સૌથી વધુ કાર ટકરાવાના બનાવો ધરાવતા ઓસ્ટ્રેલિયાના શોપિંગ સેન્ટર્સ જાહેર

ઓસ્ટ્રેલિયામાં વેકેશન અને ક્રિસમસના સમયગાળા દરમિયાન શોપિંગ સેન્ટર્સમાં કાર પાર્ક કરતી વખતે અન્ય કાર કે કોઇ સાધન સાથે કાર અથડાવાના કિસ્સામાં વધારો નોંધાય છે. એક ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેનું તારણ...

car park

Source: SBS

હાલમાં સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસની રજાઓ ચાલી રહી છે. અને, આ સમયગાળા દરમિયાન મોટાભાગના લોકો સુપરમાર્કેટ કે શોપિંગ સેન્ટર્સમાં ખરીદી કરવા માટે જતા હોય છે.

જેથી, શોપિંગ સેન્ટર્સના પાર્કિંગમાં કાર પાર્ક કરવા માટે જગ્યા મળવી થોડી મુશ્કેલ બની જાય છે. અને, વર્ષના આ સમયગાળામાં કાર અથડાવાના કિસ્સામાં ભારે વધારો જોવા મળે છે.

ઇન્સ્યોરન્સ કંપની AAMI દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના તહેવાર દરમિયાન શોપિંગ સેન્ટર્સના કાર પાર્કિંગમાં અકસ્માતના બનાવોનું પ્રમાણ વધી જાય છે.

કંપનીએ 24 હજાર કાર-પાર્ક ઇન્સ્યોરન્સ ક્લેમ પર 1લી ડિસેમ્બર 2018થી 30 નવેમ્બર 2019 સર્વે કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોના શોપિંગ સેન્ટર્સમાં બનતા અકસ્માતોના આંકડા રજૂ કર્યા હતા.

  • કાર પાર્ક કરતી વખતે ડિસેમ્બર મહિનામાં 2674 બનાવો જ્યારે જાન્યુઆરીમાં 2185 બનાવો નોંધાયા હતા.
  • વર્ષના 12 મહિનાની સરખામણીમાં ડિસેમ્બર મહિનામાં શોપિંગ સેન્ટર્સમાં કાર અકસ્માતના બનાવોમાં 37 ટકાનો વધારો નોંધાયો છે.
  • મેલ્બર્નમાં આવેલું ચેડસ્ટન શોપિંગ સેન્ટર ઓસ્ટ્રેલિયાના શોપિંગ સેન્ટર્સમાં કાર અથડાવાના બનતા બનાવોમાં પ્રથમ ક્રમે આવે છે.

ઓસ્ટ્રેલિયાના કયા રાજ્યોના શોપિંગ સેન્ટર્સમાં સૌથી વધુ કાર ટકરાવાની ઘટના બને છે.

Australia's worst shopping centre carpark
Source: Supplied
  • શોપિંગ સેન્ટર્સમાં કાર અથડાવાની સૌથી વધુ ઘટના શુક્રવારે બને છે.
  • કાર અથડાવાના મોટાભાગના બનાવો શોપિંગ સેન્ટરના થાંભલા, પિલર, ટ્રોલી કે દિવાલ સાથે બને છે.
  • દર ત્રણમાંથી એક કાર અથડાવાનો બનાવ ડ્રાઇવર કાર રિવર્સ કરી રહ્યા હોય ત્યારે બને છે.
  • દર દસમાંથી કાર અથડાવાનો એક બનાવ પાર્ક કરેલી કાર સાથે બને છે.
AAMI ના બિહેવીયરલ ઇકોનોમિસ્ટ ફિલીપ સ્લેડે જણાવ્યું હતું કે, શોપિંગ સેન્ટર્સમાં કાર પાર્ક કરવા માટે જગ્યા શોધતી વખતે મોટાભાગના બનાવો બને છે. વર્ષના સામાન્ય દિવસોમાં ડ્રાઇવર્સને કાર પાર્ક કરવા માટે 3થી 5 મિનીટનો સમય લાગે છે પરંતુ તહેવારોના દિવસોમાં પાર્કિંગ માટે જગ્યા શોધવામાં વધુ સમય લાગતો હોવાથી ડ્રાઇવર્સ કંટાળી જાય છે અને કાર અથડાય છે.

વિશેષજ્ઞો દ્વારા ટીપ્સ:

  • ઉનાળામાં અને ક્રિસમસ જેવા તહેવારો દરમિયાન કાર પાર્કિંગ શોધતી વખતે મન શાંત રાખવું
  • કાર પાર્કિંગ માટે વધુ સમય લાગી શકે, તેથી યોગ્ય ટાઇમ ફાળવવો જરૂરી છે.
  • કાર રિવર્સ કરતી વખતે ટ્રોલી, દિવાલ કે અન્ય કોઇ સાધન સામગ્રીનું ધ્યાન રાખો.
  • કારમાં બાળકો બેઠાં હોય તો તેમનું પણ ધ્યાન રાખો.
  • કાર પાર્કિંગ વખતે આજુબાજુમાં પાર્ક કરેલી કારથી અંતર રાખો.

Share

Published

Updated

By Vatsal Patel

Share this with family and friends