ઓસ્ટ્રેલિયાની સરહદો જ્યારે ખુલ્લી મૂકવામાં આવે ત્યારે દેશમાં થનારા માઇગ્રેશનમાં યુવાનોને પ્રાથમિકતા આપવા માટે ઓસ્ટ્રેલિયન સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે.
ગ્રેટન ઇન્સ્ટીટ્યૂટ દ્વારા જારી કરવામાં આવેલા ઇમિગ્રેશન પોલિસી અંગેના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ઓસ્ટ્રેલિયા અર્થતંત્રમાં ફાળો આપતા હોય તેવા માઇગ્રન્ટ્સને પ્રાધાન્ય આપતું નથી.
રીપોર્ટમાં જણાવાયું છે કે જો ઓસ્ટ્રેલિયાએ વેપાર - ઉદ્યોગ દ્વારા અર્થતંત્રનો વિકાસ કરવો હશે અને દેશની વસ્તીની સરેરાશ ઉંમરમાં થતાં વધારાને કાબૂમાં લેવો હશે તો મોટી ઉંમરના અને અંગ્રેજીની ઓછી લાયકાત ધરાવતા લોકોને સ્વીકારવાનું ઓછું કરવું પડશે.રીપોર્ટમાં સ્પોન્સરશીપની પ્રક્રિયા તથા યુવા અને પ્રતિભાશાળી માઇગ્રન્ટ્સને પ્રાથમિકતા આપવા માટે જણાવ્યું છે.
Skilled migrants (representational image) Source: Getty Images
ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2021-22 માટે પર્મેનન્ટ માઇગ્રેશન કાર્યક્રમ માટે 79,600 વિસા ફાળવવામાં આવ્યા છે. જે વર્ષ 2013થી 2019 દરમિયાન સરેરાશ 125,000થી ઘણા ઓછા છે.
બીજી તરફ, કામચલાઉ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોની સંખ્યા બમણી થઇ ગઇ છે. વર્ષ 2007માં 500,000 જેટલા લોકો ટેમ્પરરી વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં હતા. હાલમાં ઓસ્ટ્રેલિયામાં 1 મિલીયન જેટલા લોકો કામચલાઉ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં છે.
ગ્રેટનના રીપોર્ટમાં ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસની મહામારી બાદ પર્મેનન્ટ સ્કીલ્ડ માઇગ્રેશન વિસા માટે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે અંગે કેટલીક ભલામણો રજૂ કરી છે.
જે અંતર્ગત, પર્મેનન્ટ સ્કીલ્ડ વર્કર વિસા વ્યવસાયોની યાદી પ્રમાણે નહીં પરંતુ નોકરીદાતા સ્પોન્સર કરી શકે તે માટે તમામ વ્યવસાયોને પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. જેમાં વાર્ષિક 80,000 ડોલરનું પગારધોરણ નક્કી કરી શકાય તેવી ભલામણ પણ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં મુખ્ય 4 પ્રકારે પર્મેનન્ટ વિસા આપવામાં આવે છે.
- પોઇન્ટ્સ ટેસ્ટેડ સ્કીલ્ડ માઇગ્રેશન
- એમ્પલોયર નોમિનેટેડ
- બિઝનેસ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ
- ગ્લોબલ ટેલેન્ટ
Source: AAP
આ ઉપરાંત, સરકારે ગ્લોબલ ટેલેન્ટ વિસાની વાર્ષિક સંખ્યા 1000થી 11,000 જેટલી કરી છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સરકારે આ વિસાની સંખ્યામાં વધારો કર્યા અગાઉ તેના દ્વારા કોઇ લાભ થાય છે કે તેમ તે અંગે યોગ્ય અભ્યાસ કરવો જરૂરી છે.
રીપોર્ટમાં કરવામાં આવેલી ભલામણો
- બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન કાર્યક્રમ રદ કરવામાં આવે
- ગ્લોબલ ટેલેન્ટ વિસામાં વધારો કર્યા અગાઉ આ કાર્યક્રમથી થતા લાભની સમીક્ષા કરવામાં આવે
- પર્મેનન્ટ વિસાધારકોને વ્યવસાયની યાદીના આધારે ટેમ્પરરી સ્કીલ્ડ વિસા દ્વારા પસંદ ન કરવામાં આવે.
- વાર્ષિક 80,000ની આવકની શરત સાથે તમામ વ્યવસાયોને નોકરીદાતા દ્વારા સ્પોન્સર વિસા ઉપલબ્ધ કરાવવા.
- યુવા તથા પ્રતિભાશાળી માઇગ્રન્ટ્સને આકર્ષવા પોઇન્ટ ટેસ્ટેડ વિસાની સ્વતંત્ર રીતે સમીક્ષા કરવી.
- ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ પર્મેનન્ટ સ્કીલ્ડ વર્કર વિસામાં પારદર્શિતા તથા તેની પ્રક્રિયાના સમયમાં ઝડપ લાવે.