ઐતિહાસિક કહી શકાય એવાં એક પગલાં દ્વારા મોદી સરકારે સરહદી રાજ્ય જમ્મુ-કાશ્મીરને અલગ દરજ્જો આપતી વર્ષો પહેલાંની બે વિશેષ જોગવાઈ પછી ખેંચી લીધી છે. કાનૂની રીતે ન કહેવાય તો પણ સામાન્ય સમાજમાં આવે એ માટે કહી શકાય કે જમ્મુ-કાશ્મીરમાં લાગુ એવા બંધારણના આર્ટિકલ 370 અને 35Aનો અમલ રદ્દ કરવામાં આવ્યો છે.
સોમવારે સવારે ગૃહ પ્રધાન અમિત શાહે રાષ્ટ્રપતિના એક આદેશ રૂપે રાજ્યસભામાં આ જાહેરાત કરી હતી.
સાથે સાથે એમણે જમ્મુ-કાશ્મીરને એક રાજ્યને બદલે બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત કરવાનું પણ ઘોષિત કર્યું હતું. એ મુજબ હવે જમ્મુ-કાશ્મીરમાંથી લડાખને અલગ કરી એને વેગળો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે જયારે જમ્મુ-કાશ્મીર પણ એક કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.મતલબ કે હવે જમ્મુ-કાશ્મીરનું સંચાલન આડકતરી રીતે કેન્દ્ર સરકારના હાથમાં આવી જશે.
અમિત શાહે કરેલી જાહેરાત સાથે જમ્મુ-કાશ્મીરને અત્યાર સુધે મળતો વિશેષ દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. એને પગલે હવે દેશના બાકીના રાજ્યોમાં જે કાયદા લાગુ પડે છે એ તમામ કાયદા જમ્મુ-કાશ્મીરમાં પણ અમલમાં આવશે.
અત્યાર સુધી દેશના બીજા રાજ્યોના નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા નહોતા કે એમના માટે જમ્મુ-કાશ્મીરમાં કાયમી વસવાટ કરવાનું પણ શક્ય નહોતું, પરંતુ હવે એ નિયંત્રણ નહીં રહે.
જમ્મુ-કાશ્મીરનું હવે અલગ બંધારણ પણ નહીં હોય અને અલગ ધ્વજ પણ નહીં હોય. એ રીતે જોઈએ તો ભારત સાથે જોડાયાના 72 વર્ષ પછી ખરા અર્થમાં એનો સમાવેશ ભારત સાથે થયો છે.
અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરને મળતા રહેલા વિશેષ અધિકાર પાછા ખેંચાઈ જવા સામે સ્વાભાવિક છે કે જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોને વાંધો હોય અને એ સંભવિત વિરોધને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે ત્યાં ભારે સંખ્યામાં સશસ્ત્ર દળોને ખડકી દીધા છે અને રવિવારે રાતથી ઘણા સ્થાનિક આગેવાનોને એમના ઘરમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે.ગયા સપ્તાહે જ સરકારે અમરનાથ યાત્રા અટકાવી તમામ યાત્રી તથા અન્ય પર્યટકોને જમ્મુ-કાશ્મીર છોડી જવા કહ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં બે દિવસથી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને એક સાથે ચારથી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
JAMMU, INDIA - AUGUST 5: Army personnel stand guard during restrictions on August 5, 2019 in Jammu, India. Source: Getty Images
સોમવારે ગૃહ પ્રધાને જમ્મુ-કાશ્મીરને લગતી જાહેરાત કરી ત્યારે કોંગ્રેસ, કાશ્મીરના સ્થાનિક પક્ષ પીડીપી અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ એનો વિરોધ કર્યો હતો, પણ અન્ય પક્ષોએ સરકરના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.સમાજજીવનના અનેક લોકોએ પણ જમ્મુ-કાશ્મીરને દેશથી નોખા પાડતા વિશેષ અધિકાર દૂર કરવાના પગલાંની પ્રશંસા કરી હતી. એમાં કેટલાક ફિલ્મ કલાકારોનો પણ સમાવેશ હતો. ભાજપના કાર્યકરોએ સરકારના આ નિર્ણયને મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી વધાવ્યો હતો.આમ તો અમિત શાહે ત્વરિત અમલમાં આવે એ રીતે આ નિર્ણય લેવાયો હોવાનું ઘોષિત કર્યું છે, ગૃહ પ્રધાને એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં હવે દેશના બીજા રાજ્યોના લોકો ઘર ખરીદી શકશે અને ઉધોગમાં પણ મૂડી રોકાણ કરી શકશે એટલે રાજ્યનો વિકાસ શક્ય બનશે, જે અત્યાર સુધી શક્ય નહોતું.
Leader of opposition in Rajya Sabha Ghulam Nabi Azad,P Chidambaram,TMC Rajya Sabha MP Derek O'Brien after a walkout to protest an introduction of a resolution to scrap Article 370 Source: SIPA USA
VHP supporters offer sweets to police personnel as they celebrate after Union Home Minister Amit Shah introduced the proposal to remove Article 370. Source: Hindustan Times via Getty images
જો કે વાસ્તવમાં સરકારના નિર્ણયનો અમલ શક્ય બનતા સમય જશે, વળી સરકારના નિર્ણય સામે કોઈ અદાલતમાં જશે કે નહીં એ પણ જોવાનું રહેશે.
આર્ટિકલ 370ને રદ્દ કરવા માટે કેન્દ્ર સરકારે મૂળ આર્ટિકલની જ જોગવાઇનો ઉપયોગ કર્યો જેમાં એવો ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની સહમતી બાદ રાજ્યને મળેલો અલગ દરજ્જો પાછો ખેંચી શકે છે. વરસ એકથી જમ્મુ-કાશ્મીર વિધાનસભા બરખાસ્ત છે એટલે ત્યાં અત્યારે રાજ્યપાલનું શાસન છે જેમણે સૈદ્ધાંતિક રીતે કેન્દ્ર સરકાર કહે એમ જ વર્તવાનું હોય છે. એ હિસાબે સરકારે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા જ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો બદલી નાખ્યો છે.
સંક્ષિપ્તમાં જોઈએ શું છે આર્ટિકલ 370 અને 35A
દેશનું બંધારણ ઘડાવાના છેલ્લા તબક્કામાં હતું ત્યારે એમાં આર્ટિકલ 370નો ઉમેરો કરવામાં આવ્યો હતો જેણે જમ્મુ-કાશ્મીરને બીજા રાજ્યોથી અલગ દરજ્જો આપ્યો હતો. એ મુજબ જમ્મુ-કાશ્મીરને એનું અલાયદું બંધારણ મળ્યું હતું, જુદો ધ્વજ રાખવાની મંજૂરી મળી હતી. વિદેશી સંબંધો, સંરક્ષણ અને દૂરસંદેશવ્યવહાર સિવાયના દેશના બીજા કોઈ કાયદા જમ્મુ-કાશ્મીરમાં લાગુ પાડવા માટે ત્યાંની વિધાનસભાની પરવાનગી લેવી પડતી હતી એ હિસાબે ત્યાં પોલીસ કે આવક વેરાને લગતા કાયદા પણ અલગ હતા.
આર્ટિકલ 35Aને લીધે જમ્મુ-કાશ્મીરના નાગરિક ન હોય એમને ત્યાં સંપત્તિ લેવાનો કે કાયમી વસવાટ મેળવવાનો અધિકાર નહોતો.એમને સરકારની કોઈ યોજના હેઠળ આર્થિક લાભ પણ મળતા નહોતા.