અમદાવાદી સાઇક્લિસ્ટ ખુશાલીએ 74.5 કલાકમાં 1000 કિ.મી સાઇક્લિંગ કરી ઇતિહાસ રચ્યો

ખુશાલી પેરિસની પીબીપી કોમ્પિટીશન માટે ક્વોલિફાય, સતારા ખાતેની સ્પર્ધામાં ભાગ લેવા બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન

Khushali Purohit

Source: Khushali Purohit

સ્પોર્ટ્સના ક્ષેત્રમાં પુરુષોનું વર્ચસ્વ જોવા મળે છે તે પછી ભલે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી, કુસ્તી કે સ્વિમિંગ જ કેમ ન હોય. તેમાં પણ વળી જો કોઇ મહિલા સાઇક્લિંગની દુનિયામાં પોતાનો ડંકો વગાડે તો વાત માન્યામાં જ ન આવે પરંતુ આ હકીકત છે. રમતજગતમાં છોકરીઓ માટે ઇતિહાસ રચવો મુશ્કેલ છે તેવી માન્યતાને અમદાવાદની સાઇક્લિસ્ટ ખુશાલી પુરોહિતે ખોટી સાબિત કરી છે. તેણે તાજેતરમાં નવેમ્બર 2017માં યોજાયેલી ચાર બીઆરએમ (બ્રેવેટ રોન્ડોનિયરીંગ મોન્ઝિયાક્સ રાઇડ) 200, 300, 400 અને 600 કિ.મી સાઇક્લિંગ કરીને એસઆરનું ટાઇટલ મેળવ્યું છે. આ ઉપરાંત ખુશાલીએ 30 દિવસની અંદર જ ફરી વખત 1000 કિ.મીની બીઆરએમ (બ્રેવેટ રોન્ડોનિયરીંગ મોન્ઝિયાક્સ રાઇડ) પૂરી કરીને એક નવો કિર્તિમાન સ્થાપ્યો છે. આવો જાણીએ ખુશાલીની સિદ્ધિ, તેના આગામી પડકાર અને સાઇક્લિંગ દરમિયાન પડેલી મુશ્કેલીઓ વિશે..

ખુશાલીની સિદ્ધિ
ગાંધીનગર ખાતે આવેલી પીડીપીયુમાં એનસીસીની લેફ્ટનન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતી ખુશાલીએ ધ સાઇક્લિંગ ક્લબ ઓફ બરોડા દ્વારા યોજાયેલી બીઆરએમ 74 કલાક પાંચ મિનિટમાં પૂરી કરી હતી. એસબીએસ સાથે વાત કરતા ખુશાલીએ જણાવ્યું હતું કે આ રેસ પૂરી કરવા માટે 75 કલાકનો કટઓફ ટાઇમ નક્કી કરવામાં આવ્યો હતો જેને મેં 74 કલાક અને પાંચ મિનિટમાં એટલે કે 55 મિનિટ વહેલા હાંસલ કરી લીધી હતી. ફક્ત ત્રણ દિવસમાં 1000 બીઆરએમનું અંતર પૂર્ણ કરવા માટે ખુશાલીએ ફક્ત છ કલાકની જ ઉંઘ લીધી હતી. ખુશાલીના જણાવ્યા પ્રમાણે તેમની ટીમે ત્રણ દિવસ તથા ત્રણ રાત સાઇકલ ચલાવી હતી. ત્રીજા દિવસે કટ ઓફ ટાઇમ પહેલા રેસ પૂરી કરવાની હોવાથી સતત 26 કલાક સાઇક્લિંગ કર્યું હતું. જેમાં વચ્ચે ફક્ત 45 મિનિટનો જ બ્રેક લીધો હતો. સતત સાઇક્લિંગ કરવાના કારણે પગમાં સોજા આવી ગયા હતા. આ સાઇક્લિંગ પ્રોગ્રામમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કુલ 8 સાઇક્લિસ્ટ જોડાયા હતા તેમાંથી પાંચ સાઇક્લિસ્ટ અમદાવાદના હતા. આ સિદ્ધિ હાંસલ કરનારી ખુશાલી પ્રથમ મહિલા બની છે.
Khushali Purohit
Khushali with her cycling group. Source: Khushali Purohit
કેવી રીતે અંતર કાપ્યું
દિવસ      રૂટ                              અંતર          સાઇક્લિંગનો સમય         આરામનો સમય
1    બરોડાથી ઇકબાલગઢ          300કિ.મી.    સવારે 6થી રાત્રે 10             3 કલાક
2    ઇકબાલગઢથી ભરૂચ           380 કિ.મી.    સવારે 3થી 3.30                2 કલાક
3    ભરૂચથી વલસાડ -બરોડા     320 કિ.મી    સવારે 6થી સવારે 8            45 મિનિટ

બીઆરએમ એટલે શું?

કોઇ પણ સાઇક્લિસ્ટ 200 કિલોમીટરથી વધારે સાઇક્લિંગની રેસ પૂરી કરે તેને એક બીઆરએમ (બ્રેવેટ રોન્ડોનિયરીંગ મોન્ઝિયાક્સ રાઇડ) ગણવામાં આવે છે. તેનો પ્રારંભ ફ્રાન્સ દ્વારા કરવામાં આવ્યો હતો.

પેરિસ બ્રેસ્ટ પેરિસ માટે ક્વોલિફાય
બીઆરએમ રેસ સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ ખુશાલી પેરિસ બ્રેસ્ટ પેરિસ માટે ક્વોલિફાય થઇ છે. આ રેસ 2019માં પેરિસમાં યોજાશે. જેમાં 1200 કિલોમીટર સાઇકલ ચલાવવાની રહેશે.

ખુશાલીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન
ખુશાલી પુરોહિતને તાજેતરમાં જ મહારાષ્ટ્રના સતારા ખાતે યોજાયેલી સતારા રનર્સ માઉન્ટેન રેસમાં 4801 સ્પર્ધકો સાથે રેસમાં ભાગ લેવા બદલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. માઉન્ટેન રેસમાં સૌથી વધુ 4801 સ્પર્ધકોએ ભાગ લેતા વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.

 


Share
Published 2 May 2018 3:07pm
Updated 8 May 2018 11:20am
By Vatsal Patel


Share this with family and friends