જાતિવાદનો વિરોધ કરતા પ્રોજેક્ટ "DoMore" અંતર્ગત ઓસ્ટ્રેલિયન સેલિબ્રિટી અને ખ્યાતનામ લોકો દેશના રહેવાસીઓને જાતિવાદની સમસ્યાને પડકારવા માટે આહવાન કરી રહ્યા છે.
DoMore પ્રોજેક્ટ અંતર્ગત એક વીડિયો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં પ્રખ્યાત અભિનેતા હ્યુ જેકમેન કહી રહ્યા છે કે, જાતિવાદના દુષણ સામે લડવાનો આ એક સીમાચિન્હ સમય છે.
NBA Philadelphia 76ers' All-Star ના બેન સિમન્સે જાતિવાદનો વિરોધ કરતું કેમ્પેઇન શરૂ કર્યું છે જેમાં ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને તેમના વર્તનમાં સમાનતા દાખવવા માટે અપીલ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, "સમાનતા સ્થાપિત કરીને જ ઓસ્ટ્રેલિયાના એક ઉમદા ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે".
સિમન્સને ઓસ્ટ્રેલિયાના અન્ય રમતવીરોનો પણ સાથ મળ્યો છે. ટેનિસ સ્ટાર નિક કિરીયોસ, ઓસ્ટ્રેલિયન ફૂટી લીગના નિક નૈટાનુઇ અને હૈરીટીયર લુમુમ્બા, ફૂટબોલ ખેલાડી સેમ કર અને નેશનલ રગ્બી લીગના કેયલેન પોન્ગાએ પણ જાતિવાદ વિરોધી પહેલને સમર્થન આપ્યું છે.
આ કેમ્પેઇન અંતર્ગત ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયના લોકોની કહાનીને પ્રસ્તુત કરી જાતિવાદ સામે જાગૃતિ ફેલાવવામાં આવશે.
“#DoMore”, દ્વારા જાતિવાદ સામેની લડત માટેના વિવિધ સ્ત્રોત મળી રહેશે જેનાથી તમે પણ મિત્રો, પરિવાજનો, શાળા અને નોકરીના સ્થળ પર સમાજમાં પ્રવર્તી રહેલા આ દૂષણ વિશે ચર્ચા કરી શકો છો.
જાતિવાદ સામે લડીને જ ઓસ્ટ્રેલિયામાં તમામ લોકો માટે એક સમાન ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે, તેવો પ્રોજેક્ટનો સત્તવાર સંદેશ છે.
મોડલ ડકી થોટના માતા-પિતા સાઉથ સુદાનીસ સિવિલ વોરના સમયમાં રેફ્યુજી તરીકે સાઉથ સુદાનથી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. તે જણાવે છે કે ઘણા લાંબા સમયથી જાતિવાદના દૂષણોને ઢાંકવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
ડીજે અને ડિઝાઇનર સ્કાય થોમસ વિક્ટોરીયાના પૂર્વ-દક્ષિણ તરફ આવેલા ડાન્ડેનોંગમાં ઉછર્યા છે. એક ઇન્ડીજીનીસ મહિલા તરીકે તેઓ છેલ્લા કેટલાક સમયથી ઇન્ડીજીનીસ ઓસ્ટ્રેલિયન્સને પડી રહેલી તકલીફો માટે ઓનલાઇન માધ્યમથી સંવાદ કરી રહ્યા છે.
તે જણાવે છે કે, ભેદભાવ, અવગણના, અને હિંસા આપણા સમાજમાં સામાન્ય બાબત બની ગઇ છે.
બીજી તરફ, ટીવી પ્રેઝન્ટર અલાના સ્મિથે જણાવ્યું હતું કે, આપણા બધામાં વ્યક્તિગત પક્ષપાત જોવા મળે જ છે.
અભિનેતા મારગો રોબીએ જણાવ્યું હતું કે, જાતિવાદ કરવાથી દૂર રહેવું જ પૂરતું નથી પરંતુ, રોજિંદા વર્તનમાં જાતિવાદનો વિરોધ કરવો પણ એટલો જ જરૂરી છે.
અભિનેતા હ્યુ જેકમેને જણાવ્યું હતું કે, આપણે ઘણી વખત ઓસ્ટ્રેલિયાની બહુસાંસ્કૃતિક દેશ તરીકેની છાપ વિશે વાતો કરીએ છીએ પરંતુ ભવિષ્યમાં આપણે હ્દયથી પણ એક થવાની જરૂર છે.
સાઉથ સુદાની મૂળના ઓસ્ટ્રલિયાના મધ્ય અંતરના દોડવીર 22 વર્ષીય જોસેફ ડાંગે જણાવ્યું હતું કે સમુદાયમાં દરેક સમાજના લોકોની સ્વીકૃતિ થાય તે જરૂરી છે.