છેલ્લા નાણાકિય વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં દર આઠ મિનીટે એક સાઇબર હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ઓસ્ટ્રેલિયન સાઇબર સિક્યોરિટી સેન્ટર દ્વારા એન્યુઅલ સાઇબર થ્રેટ રીપોર્ટ એટલે કે વર્ષ દરમિયાન સાઇબર સિક્યોરિટીની બાબતો વિશે રીપોર્ટ પ્રસિદ્ધ થયો છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020-21ના નાણાકિય વર્ષમાં સાઇબરના ગુના હેઠળ 67,500 ફરિયાદો નોંધાઇ હતી.
અગાઉના વર્ષની સરખામણીમાં 13 ટકાનો વધારો નોંધાયો છે.
ગયા નાણાકિય વર્ષમાં સાઇબર ક્રાઇમના કારણે કુલ 33 બિલીયન ડોલરનું નુકસાન પણ થયું છે.
રીપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની મહામારીની પરિસ્થિતીનો ફાયદો ઉઠાવીને 18,000 જેટલા સાઇબર ગુના કરવામાં આવ્યા હતા.
તમામ ગુનામાંથી લગભગ 25 ટકા જેટલા ગુના આરોગ્ય, શિક્ષણ અને વાહનવ્યવહાર સાથે સંકળાયેલા છે.
Ransomware ના સાઇબર હુમલામાં ગયા નાણાકિય વર્ષમાં 15 ટકા જેટલો વધારો નોંધાયો છે.
માર્ચ મહિનામાં Ransomware હુમલાના કારણે મેલ્બર્નમાં આરોગ્ય ક્ષેત્રની સેવાઓને અસર પહોંચી હતી અને કેટલાક ઓપરેશન સ્થગિત કરવા પડ્યા હતા.સાઇબર સિક્યોરિટી હેઠળ નોંધાયેલી છેતરપિંડીનો ભોગ સરકારી સંસ્થાઓ, મહત્વપૂર્ણ અને જીવન જરૂરી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ, નાના તથા મધ્ય ઉદ્યોગો, પરિવારો બન્યા છે.
Cyber security Source: Getty Images
વેપાર ઉદ્યોગો સાથે સંકળાયેલા ઇમેલ દ્વારા થઇ રહેલી છેતરપિંડી અંતર્ગત દર વેપાર - ઉદ્યોગને આશરે 50,600 ડોલરનું નુકસાન થયું છે.
ગયા નાણાકિય વર્ષમાં કોવિડ-19ના લોકડાઉનના કારણે મોટાભાગના લોકો ઘરેથી કાર્ય કરતા હોવાના કારણે સાઇબર હુમલા વધુ થયા હતા.
ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ ડિફેન્સ મિનીસ્ટર એન્ડ્રયુ હેસ્ટિએ જણાવ્યું હતું કે દેશના તમામ રહેવાસીઓએ સાઇબર હુમલા તથા છેતરપિંડીથી બચવા પાસવર્ડ્સ, બે સ્તરીય મંજૂરી (two-factor authentication), યોગ્ય સોફ્ટવેર તથા ડાટા બેકઅપ રાખવા જરૂરી છે.