વર્ષ 2018માં લગભગ 800 જેટલા લાકોએ પોતાના ઓસ્ટ્રેલિયન વિસા ગુમાવવા પડ્યા હતા. જેમાં લગભગ 12 ટકા લોકો બાળશોષણને લગતા ગુનામાં સંકળાયેલા હતા. આ ઉપરાંત, હિંસક ગુનાના આરોપોનો સામનો કરી રહેલા 500 જેટલા લોકોએ પણ છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયન વિસા ગુમાવવા પડ્યા છે.
100 જેટલા લોકો બાળશોષણને લગતી પ્રવૃત્તિઓ, 53 ઘરેલું હિંસા તથા 34 જાતીય શોષણ તથા 13 લોકો હત્યા જેવા ગંભીર ગૂનામાં સંકળાયેલા હતા.
આ ઉપરાંત, 125 જેટલા લોકોએ હિંસક હુમલો તથા 56 લોકોએ સશસ્ત્ર લૂંટના ગુના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયન વિસા ગુમાવવા પડ્યા છે.
ઇમિગ્રેશન, સિટીઝનશિપ અને મલ્ટિકલ્ચરલ અફેર્સના મંત્રી ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે ગુનાખોરીમાં સંકળાયેલા લોકોના વિસા રદ કરવાનો નિર્ણય એક કડક સંદેશ છે અને કોઇ પણ વ્યક્તિની ગુનાખોરી પ્રવૃત્તિ સાંખી લેવામાં આવશે નહીં.
"ઓસ્ટ્રેલિયા તમામ લોકોને આવકારતો દેશ છે, અમે વિશ્વના તમામ ભાગોમાંથી પ્રવાસીઓને આવકારીએ છીએ પરંતુ ઓસ્ટ્રેલિયાના લોકો પ્રત્યે ગુનો કોઇ પણ ભોગે ચલાવી લેવાશે નહીં. જો, બિન-ઓસ્ટ્રેલિયન વ્યક્તિ ગુનો કરતો ઝડપાશે તો તેના વિસા રદ કરાશે," તેમ કોલમેને જણાવ્યું હતું.
2014થી અત્યાર સુધીમાં કુલ 4150 જેટલા બિન-ઓસ્ટ્રેલિયન લોકોએ પોતાના ઓસ્ટ્રેલિયન વિસા ગુમાવવા પડ્યા છે.
ઓક્ટોબર મહિનામાં કેન્દ્રીય સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જે અંતર્ગત વિદેશમાં જન્મેલા વધુ ગુનેગારોના વિસા રદ થાય તેવી જોગવાઇ કરવામાં આવી છે.પ્રસ્તુત કરવામાં આવેલા બિલ પ્રમાણે, કોઇ પણ વ્યક્તિ કે જેને બે વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી હોય તેના વિસા રદ થઇ શકે છે. તેમણે જેલમાં કેટલો સમય ગાળ્યો છે તે ધ્યાનમાં લેવાશે નહીં. કાયદા પ્રમાણે, જાતીય શોષણ, હિંસક ગુનાઓ ઉપરાંત તોફાન, ઘરેલું હિંસા જેવા ગુનાઓનો સમાવેશ થઇ શકે છે.
The Government has sent more than 800 non-citizens home after cancelling their visas. Source: AAP
કોલમેને જણાવ્યું હતું કે, "સંસદમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે, આ ઉપરાંત માઇગ્રેશન એક્ટ અંતર્ગત ચારીત્ર્ય અંગેના ધોરણો પણ વધુ મજબૂત કરવા પર ભાર મૂકાશે."
ઇમિગ્રેશન એન્ડ બોર્ડર પ્રોટેક્શન બાબતોના વિરોધપક્ષના પ્રવક્તા શાયેન ન્યૂમેને જણાવ્યું હતું કે, ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા બિન-ઓસ્ટ્રેલિયન લોકોના વિસા રદ કરવાની બાબતને લેબર પાર્ટી સમર્થન આપે છે.
"લેબર પાર્ટી બિન-ઓસ્ટ્રેલિયન લોકો દ્વારા થતા ગુના અંગે વિસા રદ કરવાના નિર્ણયને સમર્થન આપે છે. 2014માં જ્યારે સરકારે સુધારો કર્યો હતો ત્યારે પણ પાર્ટીએ સમર્થન આપ્યું હતું. જો મંત્રીને તેમ લાગે કે જે-તે વ્યક્તિ ઓસ્ટ્રેલિયન સમાજને નુકસાન કરી રહ્યો છે અને તે શંકાસ્પદ ચારીત્ર્ય ધરાવી રહ્યો છે, તો તેમને તે બિન-ઓસ્ટ્રેલિયન વ્યક્તિના ઓસ્ટ્રેલિયન વિસા રદ કરીને તેનો દેશ નિકાલ કરવાનો સંપૂર્ણ હક છે."
ન્યૂ સાઉથ વેલ્સ કાઉન્સિલ ઓફ સિવીલ લિબર્ટીસના પ્રવક્તા સ્ટીવન બ્લેન્ક્સના જણાવ્યા પ્રમાણે, વિસા રદ કરવાની પ્રક્રિયા કઠોર નીતિ અંતર્ગત છે. છેલ્લા કેટલાક સમયમાં જે લોકોના વિસા રદ કરવામાં આવ્યા છે તેઓ ઓસ્ટ્રેલિયામાં વર્ષોથી સ્થાયી થયા હતા અને ઓસ્ટ્રેલિયન સમાજ સાથે તેમનો ઘણો મજબૂત સંબંધ હતો.
બ્લેન્ક્સે જણાવ્યું હતું કે, "હત્યા તથા બાળશોષણને લગતા ગુના અંતર્ગત ફક્ત 100 જેટલા લોકોના જ વિસા રદ કરવામાં આવ્યા હતા. અન્ય લોકોના ગુના અત્યંત ગંભીર નહોતા. લગભગ 700 જેટલા લોકો કે જેમના ગુના ગંભીર નહોતા તેમના ઓસ્ટ્રેલિયન વિસા રદ કરાયા હતા. જેના કારણે અહીં તેમના પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
જોકે, બ્લેન્ક્સે ગંભીર ગુનો કરનારા લોકોના વિસા રદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે સામાન્ય ગુનામાં પણ વિસા રદ કરવાની નીતિને સમર્થન આપ્યું નહોતું.
"જે લોકો ગંભીર ગુનામાં સંકળાયેલા છે તેમને સજા પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયાની બહાર કરી દેવામાં આવે તે જરૂરી છે. પરંતુ, ઘણા કિસ્સામાં તાત્કાલિક વિસા રદ થાય તે અગાઉ મંત્રી તેમના વિસા અંગેની બાબતોનું મૂલ્યાંકન કરે અને ત્યાર બાદ જ વિસા રદ કરવાનો નિર્ણય લે. હાલમાં, ઓસ્ટ્રેલિયામાં ઓટોમેટિક વિસા રદ થઇ રહ્યા છે જેના કારણે કેટલાક લોકોને અન્યાય થઇ રહ્યો છે, તેમ બ્લેન્ક્સે ઉમેર્યું હતું.