ઓસ્ટ્રેલિયાની બ્લાઇન્ડ ફૂટબોલ ટીમે (B1) બંને દેશોમાં બ્લાઇન્ડ ફૂટબોલનો વિકાસ થાય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ મળી રહે તે માટે હાલમાં જ ભારતનો પ્રવાસ કર્યો હતો. 17થી 23મી સપ્ટેમ્બર સુધી યોજાયેલા આ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન ટીમે બે મેચ રમવા ઉપરાંત ભારતીય ટીમ સાથે ટ્રેનિંગ સત્રમાં પણ ભાગ લીધો હતો.
આગામી વર્ષે યોજાનારી બ્લાઇન્ડ ફૂટબોલ (B1) ચેમ્પિયનશીપમાં માટે તૈયારી કરી રહેલી ઓસ્ટ્રેલિયન બ્લાઇન્ડ ફૂટબોલ ટીમનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો.બે મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારે લડત દર્શાવી હતી જોકે તેમને યજમાન ભારત સામે બંને મેચમાં પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ મેચ 2-0થી તથા બીજી મેચ 5-0થી ગુમાવી હતી.
India and Australia blind football team. Source: Blind Football India
શ્રેણીમાં ભાગ લીધા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમ સાથે મળીને એક ટ્રેનિંગ સત્રમાં ભાગ લીધો હતો જેમાં તેમણે ફિટનેસ તથા વધુ સારી રમતનું પ્રદર્શન કરવા માટેની જરૂરી માહિતી મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાની બ્લાઇન્ડ ફૂટબોલ ટીમના કો-ઓર્ડિનેટર ડેવ કોનોલીએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, "આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયાની ટીમને આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ મળી રહે તેનો હતો. આ ટીમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો અને ટીમને તેનાથી ઘણો ફાયદો થાય તેમ જણાઇ રહ્યું છે."
ઓસ્ટ્રેલિયાની પ્રથમ બ્લાઇન્ડ ફૂટબોલ ટીમમાં વિક્ટોરીયા તથા ક્વીન્સલેન્ડના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક મહિલા ખેલાડી
છ સભ્યો ધરાવતી ઓસ્ટ્રેલિયન બ્લાઇન્ડ ફૂટબોલ ટીમમાં બ્રેન્ડન સ્પેન્સર (કેપ્ટન), એન્ડ્ર્યુ ક્લોસ, નથાન લેટ્ટીસ, નથાન મેનેસેસ તથા શેઇ સ્કીનરનો સમાવેશ થાય છે. સ્કેઇ સ્કીનર આ ટીમની એખમાત્ર મહિલા ખેલાડી છે જેણે બ્લાઇન્ડ ટીમ તરફથી ભારત સામેની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
2019માં વિવિધ ટૂર્નામેન્ટ્સ
બ્લાઇન્ડ ફૂટબોલ ઓસ્ટ્રેલિયા ફક્ત એક જ વર્ષ જૂનું છે અને તેઓ ભારતનો પ્રવાસ કર્યા બાદ 2019માં વધારે ટૂર્નામેન્ટ્સ રમવા પર ધ્યાન આપી રહ્યા છે.
"અમે 2019માં ચાર રાષ્ટ્રીય કેમ્પનું આયોજન કરવા જઇ રહ્યા છીએ. આગામી વર્ષે એશિયન બ્લાઇન્ડ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં રમીને ઓસ્ટ્રેલિયન બ્લાઇન્ડ ફૂટબોલ ટીમ પાસે 2020માં રમાનારા પેરાલિમ્પિક્સમાં ક્વોલિફાય થવાની તક રહેલી છે," તેમ કોનોલીએ જણાવ્યું હતું.
બ્લાઇન્ડ ફૂટબોલ વિશેની કેટલીક રસપ્રદ માહિતી
બ્લાઇન્ડ ફૂટબોલ સંપૂર્ણ અંધ અથવા આંશિક અંધ હોય તેવા ખેલાડીઓ દ્વારા રમાય છે. તેમાં બે પ્રકારના ફોર્મેટ છે. એક (B1)અંધ ફૂટબોલ તથા આંશિક અંધ ખેલાડીઓ માટેનું ફૂટબોલ (B2/B3).
બ્લાઇન્ડ ફૂટબોલ માટે અલગ મેદાન
બ્લાઇન્ડ ફૂટબોલ એ પેરાલિમ્પિક્સ દ્વારા માન્યતા પ્રાપ્ત રમત છે. જોકે તેના માટેનું મેદાન સામાન્ય ફૂટબોલની રમતના મેદાન કરતા અલગ હોય છે. બ્લાઇન્ડ ફૂટબોલ માટેના મેદાનનું સામાન્ય રીતે માપ 40 મીટર * 20 મીટર રાખવામાં આવે છે.
Image
ટીમમાં પાંચ ખેલાડીઓ
બ્લાઇન્ડ ફૂટબોલની એક ટીમમાં પાંચ ખેલાડીઓ હોય છે. એક ગોલકીપર તથા ચાર રમી રહેલા ખેલાડીઓ. જેઓ વિરોધી ટીમની ગોલપોસ્ટ પર ગોલ કરવાનો પ્રયત્ન કરે છે. જે ખેલાડીઓ મેદાનમાં રમે છે તેઓ ખાસ કપડાનો ઉપયોગ કરીને આંખને ઢાંકી રાખે છે જેથી તમામ ખેલાડીઓ એકસરખી દ્રષ્ટિ ધરાવી શકે. જ્યારે ગોલકીપર સંપૂર્ણ કે આંશિક અંધ હોઇ શકે છે પરંતુ તે ગોલપોસ્ટનો વિસ્તાર છોડી શકતો નથી.
બ્લાઇન્ડ ફૂટબોલ માટે ખાસ પ્રકારનો બોલ
બ્લાઇન્ડ ખેલાડીઓની મેચ માટે ખાસ પ્રકારનો સાઇઝ 3 નંબરનો બોલ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારનો બોલ વધુ ઉછળતો નથી અને તેમાંથી અવાજ આવે છે જેથી રમી રહેલા ખેલાડીઓ તે અવાજની દિશા દ્વારા બોલ પાસે જઇ શકે. મેદાન બહાર રહેલા કોચ તથા અન્ય ખેલાડીઓ દ્વારા પણ તે સલાહ સૂચન લઇ શકે છે. કેટલીક વખત ટીમનો કોચ વિરોધી ટીમની ગોલપોસ્ટ પાછળ ઉભા રહીને પોતાના ખેલાડીને ગોલ કરવા માટે માર્ગદર્શન આપતા જોવા મળે છે.