- દેશની વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને દર 5 વર્ષે ભાષાકીય સેવાઓની સમીક્ષા કરવામાં આવે છે.
- સમીક્ષા 5મી ઓક્ટોબરથી 12 નવેમ્બર 2021, છ અઠવાડિયા સુધી ચાલશે
- ભાષાકીય સેવાની સમીક્ષાના પરીણામો ઓક્ટોબર 2022માં જાહેર થશે અને તેને નવેમ્બર 2022માં લાગૂ કરવામાં આવશે.
SBSની સ્થાપના વર્ષ 1975માં થઇ હતી, તે વખતે 8 ભાષાઓમાં પોતાની સેવાઓ આપી રહ્યું હતું
ઓડિયો અને લેન્ગ્વેજ કન્ટેટના ડીરેક્ટર ડેવિડ હુઆ જણાવે છે કે વિદેશમાં એટલે કે ઓસ્ટ્રેલિયામાં રેડિયોના માધ્યમથી પોતાની માતૃભાષા સાંભળ્યા બાદ લોકોમાં એક અનોખો ઉમંગ છવાઇ ગયો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ટર્કીશ ડ્રાઇવરે જ્યારે ઓસ્ટ્રેલિયામાં SBS રેડિયો પર તેની માતૃભાષા સાંભળી ત્યારે તે ખૂબ જ ખુશ થઇ ગયો હતો.
સ્થાપનાના 46 વર્ષ બાદ SBS હાલમાં વિવિધ પ્લેટફોર્મ્સ દ્વારા 60થી વધુ ભાષાઓમાં પોતાની સેવાઓ આપી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક તથા બહુભાષીય સમુદાયની જરૂરીયાતો પૂરી કરવાનો ઉદ્દેશ્ય
![Kanjshree Pathak, a producer with SBS Gujarati, in an SBS Melbourne studio.](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/kanjshree_pathak.jpeg?imwidth=1280)
Kanjshree Pathak, a producer with SBS Gujarati, in the SBS Melbourne studio. Source: SBS Gujarati
SBSનો ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં વિવિધ સમુદાયોની જરૂરીયાતો વિશે જાણવાનો છે. તે માટે એસબીએસ દર 5 વર્ષે તેની ભાષાકીય સેવાઓની સમીક્ષા કરે છે.
SBS પાસે ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમુદાય સુધી પહોંચવાની વિશેષ પ્રતિભા છે. તે રેડિયો, ઓનલાઇન, પોડકાસ્ટ તથા એપના માધ્યમથી 60થી વધુ ભાષાઓમાં પોતાની સેવાઓ આપે છે, તેમ ડેવિડ હુઆએ જણાવ્યું હતું.
અને, વધુ શ્રેષ્ઠ રીતે સેવા આપી શકાય તે માટે SBS ભાષાકીય સેવાઓની દર 5 વર્ષે સમીક્ષા કરે છે. તેના માટે તે ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના આંકડા તથા માપદંડોનો ઉપયોગ કરે છે.
આ વર્ષે થયેલી વસ્તી ગણતરીના પરિણામો જૂન 2022માં પ્રસિદ્ધ થશે.
ડેવિડ હુઆ જણાવે છે કે મોટા થઇ રહેલા સમુદાયોને ધ્યાનમાં રાખીને ભાષાકીય સેવાઓ પ્રસ્તુત કરવી જરૂરી છે.
આ સમીક્ષામાં SBS ઓડિયો તથા ભાષાકીય સેવાઓ જેમાં રેડિયો, SBS On Demand, પોડકાસ્ટ, તથા અન્ય ડીજીટલ પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવશે.
SBS 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે આ સમીક્ષા તેને આગામી વ્યૂહરચના ઘડવામાં મદદરૂપ થશે, તેમ ડેવિડ હુઆએ જણાવ્યું હતું.
વર્ષ 2018માં 7 નવી ભાષાઓનો સમાવેશ કરાયો હતો
હાકા ચીન ભાષા સામાન્ય રીતે પશ્ચિમ મ્યાનમારમાં બોલાતી ભાષા છે. વર્ષ 2018માં કરવામાં આવેલી સમીક્ષા બાદ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
હાકા ચીન સાથે Mongolian, Kirundi, Tibetan, Karen, Rohingya and Telugu ભાષાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો.
મેલ્બર્ન સ્ટુડીયોમાં કાર્યરત હાકા ચીનના પ્રોડ્યુસર ચુંગ ખુકઝાને જણાવ્યું હતું કે તેમના સમુદાય પાસે માહિતી મેળવવાનો SBS એકમાત્ર સ્ત્રોત છે.
મોટાભાગના વડીલો તથા માતા-પિતા અંગ્રેજી બોલતા કે સમજતા નથી. તેથી જ ઓસ્ટ્રેલિયાના સમાચારો તેમને પોતાની માતૃભાષામાં મળે તે જરૂરી છે.
નવા તથા વિસ્તરી રહેલા સમુદાયો
![Community](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/cung_khukzawn_a_producer_with_sbs_haka_chin_in_an_sbs_melbourne_studio.jpg?imwidth=1280)
Cung Khukzawn, a producer with SBS Haka Chin, in an SBS Melbourne studio. Source: SBS/Gareth Boreham
Federation of Ethnic Communities' Councils of Australia ના ચીફ એક્સીક્યુટીવ મોહમ્મદ અલ ખફાજીએ જણાવ્યું હતું કે, નવા તથા વિસ્તરી રહેલા સમુદાયોને સમીક્ષા દ્વારા લાભ થાય તે મહત્વપૂર્ણ છે.
તેમણે ઉમેર્યું હતું કે, તેઓ વધુ ભાષાઓનો સમાવેશ થાય તેમ ઇચ્છી રહ્યા છે. અને તે માટે સરકાર યોગ્ય ફંડ આપે તે જરૂરી છે.
ડેવિડ હુઆ જણાવે છે કે SBSએ કોવિડ-19 મહામારી દરમિયાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેણે સમુદાયોને તેમની જ ભાષામાં આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 45થી પણ વધુ વર્ષોથી સમુદાયોને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
ભાષાકીય સેવાઓમાં સુધારા કરવાથી બહુસાંસ્કૃતિક સમુદાયની જરૂરીયાતો પૂરી કરી શકાય છે, તેમ ડેવિડ હુઆએ જણાવ્યું હતું.
તમામ ને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, અંતિમ પસંદગી મે 2022માં થશે તથા તેને વર્ષ 2022ના અંત સુધીમાં અમલ થશે.