ઓસ્ટ્રેલિયાની ઓનલાઇન સિક્યુરિટી એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં દર 10 મિનિટે એક સાઇબરક્રાઇમનો ગુનો નોંધાય છે.
જુલાઇ મહિનામાં ઓસ્ટ્રેલિયન સાઇબર સિક્યોરિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્રણ મહિનાના ગાળામાં જ 13,500 જેટલી સાઇબરક્રાઇમની ફરિયાદ નોંધાઇ છે.
સર્વેના તારણ પ્રમાણે, દરેક ફરિયાદમાં લોકોએ સરેરાશ 700 ડોલર ગુમાવ્યા છે. અને, કેન્દ્રીય સરકારના મત પ્રમાણે સાઇબરક્રાઇમના કારણે ઓસ્ટ્રેલિયાના વેપાર ઉદ્યોગોને વર્ષે 29 બિલિયન ડોલરનું નુકસાન પહોંચે છે.
છેલ્લા એક વર્ષમાં દર ત્રીજી વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં સાઇબરક્રાઇમનો ભોગ બની છે. જેમાં ઓનલાઇન છેતરપીંડી પ્રથમ સ્થાને છે.
છેતરપીડીનો ભોગ બનનારા લોકો મેસેજમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને પોતાની બેન્કની વિગતો ભરે છે. અને, ત્યાર બાદ તે વિગતો દ્વારા ગુનો આચરનારા લોકો તે વ્યક્તિના નામનું નવું બેન્ક એકાઉન્ટ શરૂ કરાવે છે.
ઓસ્ટ્રેલિયન સાઇબર સિક્યુરિટી સેન્ટરના હેડ રાચેલ નોબલે ABC ને જણાવ્યું હતું કે, ગુનેગારો બિઝનેસની વિગતો મેળવી લે છે અને ત્યાર બાદ બિઝનેસની કમ્પ્યુટર સિસ્ટમ બંધ કરવાની ધમકી આપીને નાણાની માંગ કરે છે.
ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા રાજ્યમાં સાઇબરક્રાઇમના સૌથી વધુ કિસ્સા જોવા મળ્યા છે ત્યાર બાદ ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનો નંબર આવે છે.
સાઇબરક્રાઇમનો ભોગ બનનારા લોકોમાં મોટાભાગના લોકોની ઉંમર 25થી 34 વર્ષની વચ્ચે હતી.
પાંચમાંથી બે લોકોએ સ્વીકાર્યું હતું કે તેમણે તેમના તમામ એકાઉન્ટમાં એકસરખા પાસવર્ડ સેટ કર્યા હતા. જેમાં તેમનું નામ, પાલતૂં કૂતરાનું કે પરિવારના નામનો ઉપયોગ કરાયો હતો.રાચેલ નોબલે જણાવ્યું હતું કે ઇન્ટરનેટનો વપરાશકર્તાઓએ વિવિધ ડિવાઇસ, એકાઉન્ટમાં અલગ અલગ પાસવર્ડ સેટ કરવા ઉપરાંત સોફ્ટવેર પણ અપડેટ કરવું જોઇએ. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ અંગત વિગતો આપવાથી બચવું જોઇએ.
Hackers responsible for cracking the Australian National University's network focused on student information. Source: Moment RF
સુરક્ષિત કેવી રીતે રહી શકાય
ઇન્ટરનેટના માધ્યમથી થતા વિવિધ ગુનાઓથી બચવા માટે યુઝર્સે પોતાનો મજબૂત પાસવર્ડ સેટ કરવો જોઇએ અને પ્રાથમિક ઇમેલ એકાઉન્ટમાં પણ અગાઉ કોઇ પણ સ્થાને ન વાપર્યો હોય તેવો પાસવર્ડ જ નક્કી કરવો જોઇએ, તેમ યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના સાઇબર સિક્યુરિટી સેન્ટરના ડિરેક્ટર જ્હોન વિલિયમ્સે જણાવ્યું હતું.
- ઇમેલ દ્વારા આવતી લિંક પર ક્લિક કરીને કોઇ પણ પ્રકારના નાણાકિય વ્યવહાર કરવાથી બચવું જોઇએ.
- નાણાકિય વ્યવહાર કરતા અગાઉ ફોન નંબર દ્વારા તેની ચોક્કસાઇ કરી લેવી જોઇએ.
- કોઇ પણ એકાઉન્ટ પર શંકા જાય તો નાણાકિય વ્યવહાર ન કરવો જોઇએ અને તેની ઊલટતપાસ કરવી હિતાવહ છે.
- આ ઉપરાંત, જે લોકોને ઇન્ટરનેટના માધ્યમથી થતી છેતરપીંડી વિશે જાણ હોય તેણે અન્ય લોકોને પણ સાવચેત કરવા જોઇએ.