા-જુદા ક્ષેત્રોમાં સફળતા મેળવનારા ગુજરાતીઓના પરિશ્રમ, સફળતાને સન્માનિત કરાશે.
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહાગુજરાત આંદોલનના કેન્દ્ર એવા અમદાવાદમાં ચળવળના નેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાનું ફૂલહારથી સન્માન કરશે. આ ઉપરાંત, મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા આંદોલનકારીઓની અમદાવાદના ભદ્ર વિસ્તાર આવેલી ખાંભીને અજંલી આપશે.
વિવિધ એસોસિયેશન તથા સામાજિક સંસ્થાઓએ ગુજરાતનું ગૌરવ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પ્રસરે તે માટે કાર્યક્રમો અને એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન પણ કર્યું છે.

Source: Wikimedia/Miljoshi
ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓને સન્માનિત કરાશે
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં રહેતા ગુજરાતીઓએ વિવિધ ક્ષેત્રોમાં આપેલા યોગદાનને બિરદાવવા માટે સિડની સ્થિત યુનાઇટેડ ગુજરાતીસ ઓફ ઓસ્ટ્રેલિયા ગ્રૂપ દ્વારા "ગુજરાતી ગૌરવ એવોર્ડ" એનાયત કરી તેમનું સન્માન કરાશે.
બીજી તરફ, ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત તથા ગુજરાતીઓને રાજ્યના સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં ગુજરાત અવિરત પ્રગતિ અને સમૃદ્ધિ સાથે ઉત્તરોઉત્તર સફળતા પ્રાપ્ત કરે એવી મનોકામના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ગુજરાત સ્થાપના દિવસે તમામ ગુજરાતીઓને શુભકામનાઓ, રાજ્યના નાગરિકોએ રાજ્યના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે. ગુજરાતીઓ તેમની હિંમત, નવીનતા અને વેપાર માટે જાણિતા છે. હું આગામી સમયમાં ગુજરાત ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવું છું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી
'ગુજરાત' એ માત્ર ભૌગોલિક ઓળખ નથી, 'ચેતના' છે. ચાલો આપણે સૌ ગુજરાત સ્થાપના દિને આ 'ચેતના'ને આપણામાં સંકોરીએ...ઉજવીએ! ગુજરાત ગૌરવ દિન નિમિતે એનેકાનેક શુભેચ્છાઓ!
ગુજરાત દિને "ટેરીફિક ગુજરાતી" સોંગ લોન્ચ
જાણિતા ગાયક શ્યામલ મુનશીએ ગુજરાત દિન નિમિત્તે રાજ્યના યુવાનો પોતે ગુજરાતી હોવાનો ગર્વ કરી શકે તે માટે ગુજરાતી પ્રજાનો જુસ્સો તથા તેમના ખમીરને દર્શાવતું હીપ હોપ રેપ ગીત "ટેરીફિક ગુજરાતી" રજૂ કર્યું છે.