પોતાની ધરતી અને જન્મભૂમિ ગુજરાતથી હજારો કિલોમીટર દૂર અહીં ઓસ્ટ્રેલિયામાં વસીને ઓસ્ટ્રેલિયાને જ પોતાની કર્મભૂમિ બનાવીને વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી સફળતા મેળનારા ગરવા ગુજરાતીઓનું ગુજરાતી સમાજ ઓફ NSW દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય, શિક્ષણ, રાહત, પુનર્વસન, સામિજક ઘડતર, આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વધારવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરતી સ્વામિનારાયણ સંપ્રદાયની સામાજિક - આધ્યાત્મિક અને ચેરિટેબલ સંસ્થા અનુપમ મિશનના મહાનુભાવો, સેવકો અને સિડની સ્થિત કોન્સ્યુલેટના અધિકારીઓની ઉપસ્થિતિમાં વ્યાપાર - ઉદ્યોગ, રીટલ એસ્ટેટ, મીડિયા અને યુવા કાર્યકરોને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની હાજરીમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
Members of Anupam Mission Source: Private photo
તો આવો નજર કરીએ એવા ગુજરાતીઓ પર કે જેમણે ઓસ્ટ્રેલિયામાં રહી, પરિશ્રમ કરીને સફળતા મેળવી...
સતિષ પટેલ (યૂરો સોલર) બિઝનેસ: સોલર કંપની,
સતિષ પટેલે તેમના અન્ય બે સાથીદારોની સહયોગથી એક ગેરેજમાં યુરો સોલાર નામની કંપનીની શરૂઆત કરી હતી. ટૂંકા સમયમાં જ તેમણે સોલર એનર્જીની દુનિયામાં સફળતા મેળવી અને આઠ વર્ષના સમયમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ નંબરની રેસિડેન્સિયલ સોલર કંપની બની ગઇ. યૂરો સોલર હાલમાં રેસિડેન્સિયલ, કોમર્શિયલ, ઇન્ડ્રસ્ટીયલ, હોલસેલ B2B, ઓનલાઇન જેટલા વિભાગમાં કાર્યરત છે. ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મળીને કંપની પાસે કુલ 200 જેટલો સ્ટાફ છે. આશરે છ બિલિયન ડોલરના ફંડ સાથે કંપની દર વર્ષે લગભગ 70 મિલિયન ડોલર જેટલી આવક કરે છે. આગામી બે વર્ષના સમયમાં કંપનીનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયન સ્ટોક એક્સચેન્જમાં પ્રવેશવાનો છે.
Satish Patel of Euro Solar received an award. Source: Private photo
દીપક પટેલ: શ્રીનિ ગ્રૂપ ઓસ્ટ્રેલિયા
કસ્ટમર સર્વિસ ઓફિસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર દીપક પટેલે રીટેઇલ બિઝનેસમાં સફળતા મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા અને ભારતમાં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સની દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. તેઓ હાલમાં શ્રીનિ ગ્રૂપમાં રીટેઇલ વિભાગના જનરલ મેનેજર તરીકે કાર્ય કરી રહ્યા છે.
સમીર નાયક, સનરાઇસ ફ્રેશ
એક ખેડૂત પરિવારમાં ઉછરેલા સમીર નાયકે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયામાં ઘણા વર્ષો સુધી ખેતરમાં કામ કર્યા બાદ સિડની શહેરમાં સનરાઇસ ફ્રેશ નામની ફ્રૂટ - વેજીટેબલ્સ સુપર માર્કેટનું સાહસ કરી સફળતા મેળવી છે.
વિકાસ પટેલ, નેસેન્ટ બિઝનેસ ગ્રૂપ
યુનિવર્સીટી ઓફ વેસ્ટર્ન સિડનીમાંથી સિવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરનારા વિકાસ પટેલે સિડનીમાં નેસેન્ટ બિઝનેસ ગ્રૂપ નામની રીયલ એસ્ટેટ કંપનીની શરૂઆત કરી વેસ્ટર્ન સિડનીના ઘણા વિસ્તારોમાં રેસિડેન્સીયલ સાઇટ્સનું નિર્માણ કર્યું છે.
ધર્મેશ રંગપરિયા, Chatkazz ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ
ખાવાના શોખીન ગુજરાતીઓને પોતાના વતનના સ્ટ્રીટ ફૂડ જેવો જ ટેસ્ટ અને ક્વોલિટી મળી રહે તે માટે ધર્મેશ રંગપરિયાએ સિડની શહેરમાં Chatkazz નામે ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ રેસ્ટોરન્ટનો પ્રારંભ કર્યો હતો. તેમનું સાહસ રંગ લાવ્યું અને હાલમાં સિડનીના હેરીસ પાર્ક તથા બેલા વિસ્ટા વિસ્તારમાં Chatkazz રેસ્ટોરન્ટ ગુજરાતીઓની પસંદગીની રેસ્ટોરન્ટમાં સ્થાન પામી છે.
Nital Desai of SBS Gujarati was honored for her contribution in the media industry. Source: Private photo
નીતલ દેસાઇ - એક્સીક્યુટિવ પ્રોડ્યુસર , SBS Gujarati
વર્ષ 2000માં SBS Gujarati સર્વિસમાં કેઝ્યુઅલ પ્રોડ્યુસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા નીતલ દેસાઇએ ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી કમ્યુનિટીને એક નવી ઓળખ મળે તે માટે ઘણા વર્ષો સુધી પોતાની સેવા આપી છે. ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓના પ્રશ્નો, સંસ્કૃતિ, કળા, તહેવાર તથા તેમની મહેનતને રેડિયોના માધ્યમ દ્વારા બિરદાવનારા નીતલ દેસાઇને મીડિયાની દુનિયામાં શ્રેષ્ઠ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં SBS Gujaratiમાં એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે.
Member of Gujarati Samaj NSW. Source: Private photo
પાર્થ જોશી - રે વ્હાઇટ, સેવન હિલ્સ, રીટલ એસ્ટેટ
વર્ષ 2004માં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવનાર પાર્થે લોજીસ્ટિક્સ વિભાગમાં કાર્ય કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે રીયલ એસ્ટેટની દુનિયામાં સાહસ કર્યું. પાર્થ હાલમાં સિડનીના સેવન હિલ્સ વિસ્તારમાં રે વ્હાઇટ નામની રીયલ એસ્ટેટ ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવે છે. સિડનીમાં ગુજરાતી કમ્યુનિટી ઇવેન્ટ્સમાં સહયોગ આપે છે.
રીયા - રીતૂ પટેલ , યંગ એચિવર
રીયા અને રીતૂ પટેલને અમેરિકામાં યોજાયેલી રોબોટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા બદલ યંગ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોબોટિક્સ ઇવેન્ટમાં ભાગ લઇ રીયા અને રીતૂએ ગુજરાતી તરીકે સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે.