ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં રહેતા ભારતીય મૂળના દંપતિએ ઘરની બહાર દિવાળી નિમિત્તે રંગોળી કરી હતી. જેને એક પોસ્ટ ડિલીવરી કરી રહેલા વ્યક્તિએ તેના પગથી ભૂંસી નાંખી હતી.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, એડિલેડમાં રહેતા નિજેશ હિરપરા તથા તેમની પત્ની પૂજાએ દિવાળીના તહેવાર નિમિત્તે ઘરની બહાર રંગોળી કરી હતી. જેમાં હિન્દુઓના પવિત્ર ચિન્હ સ્વસ્તિકની ડીઝાઇન કરી હતી.
પોસ્ટ ડિલિવરી કરતો વ્યક્તિ જ્યારે તેમના ઘરે આવ્યો ત્યારે તેનું ધ્યાન તે રંગોળી પર ગયું અને તેણે પોતાના પગ વડે રંગોળી ભૂંસી નાંખી હતી અને ત્યાર બાદ ત્યાંથી જતો રહ્યો હતો.
આ અંગે નિજેશ હિરપરાએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.તે વ્યક્તિએ ઘરે આવીને ડોરબેલ વગાડ્યો હતો ત્યાર બાદ તેનું ધ્યાન નીચે રહેલી રંગોળી પર પડ્યું હતું. તેણે આજુબાજુંમાં કોઇ તેને જોઇ રહ્યું નથી તે ચેક કર્યું અને પછી તે રંગોળીને પગથી વિખેરીને જતો રહ્યો હતો.
Source: Supplied
રંગોળી કેમ ભૂંસી
નિજેશ હિરપરાએ જણાવ્યું હતું કે, રંગોળીમાં હિન્દુ ધર્મના પવિત્ર ચિન્હ સ્વસ્તિકની ડીઝાઇન કરવામાં આવી હતી. અને, તે નાઝીના ચિન્હ જેવું જ લાગે છે. ડિલીવરી કરનાર વ્યક્તિનું ધ્યાન જ્યારે તે રંગોળી પર પડ્યું ત્યારે તેણે નાઝીનું ચિન્હ માનીને તેને ભૂંસી નાંખી હશે પરંતુ તે ખરેખર હિન્દુ ધર્મના ચિન્હ સ્વસ્તિકની ડિઝાઇન હતી.
સ્વસ્તિક હિન્દુ ચિન્હ
હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને પ્રવિત્ર ચિન્હ ગણવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકો તેને નાઝી ચિન્હ તરીકે માની લે છે. બંને ચિન્હમાં ઘણી સમાનતા જોવા મળે છે પરંતુ, વાસ્તવમાં તે અલગ અલગ છે.નિજેશ હિરપરાએ જણાવ્યું હતું કે લોકોમાં સ્વસ્તિકના ચિન્હ વિશે જાગૃતિ ફેલાય તે ખૂબ જ જરૂરી છે. હિન્દુ ચિન્હ અને નાઝીના ચિન્હ વચ્ચેને ભેદ સમજવો જરૂરી છે.
Source: Supplied
નિજેશ હિરપરાએ હજી સુધી આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરી નથી પરંતુ તેઓ જાણવાજોગ ફરિયાદ કરવા અંગે વિચારી રહ્યા છે.
અમે તે વ્યક્તિની ફરિયાદ કરવા નથી માંગતા પરંતુ લોકોમાં હિન્દુઓના પવિત્ર અને શુભ ચિન્હ વિશે જાગૃતિ ફેલાય તે દિશામાં પગલાં લેવાય તે જરૂરી છે, તેમ નિજેશે ઉમેર્યું હતું.
READ MORE
અન્નકૂટમાં પીરસાઈ ૧૫૦૦થી વધુ વાનગીઓ