On World Radio Day Australian Gujaratis talk about role of radio in their lives

SBS Gujarati Radio listeners talk about role of radio in their lives

SBS Gujarati Radio listeners talk about role of radio in their lives Source: SBS Gujarati

Radio informs, transforms and unites people. As we celebrate the 8th edition of the World Radio Day (13 February 2019), SBS Gujarati spoke to some Gujaratis in Australia to find out what is the role of radio in their lives.


આજે 13 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ રેડિયો ડે.યુનેસ્કો દ્વારા છેલ્લા સાત વર્ષથી ઉજવાતા વર્લ્ડ રેડિયો ડેની આઠમી આવૃત્તિમાં સંવાદ, સહિષ્ણુતા તથા શાંતિની થીમ નક્કી કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં ટેક્નોલોજીએ ખૂબ જ પ્રગતિ કરી છે. મોબાઇલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા ઘણું લોકપ્રિય થયું છે તેમ છતાં પણ રેડિયોએ પોતાનું સ્થાન મજબૂત રીતે ટકાવી રાખ્યું છે.

રેડિયો વિવિધ વયજૂથના લોકોમાં અલગ અલગ પ્રકારનો ભાગ ભજવે છે. ત્યારે, ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓના જીવનમાં રેડિયોનું શું મહત્વ છે તે અમે તેમની પાસેથી જાણ્યું...

An elderly woman listening to the radio.
A representational image of an elderly woman listening to the radio. Source: SBS Gujarati


રેડિયો એ માહિતીનો સંચાર કરવાનું સૌથી જૂનુ માધ્યમ છે. રીસર્ચમાં આવેલા તારણ અનુસાર, જીવનમાં એકલતા તથા અવગણના અનુભવતા વૃદ્ધ લોકો જો રેડિયો સાંભળે તો તેમના મનમાં એક સકારાત્મક અભિગમ ઉત્પન્ન થાય છે અને તેમના જીવનધોરણમાં સુધારો આવે છે.

લગભગ 25 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં સ્થાયી થનારા કુમીબેન પટેલે પોતાના જીવનમાં રેડિયોના મહત્વ અંગે જણાવ્યું હતું કે, “ફક્ત ગુજરાતી સંસ્કૃતિ જ નહીં પરંતુ વિવિધ દેશોની સંસ્કૃતિ, તેમના રીત-રિવાજ તથા તેમના તહેવારો વિશેની જાણકારી રેડિયોના માધ્યમથી મળી રહે છે.”
સંદેશાવ્યવહારના અન્ય માધ્યમની સરખામણીમાં રેડિયો વાપરવો ખૂબ જ સરળ હોવાથી તેનું મહત્વ વધુ છે. કુમીબેને પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “રેડિયો ગમે તે સ્થાને સાંભળી શકાય છે, કોઇ કાર્ય કરતી વખતે પણ તે સાંભળી શકાતો હોવાથી વૃદ્ધ લોકોમાં તેની લોકપ્રિયતા અંકબંધ છે.”
યુનિવર્સિટી ઓફ મેલ્બર્નના રીસર્ચર અમાન્ડા ક્રાઉસના જણાવ્યા પ્રમાણે રેડિયો કાર્યક્રમ બહારની દુનિયા સાથે જોડવાનું, તેની માહિતી મેળવવાનું સૌથી સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.
કમ્યુનિટી બ્રોડકાસ્ટીંગ એસોસિયેશનના ચીફ એક્સીક્યુટીવ યાટેસ, રેડિયો તથા વૃદ્ધ શ્રૌતા વચ્ચેના સંબંધ વિશે વાત કરતા જણાવે છે કે, “ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના શ્રૌતાઓ ટોક-બેક રેડિયો સાંભળે છે. જેમાં તેમને રેડિયો કાર્યક્રમમાં પ્રશ્નો કરવા, પોતાનો મત રજૂ કરવાની તક મળે છે. અને તેનાથી તેમનામાં સકારાત્મક અનુભવનો સંચાર થતો હોવાથી ઓસ્ટ્રેલિયામાં આ વયજૂથના લોકો માટે રેડિયો તેમના મિત્ર જેટલું જ સ્થાન ધરાવે છે.
Dipak Mankodi
Dipak Mankodi (Melbourne) Source: SBS Gujarati
રીજનલ વિસ્તારોમાં રેડિયો દ્વારા ખેતી ઉપરાંત હવામાન અને અન્ય ઉપયોગી માહિતી મળતી હોવાથી તે ક્ષેત્રમાં વસવાટ કરતા વૃદ્ધ લોકોમાં રેડિયો એક વિશેષ સ્થાન ધરાવે છે, તેમ યાટેસે ઉમેર્યું હતું.
"રેડિયો પર ફક્ત મનોરંજન જ નહીં પરંતુ વિવિધ દેશોના, પોતાના વતનના સમાચાર, વિવિધ ઘટનાઓ વિશેની માહિતી ઉપરાંત ક્રિકેટ કોમેન્ટ્રી, હવામાન તથા ટ્રાફિક અંગેના સમાચાર સરળતાથી મળી રહે છે".
"આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં SBS Gujarati રેડિયો પર વૈવિધ્યસભર કાર્યક્રમો અને જૂદા જૂદા ક્ષેત્રોના નિષ્ણાતોના સામાજિક – આર્થિક મુદ્દા પરના મંતવ્યો સાંભળવાની તક મળતી હોવાથી રેડિયો સાંભળવાનું વધુ પસંદ કરે છે," તેમ દીપકભાઇ મંકોડીએ જણાવ્યું હતું.

