અમદાવાદથી મુંબઇનો રોડ પ્રવાસ, ભારતની ગરમી, મેડિકલ તપાસ, સૂમસામ એરપોર્ટ, ત્યાર બાદ મુંબઇથી દોહા, અને દોહાથી મેલ્બર્ન ઊતરાણ બાદની ઇમિગ્રેશનની પ્રક્રિયા અને ક્વોરન્ટાઇન સેન્ટરમાં થઇ રહેલા અનુભવનું તેમણે SBS Gujarati સાથે વિસ્તારથી વર્ણન કર્યું છે.
અતુલભાઇ હાલમાં મેલ્બર્નમાં 14 દિવસ ક્વોરન્ટાઇનમાં પસાર કરી રહ્યા છે. તેમણે ભારતનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે અમદાવાદથી બપોરે ગરમીમાં તમામ મુસાફરોને મુંબઇ બસ દ્વારા મુંબઇ લઇ જવામાં આવ્યા હતા. અને, ત્યાર બાદ ફ્લાઇટ દ્વારા ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.
અતુલભાઇ બિઝનેસના કામ અર્થે ભારત ગયા હતા અને કોરોનાવાઇરસના કારણે બોર્ડર બંધ કરવામાં આવતા તે ત્યાં જ ફસાઇ ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કે, જીંદગીમાં ક્યારેય અનુભવ ન કર્યો હોય તેવો અનુભવ તેમણે આ લોકડાઉનના સમયમાં કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન સરકારે ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી
ભારતમાં ફસાઇ ગયેલા નાગરિકો માટે ઓસ્ટ્રેલિયન સરકારે ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી હતી જેમાં અતુલભાઇએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમણે ઓસ્ટ્રેલિયન હાઇકમિશનમાં રજીસ્ટર કર્યું અને ત્યાર બાદ હાઇકમિશને ફ્લાઇટની માહિતી આપી. સમગ્ર પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ એરલાઇનની ટિકીટ બુક કરી હતી.
મેલ્બર્નની ફ્લાઇટ માટે અમદાવાદમાં અટવાઇ ગયેલા અતુલભાઇએ મુંબઇ પહોંચવું જરૂરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે અમદાવાદથી મુંબઇના રસ્તામાં કંઇ જ ખુલ્લું નહોતું. હોટલ અને રેસ્ટોરન્ટ્સ બંધ હોવાથી ખોરાક પણ સાથે જ લઇને જવું પડ્યું હતું.
અતુલભાઇ સહિત તમામ મુસાફરોને મુંબઇમાં હોટલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જે એરપોર્ટ પર ભીડ જોવા મળતી હોય છે તે મુંબઇ એરપોર્ટ તે દિવસે સંપૂર્ણ ખાલી હતું. ફ્લાઇટમાં પણ તમામ પેસેન્જર્સને માસ્ક અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.
મેલ્બર્ન ઊતરાણ બાદ વિવિધ પ્રક્રિયા પૂરી કર્યા બાદ અતુલભાઇ હાલમાં ક્વોરન્ટાઇનમાં સમય પસાર કરી રહ્યા છે.