અંડર - 19 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમની આગેવાની કરીને ભારતીય મૂળના ક્રિકેટર જેસન સંઘાએ અગાઉથી જ પોતાની પ્રતિભા દર્શાવી દીધી છે અત્યારે તે ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમીને ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મેળવવા પર નજર કરી રહ્યો છે.
સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે જ રાજ્ય તરફથી ક્રિકેટ રમવાનો કોન્ટ્રાક્ટ મેળવનારો જેસન સંઘા ન્યૂ સાઉથ વેલ્સનો માત્ર ત્રીજો ક્રિકેટર બન્યો છે.
તેણે ગયા વર્ષે એશિઝ રમવા માટે આવેલી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તે સમયે તે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યો હતો.
ઇંગ્લેન્ડ સામે સદી ફટકારવા અંગે જેસને જણાવ્યું હતું કે, "હું ક્યારે ભૂતકાળના પ્રદર્શન પર આધાર રાખતો નથી, હું નસીબદાર છું કે મેં ઇંગ્લેન્ડ સામે 100 રન કર્યા હતા. સદી નોંધાવીને ચોક્કસપણે મારામાં આત્મવિશ્વાસનો વધારો થયો છે."
ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે તેના માતા-પિતાએ આપેલા સહયોગ અંગે જેસન તેમનો આભારી છે. તેના માતા-પિતા કલાકો સુધી તેને કાર ચલાવીને તેને ટ્રેનિંગ તથા મેચ રમવા માટે લઇ જતા હતા.
"ક્રિકેટમાં શરૂઆતના દિવસો અંગે જેસન જણાવે છે કે, મારા પિતા મને બેટિંગ નીખારવામાં મદદ કરતા હતા. જ્યારે હું મેચમાં શૂન્ય રને આઉટ થઇને ઘરે આવતો ત્યારે હું મારા પિતા સાથે બેટિંગ પ્રેક્ટિસ કરતો હતો."
જેસન માટે તેનો ભારતીય વારસો ઘણો મહત્વનો છે અને તે હજી પણ તેને અપનાવવા માંગતો હતો. જેસને જણાવ્યું હતું કે, "એક વાતનો મને અફસોસ રહેશે કે હું વધુ વખત ભારત જઇ શક્યો નથી. જ્યારથી પણ ક્રિકેટને ગંભીરતાથી અપનાવ્યું છે ત્યારથી મારા માટે ભારત જવું અઘરું બનતું ગયું છે. મને આ વર્ષે ચેન્નાઇ જવાની તક મળી હતી તેનો આનંદ છે."
Cricket Australia XI batsman Jason Sangha celebrates scoring a century on day 4 of the tour match between Cricket Australia XI and England. Source: AAP Image/Dave Hunt
જેસને જે પ્રકારે અંડર-19 ક્રિકેટમાં પોતાનું પ્રદર્શન કર્યું છે તે આગામી સમયમાં પણ તે જાળવી રાખવા માગે છે.
તેના કોચ એન્થનો ક્લાર્કે જણાવ્યું હતું કે, "જેસન ખૂબ જ પ્રતિભાશાળી અને મહેનતૂ ખેલાડી છે. મને લાગે છે કે જો તે આ પ્રકારે જ મહેનત ચાલૂ રાખશે તો મને લાગે છે કે તે સિનિયર ટીમમાં પણ સ્થાન મેળવી શકે છે."
જેસન જ્યારે 8 વર્ષનો હતો ત્યારે તેના પિતા કુલદીપ તેને ભારત સામેની મેચ નીહાળવા માટે લઇ ગયા હતા અને ત્યારથી એડમ ગિલક્રિસ્ટ તેનો સૌથી લોકપ્રિય ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો હતો.
during an Australian training session at Bay Oval on February 2, 2018 in Tauranga, New Zealand. Source: Kai Schwoerer-IDI/IDI via Getty Images
11 વર્ષ બાદ જેસન ન્યૂ સાઉથ વેલ્સની ટીમમાં સ્થાન પામ્યો છે અને તેનો આગામી લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમ તરફથી રમવાનો છે.
"હાલમાં તો મારો લક્ષ્યાંક ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમવાનો છે અને ચોક્કસપણે હું આ ટીમ માટે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાની સિનિયર ટીમમાં સ્થાન મેળવવાનો લક્ષ્યાંક રાખું છે. મોટાભાગના ક્રિકેટરનું સપનું દેશ માટે રમવાનું હોય છે, મારું પણ એ જ સપનું છે એટલે જ હું કલાકો સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરું છું," તેમ જેસને જણાવ્યું હતું.
જેસન હજી સુધી ન્યૂ સાઉથ વેલ્સ માટે રમ્યો નથી પરંતુ તેને ટીમ તરફથી રમવાની તક મળશે અને એક દિવસ તે રાષ્ટ્રીય ટીમમાં પણ સ્થાન મેળવી શકે તેમ છે.