બાળપણથી સાંભળેલા અનેક રેડિયો કાર્યક્રમોએ તેમના પર ઊંડી  છાપ છોડી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
Punit Jani
Punit Jani (Melbourne) Source: SBS Gujarati
વર્ષ 2006માં ભારતથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા બાદ રેડિયોની ઉણપ અનુભવી રહેલા પુનિત જાનીએ જણાવ્યું હતું કે, "SBS Gujarati રેડિયોના માધ્યમ દ્વારા દેશ સાથે જોડાવાની તક મળે છે. રાજકારણને લગતા સમાચાર, ઓસ્ટ્રેલિયામાં કોઇ સામાજિક કાર્યક્રમ હોય તો તેની માહિતી રેડિયોના માધ્યમથી મળી રહે છે."
Community radio broadcaster, Shivani
Community radio broadcaster in Brisbane, Shivani. Source: SBS Gujarati
ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરના કમ્યુનિટી રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે કાર્ય કરતા શિવાનીએ જણાવ્યું હતું કે, "રેડિયોએ સમાચાર તથા મનોરંજનનું મિશ્રણ પ્રસ્તુત કરતું હોવાથી તમામ વયજૂથના લોકોમાં તે લોકપ્રિય છે."
"વર્તમાન સમયમાં રેડિયોમાં જુદા - જુદા પ્રકારના વિષયોનો સમન્વય જોવા મળે છે. દેશ - વિદેશમાં બનતી ઘટનાઓ ઉપરાંત, ત્યાંની સંસ્કૃતિ, ઇતિહાસ અને તહેવાર વિશેના મુદ્દા આવરી લેવામાં આવે છે. જેના કારણે વિદેશમાં સ્થાયી થયેલા યુવાનોને પણ રેડિયોના માધ્યમથી આ પ્રકારના વિષયોની ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે."
વિવિધ વિષયોની માહિતી અને મનોરંજનનું મિશ્રણ યુવાનોમાં રેડિયોને લોકપ્રિય બનાવે તો વૃદ્ધ લોકો કે જેઓ મોબાઇલ કે અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અસમર્થ હોય તેમને પણ દેશ-વિદેશના સમાચારો મળી રહે છે. તેથી જ સોશિયલ મીડિયાના જમાનામાં પણ રેડિયો એટલો જ લોકપ્રિય હોવાનું શિવાનીએ ઉમેર્યું હતું.

Share