પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને બોનસ આપવા માટે જાણીતા ગુજરાતના સુરતમાં આવેલી હરીક્રૃષ્ણા ડાયમંડ કંપનીના માલિક સવજીભાઇ ધોળકિયા ફરીથી એક વખત ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં જ પોતાના ત્રણ કર્મચારીઓને કંપનીમાં ત્રણ વર્ષ પૂરા કર્યા બદલ મર્સિડીઝ કાર ભેટ કરી હતી તો અત્યારે તેમણે કંપનીના 600 જેટલા કર્મચારીઓને દિવાળીના બોનસ તરીકે કાર આપી છે.
કંપનીમાં કામ કરતા 1700 જેટલા કર્મચારીઓમાંથી 600 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કામ આપી હતી જ્યારે અન્ય 1100 જેટલા કર્મચારીઓને ફિક્સ ડિપોઝીટની ભેટ આપી હતી.
ગુરુવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કંપનીના કર્મચારીઓ સાથે વાત કરી હતી અને તેમને કેટલાક કર્મચારીઓને નવી દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં કારની ચાવી આપી હતી.કંપનીના 600 જેટલા કર્મચારીઓને રીનોલ્ટ ક્વિડ કાર તથા મારુતિ સુઝુકીની સેલેરિયો કાર ભેટમાં આપવામાં આવી હતી જેની ભારતમાં કિંમત અનુક્રમે 4.4 લાખ તથા 5.38 લાખ રૂપિયા છે. વાર્ષિક 6000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીમાં કુલ 5500 કર્મચારીઓ કામ કરે છે જેમાંથી 4000 જેટલા કર્મચારીઓને અગાઉથી જ દિવાળી બોનસ મળી ગયું હતું.
Employees were handed over car keys at an event in Surat. Source: Savji Dholakia
હરીક્રૃષ્ણા ગ્રૂપના ચેરમેન સવજીભાઇ ધોળકિયાએ પોતાના ફેસબુક પેજ પર આ અંગે જણાવ્યું હતું કે, મારા મત પ્રમાણે કર્મચારીઓ કંપનીનો મજબૂત પાયો હોય છે જેમના કારણે સંસ્થા સારી રીતે કાર્ય કરે છે. અમે અમારા કર્મચારીઓની મહેનતની પ્રશંસા કરીએ છીએ અને તેઓ આગામી સમયમાં પણ આ રીતે કાર્ય કરશે તેવી આશા છે.
ઉલ્લેખનીય છે કે 2017માં પણ દિવાળી બોનસ તરીકે કંપનીએ પોતાના 1200 જેટલા કર્મચારીઓને ડસ્ટન રેડી-ગો કાર ભેટમાં આપી હતી અને જ્યારે 2016માં 400 જેટલા કર્મચારીઓને ફ્લેટ ભેટમાં આપ્યા હતા.