અગાઉ તો, સન્ની સિંઘે ઓક્ટોબર 2018માં તેમની સાથે બનેલી ઘટના અંગે વાત કરવાની અનિચ્છા દર્શાવી. જોકે, તેમણે જણાવ્યું કે તે ખરેખર નિરાશાનજક હતું પરંતુ તેનો સુખદ અંત આવ્યો તેનો આનંદ છે.
ઘટના એવી છે કે, સન્ની સિંઘ સાઉથ ઓસ્ટ્રેલિયામાં છેલ્લા એક દશકથી રહે છે અને તેમણે પોર્ટ અગસ્ટા સિટી કાઉન્સિલ માટે પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી હતી.
ત્યાર બાદ એક વીડિયોમાં એક ટ્રક ડ્રાઇવર સન્ની સિંઘના કટઆઉટને ગુસ્સામાં મુક્કો મારી રહ્યો હોય અને તેમની ભારતીય સંસ્કૃતિને અપશબ્દો બોલી રહ્યો હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો.વીડિયો વાઇરલ થયા બાદ ઘણા લોકોએ તે ટ્રક ડ્રાઇવરની આ હરકતને વખોડી હતી અને સન્ની સિંઘને પોર્ટ અગસ્ટાના નવા ચૂંટાયેલા મેયર બ્રેટ બેનબોઉનો પણ સહયોગ મળ્યો હતો.
A video attacking Singh appeared online. Source: Supplied
સન્ની સિંઘે તે વીડિયો બનાવનાર ટ્રક ડ્રાઇવર ગ્રાન્ટ મરોનીને ફોન કર્યો અને તેને વ્યક્તિગત રીતે મળવાનો આગ્રહ કર્યો હતો.
સન્ની સિંઘે જણાવ્યું હતું કે, "મેં તે ટ્રક ડ્રાઇવરને ફોન કર્યો અને તેને મળવાનો આગ્રહ કર્યો. હું તેને બતાવવા માગતો હતો કે હું કેવો વ્યક્તિ છું અને અમારી સંસ્કૃતિ શું છે."
સન્ની સિંઘના જણાવ્યા પ્રમાણે, બંને જણા મળ્યા અને તે હસી રહ્યા હોય તેવો ફોટો પણ વાઇરલ થયો હતો.
ત્યાર બાદ, સન્ની સિંઘને વધુ એક આનંદના સમાચાર મળ્યા, તેઓ વિસ્તારના કાઉન્સિલર તરીકે ચૂંટાયા.
Image
2008માં ઓસ્ટ્રેલિયા આવ્યા
મોટાભાગના માઇગ્રન્ટ્સની જેમ, સન્ની સિંઘ અને તેમના પત્ની સોની 2008માં તેમનું વતન છોડીને, થોડા નાણા અને બે બેગ લઇને ઓસ્ટ્રેલિયા આવ્યા હતા.
સન્ની સિંઘે જણાવ્યું હતું કે, "મને યાદ છે કે અમને Coles અને Woolworths વિશે કંઇક ખબર ન હોવાથી અમે કરિયાણું Shell માંથી લાવ્યા હતા."
તેમને પોર્ટ અગસ્ટા વિશે પણ ખબર નહોતી પરંતુ સન્ની સિંઘે ત્યાં ટેક્સી ડ્રાઇવર તરીકે નોકરી મેળવી હતી તેથી ત્યાં સ્થાયી થયા હતા.
પોર્ટ અગસ્ટા 14,000 લોકોની વસ્તી ધરાવતું એક નાનું શહેર છે. ત્યાં ગરમીના દિવસોમાં તાપમાન લગભગ 40 ડિગ્રી જેટલું રહે છે.
જોકે, હવે તેમને આ શહેર ગમવા લાગ્યું છે.
શરૂઆતનો સંઘર્ષ
સન્ની સિંઘ તથા તેમની પત્ની માટે શરૂઆતના દિવસો આસાન નહોતા.
તેમના પત્ની સોની અભ્યાસની સાથે Hungry Jack’s માં નોકરી પણ કરતા હતા અને તેમને એડિલેડ જવા - આવવામાં લગભગ 8 કલાક જેટલો સમય લાગી જતો હતો.
પોર્ટ અગસ્ટા એડિલેડથી દૂર હોવાથી ત્યાં સુરક્ષાના પણ કેટલાક પ્રશ્નો હતા.
"હાલમાં પોર્ટ અગસ્ટા જેટલું સુરક્ષિત છે એટલું તે સમયે નહોતું. શહેરમાં ક્યાંક આલ્કોહોલ ફ્રી ઝોન નહોતા."સન્ની સિંઘે પોતાની યોગ્ય છાપ બનાવી અને ટેક્સી કંપનીએ તેમને મેનેજમેન્ટમાં જગ્યા આપી, સ્પોન્સરશીપ પણ આપી અને હવે તેઓ સિટીઝન છે.
Singh helped set up a cricket team in Port Augusta. Source: Supplied
તેમણે શહેરમાં ભારતીય સંસ્કૃતિ માટે યોજાતા કાર્યક્રમોમાં પોતાની સેવાઓ પણ આપી છે. સન્ની સિંઘના જણાવ્યા પ્રમાણે, "અહીં નાના-મોટા કાર્યક્રમોની ઉજવણી શરૂ થઇ અને મિત્રોની સલાહથી ક્રિકેટ ક્લબની પણ શરૂઆત કરી હતી."
આ ઉપરાંત, ગુરુદ્વારાની પણ સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં સમાજના લોકો પ્રાર્થના કરે અને એક સાથે ભોજન પણ લઇ શકે.
નવી જવાબદારી માટે તૈયાર
સન્ની સિંઘ કાઉન્સિલર તરીકેની પોતાની નવી જવાબદારી માટે તૈયાર છે. તેઓ સમાજના લોકોની સલામતી, સુરક્ષા જળવાય તે માટે કટિબદ્ધ છે.
મેયર બ્રેટ બેનબોઉના જણાવ્યા પ્રમાણે, "સન્ની સિંઘ સામાજિક છે, સમાજની સેવા કરવા આતુર રહે છે."
સન્ની સિંઘના કેટલાક મિત્રો મેલ્બોર્ન સ્થાયી થયા છે. જોકે સન્ની પોર્ટ અગસ્ટામાં જ રહેવા માગે છે. અહીં તેમણે પોતાનું ઘર ખરીદ્યું છે અને તેમના 4 વર્ષીય પુત્ર રણવિજયને ઉછેરી રહ્યા છે."આ શહેર છોડીને બીજે સ્થાયી થવા કરતાં અહીં જ રહીને વિસ્તારના પ્રશ્નો હલ કરવા જરૂરી છે."
Singh is now a councillor in Port Augusta. Source: Supplied
નવા માઇગ્રન્ટ્સને સન્ની સિંઘની સલાહ
"ઓસ્ટ્રેલિયાના લોકો તથા તેમની સંસ્કૃતિ સાથે મિત્રતા બનાવો અને તેમને તમારી સકારાત્મક બાબતો વિશે સમજ આપો."
ગ્રાન્ટ મરોની સાથે સન્ની સિંઘ હજી પણ સંપર્કમાં છે અને તેમના જણાવ્યા પ્રમાણે બંને સારા મિત્રો જેવા છે.