ટેક્નોલોજી અને કમ્પ્યુટર ગેમ્સના કારણે ઓસ્ટ્રેલિયાના યુવાનોમાં આઉટડોર સ્પોર્ટ્સ અને અન્ય શારીરિક પ્રવૃત્તિ અપનાવવાના પ્રમાણમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે.
સ્કૂલમાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકો હાલમાં શારીરિક શ્રમ, કસરત, ડાન્સ, ક્રાફ્ટ કે અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાને બદલે કમ્પ્યુટર કે અન્ય ગેજેટ્સ પર ગેમ્સ, વીડિયો જોવાનું વધુ પસંદ કરે છે.
વાંચન કરતાં કમ્પ્યુટર ગેમ્સ વધુ લોકપ્રિય
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાના લગભગ 90 ટકા જેટલા બાળકો અઠવાડિયે 10 કે તેથી વધુ કલાક જેટલો સમય કમ્પ્યુટર કે અન્ય ગેજેટ્સ પર વિતાવે છે.
જ્યારે મોટાભાગના બાળકો અઠવાડિયે પાંચ કલાક જેટલો સમય વાંચનને ફાળવે છે, 63 ટકા બાળકો ડાન્સ, ક્રાફ્ટ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ પાછળ સમય વિતાવે છે.

Source: Getty Images/Thanasis Zovoilis
પારિવારિક આવક અને આઉટડોર - સર્જનાત્મક પ્રવૃત્તિનો સંબંધ
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક દ્વારા કરવામાં આવેલા અભ્યાસના તારણ પ્રમાણે, બાળકોની ક્રિએટીવ પ્રવૃત્તિ પારિવારિક આવક પર નિર્ભર છે. વધુ પારિવારિક આવક ધરાવતા 75 ટકા બાળકોમાં સ્પોર્ટ્સ તથા ઇત્તર પ્રવૃત્તિનું પ્રમાણ જોવા મળ્યું છે જ્યારે ઓછી તથા મધ્યમ આવક ધરાવતા પરિવારોમાં આ આંકડો 55 ટકા જેટલો જોવા મળ્યો છે.
ઉંમર વધતા વાંચન - ક્રિએટીવ એક્ટિવીટીના પ્રમાણમાં ઘટાડો
અભ્યાસમાં અન્ય એક તારણ પ્રમાણે, બાળકોની જેમ - જેમ ઉંમર વધે છે તેમ તેમનામાં ક્રિએટીવ એક્ટિવીટી તથા અભ્યાસ સિવાયના વાંચન કરવામાં ઘટાડો જોવા મળે છે. 5થી 8 વર્ષની વય ધરાવતા 67 ટકા બાળકો ક્રિએટીવ પ્રવૃત્તિ તથા 80 ટકા બાળકો વાંચન જેવી પ્રવૃત્તિ અપનાવે છે જ્યારે 12થી 14 વર્ષની ઉંમર ધરાવતા બાળકોમાં તે પ્રમાણે અનુક્રમે 57 તથા 73 ટકા જેટલું જોવા મળ્યું હતું.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના એજ્યુકેશન, ટ્રેનિંગ એેન્ડ કલ્ચરલ સ્ટેટીસ્ટીક્સના ડાયરેક્ટર મિચેલ ડુકાટે જણાવ્યું હતું કે સ્કૂલનો સમય પૂરો થયા બાદ કરાતી પ્રવૃત્તિને અભ્યાસમાં સમાવાયી છે. જેમાં ટીવી જોવું, ઇન્ટરનેટ પર સમય પસાર કરવો, સ્માર્ટફોન પર વીડિયો ગેમ્સ રમવા જેવી પ્રવૃત્તિનું મોટું પ્રમાણ બાળકોમાં જોવા મળ્યું હતું.
બાળકોમાં વધી રહેલું બેઠાડું જીવન તથા ઇન્ટરનેટ, મોબાઇલ, કમ્પ્યુટર ગેમ્સનો વધતો વપરાશ તેમનામાં સ્થૂળતા, મગજ પર નકારાત્મક અસર કરી તેમના સર્જનાત્મક વિકાસ પર અસર કરે છે. જેથી બાળકોનો વિકાસ રુંધાય છે અને તેમના વર્તન- અભ્યાસ પર પણ તેની નકારાત્મક અસર જોવા મળે છે.

