હાલમાં ઓસ્ટ્રેલિયાના નાગરિકોને ઓસ્ટ્રેલિયન સરકારના myGov ના નામથી એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જેમાં તેમને જણાવવામાં આવે છે કે બુશફાયર કે અન્ય કોઇ આપદામાં નુકસાન થયું હોય તો તેઓ 8 ટકા બોનસ માટે અરજી કરી શકે છે.
myGov વેબસાઇટના જણાવ્યા પ્રમાણે તે તદ્દન નકલી મેસેજ છે અને કોઇ પણ વ્યક્તિએ પોતાની અંગત માહિતી આપવાથી બચવું જોઇએ.
મેસેજમાં જણાવ્યા પ્રમાણે, કુદરતી આપદાના કારણે વર્ષ 2020નું ટેક્સ રીટર્ન ભરતી વખતે તમે 8 ટકા બોનસ મેળવવા માટે અરજી કરી શકો છે. આ પ્રક્રીયાનો પ્રારંભ કરવા માટે અહીં ક્લિક કરો.
myGovએ ઉમેર્યું હતું કે તે લિન્ક નકલી myGov વેબસાઇટ પર લઇ જાય છે અને જ્યાં તેમને પોતાની અંગત માહિતી આપવા માટે જણાવે છે. નાગરિકોએ આ પ્રકારની લિન્ક પર ક્લિક ન કરવું તેમ myGov એ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ આ પ્રકારનો ઇ-મેલ કે મેસેજ નથી મોકલતી કે જેમાં કોઇ લિન્ક આપવામાં આવી હોય અને ત્યાં વ્યક્તિએ પોતાની અંગત માહિતી આપવી પડે.
myGov એ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે ટેક્સ અંગેની કોઇ પણ બાબત માત્ર myGov ની વેબસાઇટ દ્વારા જ કરવી જોઇએ. આ ઉપરાંત, તમારા એકાઉન્ટમાં પાસવર્ડ મજબૂત રાખવો અને મેસેજ દ્વારા સિક્ટોરિટી કોડ પણ નક્કી કરવો જરૂર છે.
જ્યારે પણ કોઇ કુદરતી આપદીની ઘટના બને છે ત્યારે સ્કેમર્સ આ પ્રકારના મેસેજ દ્વારા લોકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયત્ન કરે છે.
તેથી જ, ઇ-મેલ કે મોલાઇલ પર myGov ના નામથી મંગાવવામાં આવતી વ્યક્તિગત માહિતીથી બચવું જોઇએ.
ઇમેલ – મેસેજમાં કેવી માહિતી માંગવામાં આવે છે
- છેતરપીંડીવાળા ઇમેલ કે મેસેજમાં લોકો પાસે તેમની વ્યક્તિગત માહિતી માંગવામાં આવે છે.
- પૈસા મોકલવા માટે જણાવાય છે.
- પાસવર્ડ કે બેન્ક એકાઉન્ટ્સની વિગતો પણ મંગાવાય છે
- આ ઉપરાંત, કોઇ પણ સર્વિસ વાપરી હોવાનું જણાવીને નાણા ભરવા માટે પણ કહેવાય છે.