ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં સ્થાયી થયેલા બહુસાંસ્કૃતિક સમાજને વધુ યોગ્ય તકો પૂરી પાડવા માટે બે નવા વિસા કરાર કર્યા છે. ઇમિગ્રેશન, સિટીઝનશિપ તથા મલ્ટિકલ્ચરલ અફેર્સ મિનિસ્ટર, ડેવિડ કોલમેને એજ કેર (aged care) તથા ધાર્મિક સંસ્થાઓને લગતી બે નવા વિસા શ્રેણી જાહેર કરી હતી.
વૃદ્ધાશ્રમને લગતા વ્યવસાય ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ માંગ ધરાવતા વ્યવસાયની યાદીમાં સામેલ ન હોવા છતાં પણ નવી શ્રેણી હેઠળ એજ કેર (aged care) વ્યવસાયનું મેનેજમેન્ટ યોગ્ય લાયકાત તથા કુશળતા ધરાવતા વિદેશી નાગરિકને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા સ્પોન્સરશીપ આપી શકશે.
આ અંગે મંત્રી કોલમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઘણી વખત વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો પોતાની માતૃભાષા સિવાયની અન્ય ભાષા બોલી શકતા નથી અથવા સમજી શકતા નથી. તેથી, એજ કેરના વ્યવસાયિકોને દ્વીભાષી કેરર્સની જરૂરિયાત રહે છે. નવી વિસા શ્રેણી દ્વારા એજ કેરના વ્યવસાયિકો વૃદ્ધાશ્રમના લાભાર્થીઓને વધુ સારી સર્વિસ પૂરી પાડી શકશે."
નવા કરાર અંતર્ગત, એજ કેરના વ્યવસાયિકો યોગ્ય લાયકાત, કુશળતા ધરાવતા વિદેશી નાગરિકને ટેમ્પરરી સ્કીલ્સ શોર્ટેજ વિસા (Temporary Skills Shortage Visa) અથવા એમ્પલોયર નોમિનેશન સ્કીમ વિસા (Employer Nomination Scheme Visa) દ્વારા સ્પોન્સર કરી શકશે. જોકે, તે અગાઉ તેમણે સાબિત કરવું પડશે કે તેમને ઓસ્ટ્રેલિયામાં પોતાની જરૂરિયાત અનુસાર કોઇ ઉમેદવાર ન મળતા તેઓ જે-તે વિદેશી વ્યક્તિને સ્પોન્સર કરી રહ્યા છે.
ધાર્મિક સંસ્થાઓ પણ ધાર્મિક સહાયકોને સ્પોન્સર કરી શકશે
આ ઉપરાંત, વ્યવસાયોની યાદીમાં ધાર્મિક સહાયક (Religious Assistant) ને સ્થાન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત, ધાર્મિક સંસ્થાઓ પણ હવે પોતાના કાર્યકરોને ઓસ્ટ્રેલિયા બોલાવી શકશે.
વર્તમાન નિયમ પ્રમાણે, કોઇ પણ ધાર્મિક સંસ્થા પોતાના કાર્યકર્તાને ઓસ્ટ્રેલિયા બોલાવવા માંગતી હોય તો તે કાર્યકર્તા ચોક્કસ જગ્યાએ જ અને સંસ્થાના સૌથી વરિષ્ઠ પદ પર જ કાર્ય કરતો હોવો જોઇએ. જોકે, નવા કરાર હેઠળ, સ્પોન્સરશીપ મેળવનાર વ્યક્તિ સંસ્થામાં કોઇ પણ ઉંચા પદ પર કાર્ય કરી શકશે.
મંત્રી કોલમેનના જણાવ્યા પ્રમાણે, "હાલમાં ઓસ્ટ્રેલિયામાં 23,000 મિનિસ્ટર ઓફ રિલિજીયન (ધાર્મિક સંસ્થાના વડા) કાર્ય કરી રહ્યા છે. નવી વિસા શ્રેણી શરૂ થતા આગામી પાંચ વર્ષમાં મિનિસ્ટર ઓફ રિલિજીયન તથા ધાર્મિક સહાયકોની સંખ્યામાં વધારો થશે."
"અગાઉ ઓસ્ટ્રેલિયાની વિવિધ ધાર્મિક સંસ્થાઓને પોતાના કાર્યકર્તાઓને ઓસ્ટ્રેલિયા સ્થાયી કરવા તથા ધાર્મિક કાર્યો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ, હવે નવી વિસા શ્રેણી દ્વારા તેમની આ પરેશાનીનો અંત આવશે."
જોકે, સ્પોન્સર કરનાર સંસ્થા ધાર્મિક સંસ્થા જ હોવી જોઇએ અને તેમણે ચેરીટેબલ સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત કરેલો હોવો જોઇશે.
નવા કરાર 11 માર્ચ 2019થી લાગૂ થશે અને તે ઓસ્ટ્રેલિયાના કાયમી વસવાટ (Permanent Residency) ની તક પૂરી પાડશે.