ભારતમાં જન્મ, ઉછેર અને સ્નાતક સુધીનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયાના પર્થમાં સ્થાયી થયા બાદ અહીંના લોઅર હાઉસમાં ચૂંટાયેલા - કડકડાટ ગુજરાતી બોલતા યાઝ મુબારકઇની જીવનસફર ઘણી ઉતાર-ચડાવ ભરેલી રહી છે. વિદેશમાં આવ્યા બાદ એક સામાન્ય માણસને પડે તેવી તમામ તકલીફો તેમને પણ પડી. પરંતુ તેમણે હાર ન માની તેનો હિંમતથી સામનો કર્યો અને સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લોકો દ્વારા ચૂંટાયેલા એકમાત્ર ગુજરાતી MLA બનવા સુધીની સફળતા હાંસલ કરી છે.
સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવ્યા
યાઝભાઇનો પરિવાર મુંબઇ પાસે આવેલા દહાણુમાં સ્થાયી થયેલો છે. ત્યાં તેમનો ચીકુનો વ્યવસાય છે. બાળપણ ત્યાં જ વિતાવ્યા બાદ બી.કોમનો અભ્યાસ મુંબઇમાં કર્યો અને MTV માં નોકરી શરૂ કરી. પર્થમાં રહેતા કાકાની સલાહથી તેમણે પણ ઓસ્ટ્રેલિયા આવી ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચાર્યું.
વર્ષ 1996માં સ્ટુડન્ટ વિસાની કાર્યવાહી કરી અને MBA કરવા માટે પર્થની ઇ.સી.યુનિવર્સિટીમાં એડમિશન લીધું.
Image
...અને સંઘર્ષ શરૂ થયો
સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ નાણાની અછતનો સામનો મોટાભાગના વિદ્યાર્થીઓને કરવો પડતો હોય છે. યાઝભાઇ પણ તે પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. યાઝભાઇના જણાવ્યા પ્રમાણે, તેમણે ટ્યુશન ફી, ઘરનું ભાડું વગેરે ભરવા માટે વિવિધ પ્રકારની નોકરી કરવી પડી હતી.
"ગેસ સ્ટેશન, ક્લિનીંગ, કોલ સેન્ટર, નાઇટફિલીંગ, ટ્રક ભરવા જેવી અનેક નોકરી કરી ઘરનું ભાડું, ટ્યુશન ફી તથા અન્ય ખર્ચા કાઢ્યાં હતા."
પરંતુ, યાઝભાઇ મુશ્કેલ પરિસ્થિતિનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, "મુસીબતોનો સામનો કરીને જ જવાબદારી તથા સ્વતંત્રપણાનું ભાન થયું હતું. કારણ કે, ગુજરાતી કુટુંબમાં માતા-પિતા જ બાળકોની જવાબદારી ઉઠાવતા હોવાથી બાળકો પડકારનો સામનો કરી શકતા નથી અને પરિસ્થિતિ સામે હારી જાય છે."
યાઝભાઇને અત્યાર સુધીમાં પ્રોફેશનલ નોકરીમાં લગભગ 327 જેટલા રિજેક્શન આવ્યા છે પરંતુ તેમણે તમામ રિજેક્શનને એક સબક તરીકે લીધો છે.
ઓસ્ટ્રેલિયન રીતની અંગ્રેજી ભાષા શીખ્યા...
યાઝભાઇ કોલ સેન્ટરનો એક પ્રસંગ યાદ કરીને કહે છે કે, 'એક દિવસ કોલ સેન્ટરમાં કામ કરતાં કોઇએ મને કહ્યું કે મારે ભારતથી બોલતા કોઇ વ્યક્તિ સાથે વાત નથી કરવી. ત્યારે મેં કહ્યું કે હું અહીં પર્થની સ્ટર્લિંગ સ્ટ્રીટ પરથી જ બોલું છું."
આ બનાવે મારા મગજ પર ઊંડી અસર કરી અને મેં અહીંની એક્સેન્ટ, અહીંના લોકોની વાત કરવાની રીત, અહીંના લોકોની મજાક કરવાની આદતનું અવલોકન કર્યું અને તેમને અનુસરવાનું શરૂ કર્યું. જેનો મને ઘણો લાભ થયો અને હું અહીંના સમાજમાં હળીમળી ગયો.
Image
બિઝનેસમેનથી કાઉન્સિલર...
ઘણા વર્ષો સુધી નોકરી કર્યા બાદ યાઝભાઇને તેમના પિતાએ પોતાનો બિઝનેસ કરવા માટે નાણાકિય સહાય કરી અને તેમણે એક પોસ્ટશોપ શરૂ કરી. અહીં જ તેમણે સ્થાનિક લોકો સાથે સંબંધો કેળવ્યા અને તેમના પ્રશ્નો હલ કરવામાં મદદ કરી.
યાઝભાઇ બિઝનેસમેનથી કાઉન્સિલર તરીકેની સફર યાદ કરતા જણાવે છે કે, "સ્થાનિક લોકોને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં હું મદદ કરતો હતો અને ત્યારે જ ઘણા લોકોએ મને કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની સલાહ આપી. ચૂંટણીમાં લોકોના સહયોગથી જીત્યો પણ ખરો."
લોકોના પ્રશ્નો હલ કર્યા
કાઉન્સિલર બન્યા બાદ યાઝભાઇને શરૂઆતના દિવસોમાં ઘણી તકલીફો પડી હતી. કાઉન્સિલની કામ કરવાની પદ્ધતિમાં કંઇ ખબર ન પડી ત્યારે તેમણે માત્ર બે મહિનામાં જ રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું પરંતુ લોકોની સમજાવટે તેમને રાજીનામું આપતા રોક્યા હતા.કાઉન્સિલનો એક કિસ્સો યાદ કરતા યાઝભાઇ કહે છે કે, "એક શોપિંગ સેન્ટરમાં ટ્રાફિકના કારણે એક જ ડોક્ટરની મંજૂરી હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી અને એ વાત મેં કાઉન્સિલમાં યોગ્ય દલીલો, તથ્યો તથા ડેટા સાથે રજૂ કરી અને સર્વાનુમતે નિર્ણય બદલાયો, લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ થયું અને મને તેમની સેવા કરવાનો સંતોષ મળ્યો હતો."
Yaz Mubarakai Source: Yaz Mubarakai
રાજકારણમાં "હીરોથી ઝીરો" થયાનો અનુભવ
એક વખત કાઉન્સિલર બન્યા બાદ બીજી વખત યોજાયેલી ચૂંટણીમાં યાઝ મુબારકઇનો પરાજય થયો હતો. યાઝભાઇ જણાવે છે કે, "રાજકારણમાં હીરોમાંથી ઝીરો થવાય છે એનો અનુભવ તેમને એ વખતે થયો હતો."
2017માં MLA બન્યા
યાઝ મુબારકઇ 2017માં યોજાયેલી 40મી પાર્લામેન્ટની ચૂંટણી લડ્યાં, ભારે બહુમતીથી જીત્યા અને MLA બન્યા. યાઝભાઇ જણાવે છે કે અત્યારે હું વિવિધ સમાજ માટે ખંતથી કામ કરું છું.