છેલ્લા ત્રણેક મહિનાથી કોરોનાવાઇરસના કારણે અનેક લોકો બંધિયાર વાતાવરણનો અનુભવ કરે છે ત્યારે પર્થમાં બર્થ ડેની એક અવનવી રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં એક ગુજરાતી પરિવારે ડ્રાઈવ થ્રુ દ્વારા બાળકનો જન્મદિવસ ઉજવ્યો છે.
છ વર્ષીય બાળકનો ડ્રાઇવ થ્રુ દ્વારા જન્મદિવસ ઉજવાયો
પર્થના સ્ટર્લિંગ વિસ્તારમાં ફેરેંટીયો રોડ પર રહેતા રજતભાઈ રાવલના છ વર્ષના પુત્ર શુભનો જન્મદિવસ તાજેતરમાં આવતો હતો. શુભના દાદા-દાદી પણ ભારતથી આવ્યા હતા. શુભને જન્મદિવસ ઉજવવાની ખૂબ ઈચ્છા હતી. પરંતુ, કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે તે શક્ય હતું નહીં.
તેથી જ, રાવલ પરિવારે એક નવો વિચાર અમલમાં મુક્યો. શુભના મિત્રો અને તેમના પરિવાર સાથે એક અઠવાડિયાં પહેલાં ચર્ચા કરી ડ્રાઈવ થ્રુ ઉજવણી કરવાનું આયોજન કર્યું. જેમાં બાળકોએ પણ સહયોગ આપ્યો હતો.
ડ્રાઈવ-વેમાં જન્મદિવસ અનુરૂપ સજાવટ કરવામાં આવી હતી અને સ્ટ્રીટમાંથી દસેક ગાડીઓ પાસ થઇ શકે તેવું આયોજન કરાયું હતું. જન્મદિવસે પરિવારના સભ્યો ડ્રાઈવે-વેમાં બે ટેબલ રાખી ઉભા રહ્યા હતા.
એક ટેબલ પર કેક અને એક પર રીટર્ન ગિફ્ટ મૂકવામાં આવી હતી. આમંત્રિતો એક પછી એક ગાડીમાં ધીમે-ધીમે પસાર થાય અને હેપી બર્થ-ડેનું ગીત ગાય. પસાર થઇને પછી બધી ગાડીઓ વર્તુળાકારે આવે અને શુભને આશીર્વાદ આપે. કોઈ ભેટ આપે તો સામે શુભ પણ ભેટ અને કેક આપે. અને, આમ કોરોનાવાઇરસના પ્રતિબંધો વચ્ચે આનંદથી જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.પર્થના જિંદાલી વિસ્તારની ફારસ ગ્રોવમાં રહેતા ધીરેશભાઈ શાહે જણાવ્યું હતું કે તેમની સ્ટ્રીટમાં અમી નામનો દસ વર્ષીય બાળક રહે છે. તેમના કુટુંબીજનોએ પણ આવી રીતે ડ્રાઈવ થ્રુ પાર્ટી કરી હતી. સગા-સંબંધી, મિત્રોને બપોરે બેથી પાંચ વાગ્યાની વચ્ચે જુદો-જુદો સમય ફાળવ્યો હતો.
Drive through birthday party celebration during coronavirus restrictions Source: Supplied
દરેક પોતાની ગાડી પર ડેકોરેશન લગાવીને આવ્યા હતા અને ધીમે-ધીમે ગાડી પસાર કરી ગીત ગાઈ શુભેચ્છા આપતા હતા. પરિવાર તરફથી સ્થાનિક પરંપરા પ્રમાણે સોસેજ સીઝલની વ્યવસ્થા કરાઈ હતી. ગુજરાતી સહિત વિવિધ રાષ્ટ્રીયતા ધરાવતા લોકોએ આ પાર્ટી માણી હતી.પર્થના જિંદાલી વિસ્તારની ફારસ ગ્રોવમાં રહેતા ફોટોગ્રાફરે એક દિવસ સમય નક્કી કરીને સ્ટ્રીટના દરેક લોકોને પોતાના મેલ બોક્સ પાસે ઉભું રહેવા જણાવ્યું હતું. આ સમયે તેઓએ ફોટો પાડીને સ્ટ્રીટના દરેક સભ્યોને યાદગીરીરૂપે ફોટા આપ્યા હતા.
Drive through birthday party celebration Source: Supplied
આ ઉપરાંત પર્થમાં ડ્રાઈવ થ્રુ લગ્નનું પણ આયોજન કરાયું છે. જેમાં દંપતીએ લોકેશન પસંદ કરવું પડે છે. કોરોનાવાઇરસના કારણે ડ્રાઇવ-વેમાં જ લગ્નનું આયોજન કરનાર માટે કારની બારીમાંથી લગ્નની વિધિ થાય, પાછળની સીટમાં વીંટી પહેરાવી લગ્ન વિધી પૂર્ણ કરાય છે.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ.
કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.