મેલ્બોર્નમાં રહેતા પ્રિતેશ પટેલ ક્વિન્સલેન્ડ ખાતેના પ્રખ્યાત બિચ પર શુક્રવારે સવારે પાણીમાં ડૂબતા બચ્યાં હતા.
30 વર્ષના પ્રિતેશ તેમના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે ગયા હતા. સનસાઇન કોસ્ટ બિચ ખાતે તેઓ સ્વિમીંગ કરવા ગયા ત્યાં જ તેઓ દરિયાના પાણીમાં ફસાઇ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ ને જણાવ્યા પ્રમાણે, ઘટના વખતે તેમના પત્ની કિનારે જ ઉભા હતા અને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા.
સ્વિમીંગ કરી રહેલા અન્ય ચાર વ્યક્તિઓ તાત્કાલિક પાણીમાં પડ્યા હતા અને ત્યાર બાદ લાઇફસેવર્સે પણ જેટસ્કીની મદદથી તેમને પાણીની બહાર કાઢ્યાં હતા.સ્વિમીંગ કરવા માટેના સુરક્ષિત વિસ્તારની બહાર સ્વિમીંગ કરી રહેલા પ્રિતેશ પટેલે ઘટના બાદ જણાવ્યું હતું કે તેમને બોધપાઠ મળી ગયો છે અને સમુદ્રના જોખમોની ખબર પણ પડી ગઇ છે.
Image for representation only Source: Getty Images
9newsને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે ફ્લેગ્સની વચ્ચે જ સ્વિમીંગ કરશે તથા દરિયા અને મોજાને હળવાશથી લેશે નહીં.
તેમણે જીવ બચાવનારા તમામ લોકોનો આભાર પણ માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં માઇગ્રન્ટ્સના દરિયામાં ડૂબવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ડીસેમ્બર મહિનામાં લગભગ છ જેટલા માઇગ્રન્ટ્સ લોકોના ઓસ્ટ્રેલિયાના દરિયામાં ડૂબવાથી મૃત્યુ થયા છે. સમુદ્રના જોખમો વિશે માઇગ્રન્ટ્સે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
સર્ફ લાઇફ સેવિંગ ઓસ્ટ્રેલિયાએ તેમના ફેસબુક પેજ પર વોર્નિંગ પણ મૂકીને લોકોને પેટ્રોલિંગ તથા સુરક્ષાની તમામ વ્યવસ્થા હોય તેવા દરિયામાં ફ્લેગ્સની વચ્ચે સ્વિમીંગ કરવા જણાવ્યું છે.
પાણીમાં નહાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું.
- દરિયામાં લાલ તથા પીળા ધ્વજની વચ્ચે જ નહાવું.
- સુરક્ષાની તમામ નિશાનીઓનું ધ્યાન રાખો
- લાઇફસેવર - લાઇફગાર્ડ પાસેથી સુરક્ષાની સલાહ લેવી
- હંમેશાં સમૂહમાં સ્વિમીંગ કરવું અને આજુબાજુના લોકોનું ધ્યાન પણ રાખવું.
- બાળકોનું પાણીમાં ખાસ ધ્યાન રાખવું
- આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કરીને સ્વિમીંગ ન કરવું
- પાણીના જોખમો વિશે ધ્યાન રાખવું
- મદદની જરૂર હોય તો શાંતિ જાળવવી અને મદદ માગવી
- બોટીંગ કે રોક ફિશીંગ કરતી વખતે લાઇફજેકેટ પહેરવું
- પાણીને લગતી મુશ્કેલીઓ અંગેની તાત્કાલિક મદદ માટે ત્રીપલ ઝીરો (000) નંબર ડાયલ કરવો