ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાના પ્રથમ સિઝન રમી રહેલી ગુજરાત ટાઇટન્સ ટીમે ટૂર્નામેન્ટ જીતી લીધા બાદ સોમવારે અમદાવાદના રસ્તા પર વિક્ટરી પરેડ નું આયોજન કર્યું હતું.
ખુલ્લી બસમાં ગુજરાત ટાઇટન્સે વિજય સરઘસ કાઢતા અમદાવાદના ક્રિકેટચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
સોમવારે ભારતીય સમય પ્રમાણે સાંજે 5 વાગ્યે અમદાવાદના ઉસ્માનપુરા રીવરફ્રન્ટ વિસ્તારથી પરેડ શરૂ કરવામાં આવી હતી.
ત્યાર બાદ ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મુલાકાત કરી હતી.
જ્યાં મુખ્યમંત્રીએ ટીમનું ખેલાડીઓનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સે મુખ્યમંત્રીને ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું બેટ ભેટમાં આપ્યું હતું.
મંગળવારે ટીમની મુંબઇમાં ઉજવણી
મળતી માહિતી પ્રમાણે, સોમવારે વિજય સરઘસનું આયોજન કર્યા બાદ મંગળવારે ગુજરાત ટાઇટન્સની ટીમ મુંબઇ જશે જ્યાં ટીમના માલિક દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે મેચ જીત્યા બાદ ટાઇટન્સના ખેલાડીઓએ સવારે 3 વાગ્યા સુધી પાર્ટી કરી હતી. અને ત્યાર બાદ ટીમની હોટલમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.
ફાઇનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું
રવિવારે આઇપીએલ-15ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે બીજી વખત ફાઇનલ રમી રહેલી રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતાં રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 130 રન કર્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 11 બોલ બાકી રાખીને 3 વિકેટે 133 રન કરી લીધા હતા.
પ્રથમ ટૂર્નામેન્ટમાં જ ચેમ્પિયન બનનારી ગુજરાત બીજી ટીમ
ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ ટૂર્નામેન્ટમાં જ ચેમ્પિયન બની છે. આ સિદ્ધિ હાંસલ કરનારી ગુજરાત આઇપીએલની બીજી ટીમ બની છે. અગાઉ વર્ષ 2008માં રાજસ્થાન રોયલ્સ પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લઇને ચેમ્પિયન બની હતી.
રેકોર્ડ સંખ્યામાં પ્રેક્ષકોની હાજરી
રવિવારે ગુજરાત તથા રાજસ્થાન વચ્ચે રમાયેલી આઇપીએલની ફાઇનલ મેચમાં રેકોર્ડ સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી હતી. ટૂર્નામેન્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,04,859 પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.