ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે ઓનલાઇન મિટીંગમાં ભાગ લીધો હતો.
અગાઉ ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન સ્કોટ મોરિસન જાન્યુઆરી મહિનામાં ભારતના પ્રવાસે જવાના હતા પરંતુ ઓસ્ટ્રેલિયામાં આવેલા ભયંકર બુશફાયરના કારણે તેમનો ભારત પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ કોરોનાવાઇરસની વૈશ્વિક મહામારીને પગલે ભારત જવું શક્ય ન બનતા ગુરુવારે તેમણે વડાપ્રધાન મોદી સાથે ઓનલાઇન મિટીંગમાં ભાગ લઇ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી કરવાની જાહેરાત કરી હતી.
બંને દેશ વચ્ચે Comprehensive Strategic Partnership
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી સમયમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Strategic Partnership) અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરાશે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયા સાથે બહોળા ક્ષેત્રોમાં ઝડપથી સંબંધો મજબૂત થાય તે માટે કટિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાવાઇરસની વૈશ્વિક મહામારીના સમયમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી ફક્ત બે દેશો માટે જ જરૂરી નથી પરંતુ ઇન્ડો – પેસિફિક ક્ષેત્રના વિકાસમાં પણ તે મહત્વનો ભાગ ભજવશે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ ભારત સાથેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વિશે આંનદ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સાથેની ભાગીદારી બંને દેશોના સંબંધોને નવી દિશા આપશે અને ઇન્ડો-પેસિફિક વિસ્તારના વિકાસમાં તે ઉપયોગી બનશે.
Australian Prime Minister Scott Morrison speaks to Indian Prime Minister Narendra Modi during the 2020 Virtual Leaders Summit between Australia and India. Source: AAP
વિદેશ – રક્ષા મંત્રીની બેઠક યોજાશે
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશો દર બે વર્ષે વિદેશ મંત્રી તથા રક્ષા મંત્રીની બેઠક યોજશે અને વ્યૂહાત્મક રણનીતિ ઘડી તથા ભાગીદારી વધુ મજબૂત બનાવવાન દિશામાં કાર્યો કરશે.
વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ કેવા કાર્યો થશે
ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોની મિટીંગ બાદ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Strategic Partnership) હેઠળ વિવિધ ક્ષેત્રોમાં કાર્યો કરવાનો નિર્ણય લેવાયો છે.
- વિજ્ઞાન, ટેક્નોલોજી અને રીસર્ચમાં ભાગીદારી
- ઇન્ડો-પેસિફિક વિસ્તાર માટે સમુદ્રી સહયોગ
- રક્ષા ક્ષેત્રમાં ભાગીદારી
- રીજનલ અને બહુપક્ષિય ભાગીદારી
- આતંકવાદ
- આર્થિક સહયોગ દ્વારા સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ
- સંશોધન અને આંત્ર્યપ્રિન્યોરશિપ
- કૃષિ અને જળ સંસાધન સંચાલન
- શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રવાસ ઉદ્યોગ
- આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને યુનાઇટેડ નેશન્સમાં સહયોગ
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને ગુજરાતી ખીચડીની ઇચ્છા વ્યક્ત કરી
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને તાજેતરમાં સમોસા દ્વારા ભારતીય વડાપ્રધાન મોદી સાથે હળવી મજાક કરી હતી. ગુરુવારે બંને દેશોના વડાપ્રધાનોની મિટીંગની અંતમાં સ્કોટ મોરિસને હવે ગુજરાતી ખીચડી માણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેના પ્રત્યુત્તરમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના લોકોને તમારા નિવેદનથી આનંદ થશે.
સ્કોટ મોરિસનને સહપરિવાર ભારત પ્રવાસનું આમંત્રણ
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસનનું પ્રત્યક્ષ રીતે ભારતમાં તેમનું સ્વાગત નહીં કરી શકવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. જોકે, તેમણે ઓનલાઇન મિટીંગનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્કોટ મોરિસનને કોરોનાવાઇરસ બાદ સ્થિતી સામાન્ય થાય ત્યારે સહપરિવાર ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.