કેનેડાના ઇમિગ્રેશન મંત્રીના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસની મહામારી સામે લડતમાં યોગદાન આપનારા 90,000 વિદ્યાર્થીઓ તથા ટેમ્પરરી માઇગ્રન્ટ્સને કેનેડા પર્મેનન્ટ રેસીડન્સી આપશે.
આ કાર્યક્રમ 6 મેના રોજ અમલમાં આવશે. જેમાં આરોગ્ય ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓથી લઇને કરિયાણાના સ્ટોર તથા સુપર માર્કેટ્સ, ટ્રક ડ્રાઇવર્સ તથા ખેતરમાં કાર્ય કરતા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાઇલાઇટ્સ
- કેનેડામાં 6 મે 2021થી આ કાર્યક્રમ અમલમાં આવશે.
- કોરોનાવાઇરસની મહામારી દરમિયાન દેશને મદદરૂપ થનારા ટેમ્પરરી વિસાધારકો અને વિદ્યાર્થીઓને પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડવામાં આવશે.
- કેનેડીયન સરકારના જણાવ્યા પ્રમાણે, ટેમ્પરરી માઇગ્રન્ટ્સના યોગદાનને ન્યાય મળશે.
આ ઉપરાંત, છેલ્લા 4 વર્ષમાં ગ્રેજ્યુએટ થનારા લોકોને પણ પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડવામાં આવશે.
ઇમિગ્રેશન મંત્રી માર્કો મેન્સિડીનોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા કેનેડાના વર્ષ 2021ના 4 લાખ લોકોને પર્મેનન્ટ રેસીડેન્સી આપવાના લક્ષ્યાંકને પણ હાંસલ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે કેનેડાના વાર્ષિક માઇગ્રેશનની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના સમયમાં ટેમ્પરરી માઇગ્રન્ટ્સે કેનેડામાં પોતાનો ફાળો આપ્યો છે. તેમને પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડવાથી તેઓ કેનેડામાં તેમના ભવિષ્યનું આયોજન કરી શકશે તથા દેશનું અર્થતંત્ર ફરીથી બેઠું કરવામાં મહત્વનો ભાગ પણ ભજવશે.
તેમણે જણાવ્યું હતું કે, ભલે તેઓ હાલમાં ટેમ્પરરી રેસીડન્ટ્સ હોય પરંતુ તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે અને તેઓ અહીં જ રહે તેવી અમારી ઇચ્છા છે.
મહામારી દરમિયાન કેનેડા જ ઇમિગ્રેશન બાબતોમાં છૂટછાટ આપનારો એકમાત્ર દેશ નથી.
ફ્રાન્સે પણ ગયા વર્ષે કોરોનાવાઇરસની મહામારીમાં મદદરૂપ હજારો લોકોની સિટીઝનશિપની અરજીનો ઝડપથી નિકાલ કરવાની જાહેરાત કરી હતી.