Source: Supplied
ઓસ્ટ્રેલિયન મિનિસ્ટર ઓફ સ્પોર્ટ્સ, બ્રિગેટ મેકેન્ઝી અને યુનિવર્સિટી ઓફ વોલોંગોન્ગના ફીઝીકલ એક્ટિવીટી વિશેષજ્ઞ પ્રો. ટોની ઓકલીએ ગુરુવારે કેનબેરા ખાતે બાળકોના સ્માર્ટફોન, કમ્પ્યુટરના વપરાશ તથા આઉટડોર એક્ટિવીટી માટેની ગાઇડલાઇન્સ રજૂ કરી હતી.
જેમાં બાળકોના કમ્પ્યુટર તથા સ્માર્ટફોન વાપરવાના તથા આઉટડોર પ્રવૃત્તિ કરવાના સમય ઉપરાંત યોગ્ય પ્રમાણમાં ઉંઘ, શારીરિક તથા માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિ, બેસવાની રીત, વર્તન અંગે માહિતી આપવામાં આવી છે.
ઓછોમાં ઓછો 1 કલાક સર્જનાત્મક પ્રવૃત્તિને ફાળવો
ઓસ્ટ્રેલિયન 24 અવર મૂવમેન્ટ ગાઇડલાઇન્સ ફોર ચીલ્ડ્રન એન્ડ યંગ પીપલના જણાવ્યા પ્રમાણે, બાળકોએ દિવસના બે કલાકથી વધારે સમય કમ્પ્યુટર કે સ્માર્ટફોનની સ્ક્રીનને ન ફાળવીને ઓછામાં ઓછો એક કલાક આઉટડોર સ્પોર્ટ્સ, સર્જનાત્મક કે શારીરિક પ્રવૃત્તિ પાછળ પસાર કરવો જોઇએ.
યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગના ડાયરેક્ટર ઓફ રીસર્ચ, પ્રો. ઓકલીએ જણાવ્યું હતું કે, વિવિધ અભ્યાસ, રીસર્ચના આધારે જાણવા મળ્યું છે કે બાળકોમાં બેઠાડું જીવન વધી રહ્યું છે અને તેઓ કમ્પ્યુટર તથા અન્ય ઇલેક્ટ્રોનિક સંસાધનો પર વધુ સમય પસાર કરે છે. જે બાળકોના વિકાસ પર અસર કરે છે.

Source: Getty Images/Ridofranz
તેથી બાળકોએ દિવસમાં ઓછામાં ઓછો એક કલાક શારીરિક કસરત, આઉટડોર સ્પોર્ટ્સ તથા અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા પાછળ વિતાવવો જોઇએ.
કેવી શારીરિક પ્રવૃત્તિથી ફાયદો
- મિત્રો સાથે આઉટડોર સ્પોર્ટ્સમાં ભાગ લેવો
- ડાન્સ,
- ચાલતા સ્કૂલે જવું - આવવું
- જીમ્નેશિયમ જવું
- સ્વિમીંગ કે અન્ય શારીરિક કસરત થાય તેવા કાર્યો કરવા
ગાઇડલાઇન્સની અવગણનાનું મોટું પ્રમાણ
અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયાના મોટાભાગના બાળકો ગાઇડલાઇન્સની અવગણના કરે છે. અને ફક્ત 22 ટકા બાળકો જ શારીરિક પ્રવૃત્તિની ગાઇડલાઇન્સને અનુસરે છે જ્યારે 9થી 11 વર્ષની ઉંમર ધરાવતા 76 ટકા બાળકો 9-11 કલાકની ઉંઘ લેવાની સલાહ માને છે.
Image
માતા-પિતા બાળકોને ઇત્તર પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરે
પ્રો. ઓકલીએ જણાવ્યું હતું કે વધુ પડતો સમય કમ્પ્યુટર સ્ક્રીન કે સ્માર્ટફોનને પાછળ વિતાવવામાં આવે તો તેની નકારાત્મક અસર થાય છે, તેથી માતા-પિતાએ પોતાના બાળકને સર્જનાત્મક પ્રવૃત્તિ, આઉટડોર સ્પોર્ટ્સ અપનાવવા પ્રોત્સાહિત કરવું જોઇએ.
બાળકોમાં યોગ્ય પ્રમાણમાં ઉંઘ પણ જરૂરી
વિવિધ વય પ્રમાણે બાળકોમાં યોગ્ય ઉંઘ લેવી પણ જરૂરી છે. 5થી 13 વર્ષની ઉંમર ધરાવતા બાળકોએ દિવસમાં 9થી 11 કલાકની ઉંઘ લેવી જરૂરી છે જ્યારે 14થી 17 વર્ષના બાળકોએ 8થી 10 કલાકની ઉંઘ લેવી જોઇએ.