દર વર્ષે 17મી મેને વર્લ્ડ બેકિંગ ડે તરીકે ઉજવાય છે. જેમાં બેકિંગ દ્વારા બનતા વિવિધ ખાદ્યપદાર્થોને આરોગીને આ દિવસની ઉજવણી કરાય છે.
તો બીજી તરફ, છેલ્લા કેટલાક સમયમાં ઇંડા કે મીટમાંથી બનેલી વસ્તુઓ નહીં ખાવાના અભિગમને વેગ મળ્યો છે અને વિશ્વમાં લગભગ 1000 મિલિયન જેટલા લોકો વીગનિઝમ અપનાવતા થયા છે.
આજે, વર્લ્ડ બેકિંગ ડેના દિવસે જાણીએ વીગન કેકની વધતી લોકપ્રિયતા અને તેની સાથે સંકળાયેલી રસપ્રદ બાબતો વિશે.
વીગનિઝમ - લોકપ્રિય થતો અભિગમ
વીગનિઝમ એટલે ઇંડા કે અન્ય મીટમાંથી ન બનેલા ખાદ્યપદાર્થો આરોગવા. વીગનિઝમ અનુસરતા લોકો ડેરી ઉત્પાદનો, ઇંડા અને મીટમાંથી બનેલી ચીજવસ્તુઓ આરોગતા નથી અને એક રીસર્ચ પ્રમાણે, વિશ્વમાં લગભગ 1000 મિલિયન લોકો વીગનિઝમ અપનાવતા થયા છે.
હાલમાં, વીગનિઝમ અનુસરતા લોકોમાં વીગન કેક એટલે કે ડેરી ઉત્પાદનો કે ઇંડા વિના બનેલી કેક લોકપ્રિય બનતી જાય છે.
મેલ્બર્નના વીગન કેક શેફ મોનિકા મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે વીગનિઝમ અપનાવતા અને ડેરીના ઉત્પાદનો સામે એલર્જીનો સામનો કરતા લોકોમાં વીગન કેક પસંદ કરવાનું ચલણ વધ્યું છે. વીગન કેક સામાન્ય કેક જેટલી જ સ્વાદિષ્ટ બની શકતી હોવાથી વીગનિઝમ ન અપનાવતા લોકોમાં પણ તે લોકપ્રિય બનતી જાય છે.
છેલ્લા પાંચ વર્ષથી વીગન કેકનો વ્યવસાય કરતા મોનિકા મહેતાએ ઉમેર્યું હતું કે વીગન કેકમાં વપરાતી ચીજવસ્તુઓ ડેરી ફ્રી હોવા ઉપરાંત, તેમાં ઇંડા કે મીટનો ઉપયોગ થતો નથી. વીગન કેક આરોગ્ય અને પર્યાવરણ માટે પણ લાભદાયી છે.
આ ઉપરાંત, કેક બનાવવા માટે કોઇ પણ પ્રકારના કંદમૂળનો પણ ઉપયોગ કરાતો નથી.
વીગન કેક બનાવવામાં પડતી મુશ્કેલી
અગાઉ, સામાન્ય કેકની સરખામણીમાં વીગન કેક બનાવવા વપરાતા પદાર્થો સહેલાઇથી ઉપલબ્ધ ન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મોનિકાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં વીગન કેકમાં વપરાતા પદાર્થો મેળવવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ હવે વીગન કેકની લોકપ્રિયતા વધતા તે આસાનીથી મળી રહે છે.
વીગન કેકની સજાવટ
વીગન કેકની સજાવટ સામાન્ય કેક કરતાં થોડી જુદી રીતે થાય છે. સામાન્ય કેકની સજાવટ ઇંડામાંથી બનેલા પદાર્થો દ્વારા થાય છે જ્યારે વીગન કેક માટે "એક્વાફાબા" (ચાસણી જેવું ચીકણું પ્રવાહી) વપરાય છે.
દેખાવ અને સ્વાદમાં પણ વીગન કેક સામાન્ય કેક જેવી જ લાગતી હોવાથી વીગનિઝમ નહીં અપનાવતા લોકો પણ વીગન કેક આરોગે છે.
Source: Supplied
ગુજરાતીઓને ખાસ ગમે છે વીગન કેક
વીગન કેકમાં વપરાતા પદાર્થોમાં ઇંડા અને મીટના અન્ય પદાર્થોનો ઉપયોગ થતો નહીં હોવાથી ગુજરાતી સમાજમાં લોકોમાં વીગન કેક ખરીદવાનું પ્રમાણ વધ્યું છે અને વિવિધ પ્રસંગો અને તહેવારમાં ગુજરાતી પરિવારો વીગન કેક ખરીદે છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 1લી નવેમ્બરને વર્લ્ડ વીગન ડે તરીકે ઉજવવામાં આવે છે. યુકે વીગન સોસાયટીની 50મી વર્ષગાંઠ નિમિત્તે 1994થી વર્લ્ડ વીગન ડેની ઉજવણી કરાય છે. આ ઉપરાંત, જાન્યુઆરી મહિનાને વીગન્યુઆરી તરીકે ઉજવીને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવી વધુને વધુ લોકોને વીગનિઝમ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
પ્રાણીઓ પ્રત્યે થઇ રહેલા અત્યાચારનો વિરોધ તથા તેમનું સંરક્ષણ કરતી સંસ્થા PETA (People for the Ethical Treatment of Animals) વીગનિઝમનો પ્રચાર - પ્રસાર કરવા બદલ મોનિકાનું એવોર્ડ દ્વારા સન્માન કર્યું છે.