ઓસ્ટ્રેલિયન લોકોમાં ભારતીય ઉપમહાખંડના મસાલા તથા અનાજનો વપરાશ વધતો જોવા મળ્યો છે ત્યારે ફાઇન ફૂડ ઓસ્ટ્રેલિયા એક્ઝીબિશનનો મેલ્બોર્નમાં પ્રારંભ થયો અને તેમાં લગભગ 60 દેશના 1000થી પણ વધારે ખાદ્યઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગો ખાદ્ય ઉત્પાદનો, અનાજ, મસાલા, મશીન તથા વિવિધ પ્રકારના સાધન-સામગ્રીનું પ્રદર્શન કરી રહ્યા છે.
13મી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ એક્ઝીબિશનમાં ભારતના પણ જુદા જુદા ઉદ્યોગ ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારતમાંથી પાંચ ઉદ્યોગો લગભગ 100થી પણ વધારે ચીજવસ્તુઓનું પ્રદર્શન કરી રહ્યા છે.
જેમાં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સ્પાઇસ બોર્ડનો પણ સમાવેશ થાય છે. ભારતના મસાલા તથા અનાજની વિદેશમાં નિકાસ થાય તથા ભારતીય ઉદ્યોગને વેપાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ચાલતા આ બોર્ડ દ્વારા આઠ કંપનીઓ હાલમાં એક્ઝીબિશનમાં પોતાની ચીજવસ્તુઓનું પ્રદર્શન કરી રહી છે.સ્પાઇસ બોર્ડના સહાયક નિર્દેશક પ્રત્યુષ ટી.પીએ SBS Gujarati સાથે ભારતીય ઉદ્યોગોને ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશમાં વેપાર વધારવાની મળી રહેલી તક અંગે જણાવ્યું હતું કે, "બોર્ડ દ્વારા ભારતીય ખાદ્યઉદ્યોગ સાથે સંકળાયેલા નાના ઉદ્યોગોને વિદેશમાં વેપાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનું સ્પાઇસ બોર્ડ કામ કરી રહ્યું છે."
Exporters from India showcasing their products. Source: SBS Gujarati
"હાલમાં ભારતીય લઘુ તથા મધ્યમ ઉદ્યોગો એક્ઝીબિશનમાં ઓસ્ટ્રેલિયન લોકોને ઉચ્ચ ગુણવત્તાના મસાલા તથા અનાજનું વેચાણ કરી રહ્યા છે."
ઓસ્ટ્રેલિયામાં ભારતીય મસાલાની વધતી માંગ
એક્ઝીબિશનમાં ભારતીય ઉદ્યોગોને મળી રહેલા આવકાર અંગે પ્રત્યુષે જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયાના લોકોમાં ભારતીય મસાલા ખરીદવાનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયમાં વધ્યું છે. જેનું મુખ્ય કારણ તે વિષેની જાગરૂકતા તથા તેની ગુણવત્તા છે. હાલમાં યોજાઇ રહેલા એક્ઝીબિશનમાં પણ ઓસ્ટ્રેલિયન લોકો ભારતના મસાલા તથા મરચાની વધુ ખરીદી કરી રહ્યા છે."
ઉલ્લેખનીય છે કે ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સંબંધો સ્થપાય તથા બંને દેશની કંપનીઓને એકબીજાના દેશમાં વેપાર કરવાની યોગ્ય તક મળી રહે તે ઉદ્દેશ્ય સાથે બંને દેશની સરકાર કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૯.4 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. અને ઓસ્ટ્રેલિયામાં ભારતમાંથી આયાત થતી વસ્તુઓમાં મોટાભાગે દવાઓ, અનાજ, મસાલા તથા અન્ય ખાદ્યચીજવસ્તુઓનું પ્રમાણ વધુ રહ્યું છે.
Image
આરોગ્યપ્રદ ઓર્ગેનિક પદાર્થો પણ લોકપ્રિય
ઓસ્ટ્રેલિયામાં ઓર્ગેનિક એટલે કે કોઇ પણ પ્રકારના કેમિકલ મુક્ત ખાદ્યપદાર્થોની માંગ વધી રહી છે ત્યારે ઓર્ગેનિક ભારતના ફ્રેશ ઓર્ગેનિકના મુખ્ય સચિવ ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયા વર્ષોથી કોઇ પણ પ્રકારના કલર, કેમિકલ કે પાવડરની ભેળસેળ વગરના ખાદ્યપદાર્થોને પ્રોત્સાહન આપતું આવ્યું છે અને ઓસ્ટ્રેલિયન લોકો જૈવિક પદાર્થો દ્વારા બનાવવામાં આવેલા ખાદ્ય ઉત્પાદનોના વપરાશ તરફ વળ્યા છે.
"ભારતમાંથી બનીને આવતી જૈવિક ઓષધી, મસાલા તથા સ્વાથ્ય અંગેની ચીજવસ્તુઓની અહીં ઓસ્ટ્રેલિયામાં વધારે માંગ જોવા મળી રહી છે."
ભારતીય ઉદ્યોગોને ઓસ્ટ્રેલિયામાં પોતાની ચીજવસ્તુઓનો વેપારની તક મળી રહે તે અંગે આશા વ્યક્ત કરતા વિક્ટોરીયાના શેડો મીનીસ્ટર ઓફ ટ્રેડ ક્રેગ ઓન્ડાર્ચીએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, "હાલમાં ભારતીય સમુદાયએ ઝડપથી વિકસી રહેલો સમુદાય છે અને ઓસ્ટ્રેલિયા હંમેશાં તેમના કલ્ચર તથા ખાદ્યપદાર્થોને આવકારતું રહ્યું છે. ભારત સાથે વધુ વેપાર સંબંધો સ્થપાય તેવી મને આશા છે."ભારતીય ઓસ્ટ્રેલિયન લોકોમાં પણ એક્ઝીબિશનમાં પ્રદર્શીત થઇ રહેલા ભારતીય મસાલા તથા અન્ય ખાદ્યપદાર્થો ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ અંગે વાત કરતાં નિશા શાહે જણાવ્યું હતું કે, "ભારતીય મસાલા તથા સ્વાથ્ય અંગેની ચીજવસ્તુઓ વિશે માહિતી મળી રહેવા ઉપરાંત કોઇ પણ પ્રકારની ભેળસેળ વગરના ખાદ્યપદાર્થોની ખરીદી કરવા મળે છે આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વેપારના સંબંધોને નવી દિશા પણ મળી રહી છે."
Visitors of the food exhibition Jashuben Patel (L) and Nisha Shah (R). Source: SBS Gujarati