તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના હોમ અફેર્સ મંત્રી ક્લેર ઓ નીલે દેશની માઇગ્રેશન પ્રણાલીમાં જડમૂળથી ફેરફાર કરવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત, તેમણે ટેમ્પરરી સ્કીલ્ડ વિસા ધરાવતા તથા નોકરીદાતા દ્વારા સ્પોન્સર્ડ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો માટે પર્મેનન્ટ રેસીડન્સીનો માર્ગ નક્કી કરવા પર પણ ભાર મૂક્યો હતો.
સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા મહત્વના ફેરફાર વિશે માહિતી
TSMITની રકમમાં વધારો
નવા ફેરફાર અંતર્ગત, સરકારે ટેમ્પરરી સ્કીલ્ડ માઇગ્રેશન ઇન્કમ થ્રેશોલ્ડ (TSMIT)ની રકમમાં વધારો કર્યો છે.
નવા નિયમ પ્રમાણે, 1લી જુલાઇ 2023થી TSMITની રકમ 53,900 ડોલરથી વધારીને 70,000 કરવામાં આવી છે.
આ નવા ફેરફાર અંગે માહિતી આપતા માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે, અગાઉ સ્કીલ્ડ માઇગ્રેશન અંતર્ગત પર્મેનન્ટ રેસીડન્સી મેળવવા માટે લઘુત્તમ વાર્ષિક આવક 53,900 નક્કી કરવામાં આવી હતી.
Source: Getty / Getty Images
આ ફેરફાર 1લી જુલાઇ 2023 બાદ અરજી કરતા ઉમેદવારોને લાગૂ થશે.
હાલમાં વિસા ધરાવતા તથા 1લી જુલાઇ 2023 અગાઉ અરજી કરતા ઉમેદવારોને ફેરફાર લાગૂ થશે નહીં, તેમ તેમણે જણાવ્યું હતું.
પર્મેનન્ટ રેસીડન્સી માટેના નિયમમાં રાહત
ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2023ના અંત સુધીમાં એમ્પલોયર નોમિનેશન સ્કીમ (સબક્લાસ 186) માટે Temporary Residence Transition (TRT) ઉપલબ્ધ થશે.
મતલબ કે, ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ (TSS) વિસાધારકોને તેમના નોકરીદાતા સ્પોન્સર કરી શકશે.
અરજીકર્તાને કેવા નિયમો લાગૂ થશે
અરજીકર્તાએ TSS વિસા માટે નક્કી કરેલા તેમના વ્યવસાયમાં જ નોકરી કરવી પડશે.
સરકારે મીડિયમ તથા લોંગ-ટર્મ સ્ટ્રેટીજીક સ્કીલ્સ લિસ્ટ (MLTSSL) સુધી જ વ્યવસાયોને સિમીત નથી રાખ્યા. તેમાં શોર્ટ ટર્મ વ્યવસાયોનો પણ સમાવેશ કરાયો છે.
TRT હેઠળ પર્મેનન્ટ રેસીડન્સી માટે અગાઉ અરજીકર્તાએ ત્રણ વર્ષ સુધી નોકરી કરવાનો નિયમ હતો. જેમાં સરકારે ફેરફાર કરીને 2 વર્ષ કર્યો છે.
અરજીકર્તા હવે, એમ્પલોયર નોમિનેશન સ્કીમ (સબક્લાસ 186) હેઠળ 2 વર્ષ બાદ પર્મેનન્ટ રેસીડન્સી માટે અરજી કરી શકે છે.
જોકે, તે માટે અરજીકર્તાએ એમ્પલોયર નોમિનેશન સ્કીમ વિસા માટે નક્કી કરવામાં આવેલી તમામ શરતો તથા વિસાની જરૂરીયાતો અનુસરવી જરૂરી છે.
સરકારે આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં અરજીકર્તા દ્વારા શોર્ટ-ટર્મ સ્ટ્રીમ (TSS) વિસા માટે કરવામાં આવતી અરજીની મર્યાદા પણ કામચલાઉ ધોરણે હટાવી છે.
મતલબ કે, વર્તમાન સમયમાં TSS વિસા ધરાવતા ઉમેદવાર દેશ છોડ્યા વિના ફરીથી TSS વિસા માટે અરજી કરવા લાયક બની શકે છે.
Source: Getty / Getty Images
માઇગ્રેશન પ્રણાલીની સમીક્ષા બાદ સરકારે ફેરફાર કર્યા
ઓસ્ટ્રેલિયન સરકારે દેશની માઇગ્રેશન પ્રણાલીની સપ્ટેમ્બર 2022માં જોબ્સ એન્ડ સ્કીલ્સ સમિટમાં સમીક્ષા કરી હતી.
માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે જણાવ્યું હતું કે, ટેમ્પરરી સ્કીલ્ડ સ્પોન્સર્ડ વર્કર્સ ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડન્સી મેળવી શકે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યા છે.
ફેરફારની મદદથી ઉમેદવારને લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવાની તક મળશે અને નોકરીદાતાને તેમના વેપાર – ઉદ્યોગને લગતા કુશળ કર્મચારીઓની અછત પૂરી કરવામાં સહાયતા મળશે, તેમ પાર્થ પટેલે ઉમેર્યું હતું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
.ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.