જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની ટુકડી પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જેટલા જવાનોના મૃત્યુ થયા બાદ સમગ્ર ભારતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે વિશ્વના વિવિધ દેશોના નેતાઓએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરીને આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતને સાથ આપ્યો હતો.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલાને વખોડ્યો હતો અને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આપણા દેશના જવાનોની શહીદી બેકાર નહીં જાય.
તેમણે શુક્રવારે મોડી સાંજે નવી દિલ્હી ખાતે જવાનોના પાર્થિવ દેહને પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન તથા વિરોધ પક્ષના નેતા બીલ શોર્ટને પણ પુલવામામાં થયેલા હુમલાની નિંદા કરી હતી.
સ્કોટ મોરિસને પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, હુમલામાં ભોગ બનેલા જવાનોના પરિવાર પ્રત્યે હું સહાનુભૂતિ દાખવું છું. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભારતના નાગરિકોને મારી સંવેદના પાઠવું છું.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામાં 78 વાહનોમાં 2500 જેટલા સીઆરપીએફના જવાનો જઇ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો અને તેમાં 40 જવાનોના મૃત્યું થયા હતા.