ઓસ્ટ્રેલિયામાં આગામી 21મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાવાની છે. તે અગાઉ દેશના વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
દેશના બે મોટા પક્ષ લિબરલ પાર્ટી તથા લેબર પાર્ટી ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાયને વિવિધ યોજનાઓની જાહેરાત કરી આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
હાઇલાઇટ્સ
- ઓસ્ટ્રેલિયામાં 21મી મે 2022ના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાશે.
- વર્તમાન સત્તાધારી પક્ષે વિક્ટોરીયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં મંદિરમાં કમ્યુનિટી હબ બનાવવાની જાહેરાત કરી.
- ભારતીય સમુદાયને આકર્ષિત કરવા બંને રાજકીય પક્ષોના પ્રયત્નો.
તાજેતરમાં લિબરલ પાર્ટીએ વિક્ટોરીયા તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય માટે કમ્યુનિટી હબ વિકસાવવાની જાહેરાત કરી છે.
તો બીજી તરફ, કેન્દ્રીય વિરોધ પક્ષના નેતા એન્થની એલ્બાનિસીએ પણ સિડનીના બ્લેકટાઉન વિસ્તારમાં આવેલા મંદિર તથા સમુદાયની દિવાળીના સમયે મુલાકાત લીધી હતી.
વર્તમાન સત્તાધારી પક્ષ લિબરલ પાર્ટીએ મોરિસન સરકાર ફરીથી ચૂંટાશે તો 1.5 મિલિયન ડોલરના ખર્ચ સાથે મેલ્બર્નના બેસિન ખાતે આવેલા શ્રી વક્રટુન્ડા વિનાયાગર મંદિરમાં હિન્દુ કમ્યુનિટી હબ વિકસાવવાની જાહેરાત કરી છે.
એસ્ટન મતવિસ્તારના કેન્દ્રીય સાંસદ એલન ટજે આ અંગે જણાવ્યું હતું કે હાલમાં વિક્ટોરીયામાં લગભગ 134,000 હિન્દુ વસવાટ કરે છે. અને, મંદિરની મુલાકાત લેતા ભક્તોને આ હબનો લાભ મળશે.
આ ઉપરાંત, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થના કેનિંગ વેલ વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિરમાં શિક્ષણ તથા સાંસ્કૃતિક કેન્દ્ર માટે મોરિસન સરકારે 1 મિલિયન ડોલર ફાળવવાનું નક્કી કર્યું છે.
ટેંગની વિસ્તારના કેન્દ્રીય સાંસદ બેન મોર્ટને જણાવ્યું હતું કે, પર્થ હિન્દુ મંદિર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આવેલું સૌથી જૂનું મંદિર છે અને અહીં દરરોજ 300 ભક્તો દર્શન માટે હાજરી આપે છે.
નવા કેન્દ્રનો ઉપયોગ બાળકોના સાંસ્કૃતિક શિક્ષણ તથા યુવાઓની પ્રવૃત્તિ માટે થઇ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ ફેસબુકના માધ્યમ પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવી તેઓ ગુજરાતી વાનગી ખીચડી બનાવી રહ્યા હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો.
બીજી તરફ, લેબર પક્ષના નેતા એન્થની એલ્બાનિસીએ પણ વર્ષ 2021માં દિવાળીના તહેવાર દરમિયાન સિડનીના બ્લેકટાઉન વિસ્તારમાં આવેલા મંદિર તથા ભારતીય સમુદાયના સભ્યોની મુલાકાત કરી હતી.
અને ભારતીય સમુદાયે ઓસ્ટ્રેલિયાના વિકાસમાં આપેલા ફાળાને બિરદાવ્યો હતો.'લિટલ ઇન્ડિયા' નામથી જાણિતા સિડનીના હેરિસ પાર્ક વિસ્તારમાં ભારતીય સમુદાય મોટી સંખ્યામાં રહે છે.
Federal Opposition Leader Anthony Albanese (middle) visit the Shree Swaminarayan Mandir Templeto in Blacktown in Sydney. Source: AAP Image/Bianca De Marchi
એક આંકડા પ્રમાણે, હેરિસ પાર્કમાં રહેતા લોકોમાંથી 50 ટકા જેટલા લોકો ભારતમાં જન્મ્યા હતા.
વિઝીટર વિસા પર ઓસ્ટ્રેલિયા આવતા હર્ષદભાઇ ઠક્કરે SBS Gujarati ને જણાવ્યું હતું કે, વર્તમાન મોરિસન સરકાર ઉમદા કાર્ય કરી રહી છે.
હેરિસ પાર્કમાં લગભગ 100 જેટલા સભ્યોનું સામાજિક ગ્રૂપ ચલાવતા હર્ષદભાઇએ વધુમાં ઉમેર્યું હતું કે, મોટાભાગના સિનિયર સિટીઝન્સ ભારતીય નાગરિક હોવાના કારણે ચૂંટણીમાં મત આપી શકતા નથી પરંતુ તેઓ ચૂંટણીમાં પ્રચાર કરવાનું કાર્ય કરે છે.
વર્ષ 2019માં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણીમાં લગભગ 30 જેટલા સભ્યોએ ચૂંટણી પ્રચાર કરીને લોકોને મતદાન કરવા જણાવ્યું હતું.
હર્ષદભાઇએ વર્તમાન મોરિસન સરકારે કોવિડ-19 દરમિયાન દેશના રહેવાસીઓની સુરક્ષા માટે લીધેલા આરોગ્યલક્ષી નિર્ણયો આવકાર્યા હતા.અન્ય એક સભ્ય નટવરલાલ વરાછડાએ સિડનીમાં સતત 12 દિવસ સુધી જાહેર વાહન વ્યવહારમાં મફત મુસાફરીની યોજનાને બિરદાવી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્રમાં સત્તા ધરાવતા લિબરલ પક્ષે વિવિધ સમુદાયો માટે ઉમદા કાર્યો કર્યા છે.
Indian community members in Harris Park in Sydney. Source: Supplied by: Harshad Thakkar
બીજી તરફ, હેરિસ પાર્કમાં છેલ્લા 15 વર્ષથી રહેતા હિતેશ પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે, કેન્દ્રીય વિરોધ પક્ષની વિવિધ નીતિથી તેઓ પ્રભાવિત થયા છે.
લેબર પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલી ચાઇલ્ડકેરની યોજના વિશે હિતેશ પટેલે જણાવ્યું હતું કે, લેબર પાર્ટીએ જો ચૂંટણી જીતશે તો ચાઇલ્ડકેરની સુવિધા માટે સબ્સિડી વધારવાની જાહેરાત કરી છે. જે યુવા માઇગ્રન્ટ્સ માટે લાભદાયી થઇ શકે છે.
દામજીભાઇ સપારીયાએ ઓસ્ટ્રેલિયાની વર્તમાન સરકારના કાર્યો વિશે જણાવ્યું હતું કે, પશ્ચિમ સિડનીમાં રહેતા બહુસાંસ્કૃતિક સમાજ માટે સરકારે ઘણા ઉમદા કાર્યો કર્યા છે. વર્તમાન સરકાર ફરીથી ચૂંટાય અને સિનિયર સિટીઝન્સ માટે વધુ યોજનાઓ અમલમાં મૂકે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.