કુલ 37 જેટલા સ્વયંસેવકોને મેલ્બોર્ન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે સમાજના વિવિધ કાર્યોમાં આપેલા યોગદાન બદલ Lalor Hero award દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિવિધ રમતો સાથે સંકળાયેલા, વરિષ્ઠ નાગરિકો માટે કાર્ય કરતા ક્લબ, મહિલાઓના ઉદ્ધાર માટે કાર્ય કરતી સંસ્થા તથા અન્ય સામાજિક કાર્યો કરતા સ્વયંસેવકોને સાંસદ સભ્ય જોએન રાયન દ્વારા સન્માનિત કરાયા હતા.
સ્વયંસેવકોના યોગદાનને બિરદાવતા સાંસદ સભ્ય જોએન રાયને SBS Gujarati સાથે વાત કરતા જણાવ્યું હતું કે સ્વયંસેવકો એ સમાજ માટે કરોડરજ્જુ સમાન છે. તેઓ તેમનો કિંમતી સમય વિવિધ સામાજિક કાર્યો કરવામાં અને સમાજના ઉદ્ધારમાં પસાર કરે છે.
પરંતુ ઘણી વખત તેઓ જે સન્માનના હકદાર છે તેવું સન્માન તેમને મળતું નથી. તેથી જ અમે કાર્યક્રમ યોજીને તેમને સન્માનિત કર્યા છે.
Lalor Hero award 2018 દ્વારા સન્માનિત થયેલા વિવિધ વિજેતાઓએ સમાજ માટે કરેલા કાર્યો પર એક નજર...
Tania(R), a Lalor Hero award winner of 2018. Source: Tania Kelaart
તાનિયા કેલાર્ટ - વિન્ધમ વિમેન્સ સપોર્ટ ગ્રૂપ
વિવિધ સમાજની મહિલાઓને સમાજમાં યોગ્ય તક તથા પ્રગતિ કરવા માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે તાનિયાએ 2015માં વિન્ધમ વિમેન્સ સપોર્ટ ગ્રૂપ શરૂ કર્યું હતું. તેમની સંસ્થા સતત અવગણનાનો સામનો કરી રહેલી મહિલાઓને વાત કરવા તથા તેમને પોતાના મંતવ્યો રજૂ કરવાની તક આપે છે. સંસ્થા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ તથા વર્કશોપનું આયોજન કરીને મહિલાઓની અંદરની કળાને નીખારે છે. આ ઉપરાંત મહિલાઓ માટે ઘરેલું હિંસા તથા માનસિક બિમારીઓ અંગે જ્ઞાન આપવા માટેના વર્ગોનું પણ આયોજન કરે છે.
રઘબિર સિંઘ બડવાલ, ક્લબ 60
રઘબિર સિંઘ બડવાલે ક્લબ 60ની સ્થાપના કરી હતી. આ ક્લબ વરિષ્ઠ નાગરિકોને સામાજિક કાર્યો સાથે જોડાવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. રઘબિર સિંઘ વિવિધ પ્રકારની રમત સ્પર્ધાનું આયોજન કરવા ઉપરાંત રમતોની ટ્રેનિંગ પણ આપે છે. તેઓ યુવાનોને શારીરિક કસરતો માટેનું જરૂરી જ્ઞાન પણ પૂરું પાડે છે.
હરબન્સ સિંઘ ગ્રેવાલ - ક્લબ 60
હરબન્સ સિંઘ ગ્રેવાલ ક્લબ 60ના સભ્ય છે. તેઓ પોતાની પુત્રીની સલાહ પર ક્લબમાં જોડાયા હતા. તેઓ ક્લબ તરફથી વિવિધ પ્રકારના સામાજિક કાર્યોમાં ભાગ લે છે અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમને સમાજ માટે આપેલા પોતાના યોગદાન બદલ સન્માનિત કરાયા હતા.
Kapil Thakkar recognized for running community sports tournaments. Source: Joanne Ryan
કપિલ ઠક્કર, એએફએલ કમ્યુનિટી એમ્બેસેડર
કપિલ ઠક્કર વિવિધ સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપે છે. તેમણે નાના બાળકો તથા વરિષ્ઠ નાગરિકોને ઓસ્ટ્રેલિયન રુલ્સ ફૂટબોલ રમત સાથે જોડવાનું કાર્ય કર્યું હતું. તેમને જુદી - જુદી રમત સ્પર્ધા તથા ચેરિટી કપનું આયોજન કરવા બદલ સન્માનિત કરાયા હતા.
Amit Singh Jadaun (R) receives certificate from Joaane Ryan (L) Member of Parliament for his contribution for the society. Source: Joanne Ryan
અમિત સિંઘ જાદુન, ફોરમ ફોર ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન
અમિત સિંઘે જુદા - જુદા મુદ્દાઓ સામે સમાજને ટેકો આપવા માટે અન્ય સભ્યોની સાથે ફોરમ ફોર ઇન્ડિયન ઓસ્ટ્રેલિયનની સ્થાપના કરી હતી. તેમની સંસ્થા વિવિધ રમતોની ટીમોને ફંડ આપવા ઉપરાંત સામાજિક મુશ્કેલીઓ સામે ફાળો ઉઘરાવવાનું કાર્ય કરે છે. હાલમાં જ તેમની સંસ્થાએ ઇન્ડિયન - આફ્રિકન ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું જેમાં સભ્યોને એકબીજાના દેશોની સંસ્કૃતિ તથા તેમના રહેણીકરણીને જાણવાની તક મળી હતી.
તેજ નીતૂ બબાની કાન્સે - લેટ્સ ફીડ ફૂડ
નીતૂ છેલ્લા ત્રણ વર્ષથી લેટ્સ ફીડ ફૂડ કેમ્પેઇનમાં પોતાની સેવાઓ આપી રહી છે. આ કેમ્પેઇન અંતર્ગત શાળાઓના ભણતા બાળકોને ફૂડ પૂરું પાડવામાં આવે છે. નીતૂ સ્વયંસેવકોની મદદથી જરૂરી સાધન સામગ્રી એકઠી કરે છે અને તે સમાજમાં જરૂરિયાતમંદોને પૂરી પાડે છે.