ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્કેમર્સ બુશફાયરના નામે સામાન્ય લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા હોવાના કિસ્સા જાણવા મળ્યા છે.
બુશફાયરના અસરગ્રસ્તો, ફાયર સર્વિસ અને અન્ય સંસ્થાઓને દાન આપવાના બહાને સ્કેમર્સ નકલી વેબસાઇટ દ્વારા અથવા ઓનલાઇન ફેસબુક પેજ બનાવીને છેતરપીંડી કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં ધ ઓસ્ટ્રેલિયન કમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશને 47 જેટલી છેતરપીંડીની ઘટનાઓ નોંધી છે જેમાં બુશફાયરમાં દાન આપવાના બહાને લોકો પાસેથી નાણા ઉઘરાવવામાં આવે છે.
જોકે, SBS News ને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આંકડો વધુ હોઇ શકે છે કારણે હજી પણ કેટલાક લોકોને ખબર નહીં હોય કે તેમણે જ્યાં દાન આપ્યું છે તેમણે તેમની સાથે છેતરપીંડી કરી છે.
એટલે જ હાલમાં સરકારે બુશફાયરમાં દાન આપી રહેલા લોકોને સાવચેતી દાખવવા અપીલ કરી છે. આ ઉપરાંત, સરકારે સોમવારે બુશફાયરમાં દાન આપવા સાથે સંકળાયેલા સ્કેમ્સ માટે એક વિશેષ હોટલાઇન પણ શરૂ કરી છે.
આ અંગે ઓસ્ટ્રેલિયન કમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશનના પ્રવક્તાએ લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે સત્તાવાર ન જણાય તેવા પેજ પર દાન આપવાથી બચવું જોઇએ કારણ કે એક વખત છેતરપીંડીનો ભોગ બન્યા બાદ નાણા પરત મેળવવા મુશ્કેલ બની જાય છે.
Image
વિવિધ પ્રકારની રીત
પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે સ્કેમર્સ લોકોને છેતરવા માટે વિવિધ પ્રકારની રીતો અજમાવે છે. ઓનલાઇન ફંડ પેજ બનાવવા ઉપરાંત લોકોને બુશફાયરમાં દાન આપવા માટે મેસેજ મોકલીને ચેરિટીમાં દાન આપવા માટે અપીલ કરાય છે.
તાજેતરમાં જ ન્યૂ સાઉથ વેલ્સના કોર્બાગો વિસ્તારમાં પિતા અને પુત્રના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને મદદ કરવા માટે એક નકલી પેજ બનાવવામાં આવ્યું હતું ત્યાર બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
જેમાં આશરે 4 હજાર ડોલર જેટલું ફંડ પણ ભેગું થઇ ગયું હતું.
ALSO READ
વિવિધ સત્તાવાર સંસ્થાઓમાં પણ ફંડ ભેગું થયું
ઓસ્ટ્રેલિયામાં બુશફાયરના કારણે લાખ્ખો ડોલરનું નુકસાન થયું છે અને મનુષ્યો સહિત કરોડો પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે એવામાં તેમનું જીવન ફરીથી બેઠું થાય તે માટે વિવિધ સત્તાવાર સંસ્થાઓમાં દાન એંકઠું કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં GoFundMe નામની સંસ્થામાં 5 મિલિયનથી પણ વધારેનું દાન એંકઠું થયું છે જ્યારે પોર્ટ મેક્વાયરી કોઆલા હોસ્પિટલને જ વિવિધ 100થી પણ વધુ દેશમાંથી 3.7 મિલિયન ડોલરનું દાન અપાયું છે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયન કોમેડીયન અને સોશિયલ મીડિયા પર્સનાલિટી સેલેસ્ટ બાર્બરે તેના ફેસબુક પેજ પર 35 મિલિયનથી પણ વધારેનું ફંડ મેળવ્યું છે.