27મી માર્ચ એટલે વર્લ્ડ થિયેટર ડે, યુનેસ્કો વડે સ્થાપવામાં આવેલ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ વડે વર્ષ 1961થી દર વર્ષે રંગમંચ અને તેના યોગદાનને બિરદાવવા વર્લ્ડ થિયેટર ડે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રંગકર્મીઓ વડે આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષે કેટલાક નામી - રંગકર્મીઓએ રંગમંચ અને તેના બદલતા સ્વરૂપ, તેના વિવિધ પાસાં અંગે એસ બી એસ સાથે વ્યક્ત કરેલા અભિપ્રાયો
દીક્ષિત ઠક્કર, સિડની :
નાનપણથી જ અભિનય અને સાહિત્ય ક્ષેત્ર સાથે ગાઢ સંબંધ ધરાવતા દીક્ષિત ઠક્કર જણાવે છે કે, મુંબઈમાં એક આધ્યાતિમિક સંસ્થા સાથે જોડાયા સાથે નાટક ભજવવાની શરૂઆત થઇ, વિવિધ સામાજિક વિષયો પર જાગૃતિ ફેલાવવા ભારતના જુદા જુદા રાજ્યોમાં શેરી નાટકો ભજવી નાટકના પાયા વિષે જાણ્યું. તો, પૃથ્વી થિયેટર, ભાઈ સાહેબ હોલ જેવા નાટ્યગૃહો માં નાટક ભજવવાનો મોકો મળેલ. વર્ષ 2006માં જયારે સિડની આવી વસ્યા ત્યારે થોડો સંઘર્ષ કરવો પડેલ પોતાના શોખને પોષવા યોગ્ય માધ્યમ શોધવા પણ વર્ષ 2007 થી જ પ્રથમ નાટક "ટોબા ટેક્ષી" થી શરૂઆત કરવાની તક મળી હતી અને આજ સુધી ઓસ્ટ્રેલિયાના વિવિધ દિગ્દર્શકો સાથે વિવિધ પ્રકારના કિરદાર નિભાવવાનો આનંદ રહ્યો છે. દિક્ષીતજીને સકારાત્મક, રાજકીય કટાક્ષ, સાહિત્યિક પ્રકારના નાટકો વધુ ગમે છે. અંતમાં તેઓ જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીયો માટે - ગુજરાતીઓ માટે રંગમંચ હજુ નવું ક્ષેત્ર કહી શકાય પણ જો રસધરાવનાર વ્યક્તિ પ્રયત્ન ચાલુ રાખે તો મંજિલ દૂર નથી.
Source: Dixit Thakkar
ચિંતન પંડ્યા, અમદાવાદ:
ગુજરાતી રંગભૂમિનું સૌથી લોકભોગ્ય સ્વરૂપ એટલે ભવાઈ, અને આ ભવાઈનું અસ્તિત્વ જોખમમાં છે અથવા આ કળા ભુલાતી જાય છે તેવામાં દેશ -વિદેશમાં ભવાઈ શીખવાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ચિંતન પંડ્યા. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે તેઓ જણાવે છે કે ભવાઈ એટલે ફક્ત ગામડામાં સામાજિક સંદેશ આપવા કે મનોરંજન પૂરું પાડવાનું માધ્યમ નહિ પણ, તેનું સ્વરૂપ ખુબ વિશાળ છે. પશ્ચિમી દેશોમાં ભજવતા ફોરમ થિયેટર, કમ્યુનિટી થિયેટરના લક્ષણો ભવાઈમાં મોજુદ છે. ભવાઈ કે અન્ય કોઈપણ નાટકના પ્રકારને ટકાવી માટે તેમાં પ્રયોગશીલતા જરૂરી છે, સમય પ્રમાણે બદલાવ જરૂરી છે. દા.ત. ભવાઈ યુરોપમાં લોકપ્રિય થાય તે પાછળનું સિક્રેટ છે કે અમે ભવાઈની શૈલી અને તેના ટુલ્સ એજ રાખીએ પણ ભાષા અને કથાવસ્તુ યુરોપિયન હોય. આજના પ્રસંગે એક જ ઈચ્છા અને આશા કે જેમ નવા મનોરંજક નાટકો લખાય છે તેવી જ રીતે વિવિધ સ્વરૂપના વેશ કે પાત્રો લખાય, વિવિધ શૈલીમાં પ્રયોગશીલતા આવે તો ગુજરાતી રંગભૂમિની સાચી સેવા કરી ગણાશે.
Source: Chintan Pandya
હેમાંગ દવે:
ગુજરાતી સીનેજગતની ઉભરતી પ્રતિભાઓમાંની એક હેમાંગ દવે, જે વિવિધ ફિલ્મોમાં કોમેડિયન તરીકે ચમકી ચુક્યા છે તેઓ જણાવે છે કે તેમના અભિનયનો પાયો નાટક સાથે જોડાયેલ છે. તેઓને ફિલ્મ અને નાટક બંને માટે સરખો પ્રેમ છે. તેઓના માટે નાટક સહેજ અઘરું ફોમ છે કેમકે અહીં રી-ટેક કરવાનો કોઈ સ્કોપ નથી, પ્રેક્ષકોનો પ્રતિસાદ - રિસ્પોન્સ આપને તરત જ મળે છે. નાટક વ્યક્તિને હસાવી શકે છે અને રડાવી પણ શકે છે. આ અંગે વાત કરતા હેમાંગ જણાવે છે કે "કસ્તુરબા" નાટકમાં તેઓ એ ગાંધીજી અને કસ્તુરબાના સૌથી મોટા પુત્ર હરિલાલનું પાત્ર ભજવેલ (હેમાંગ પોતાની અભિનેતા તરીકેની પ્રસિદ્ધિનો શ્રેય આ પાત્રને આપે છે). આ નાટકનું એક દ્રશ્ય છે જેમાં હરિલાલ ખુબ જ ગરીબીમાં છે અને તેમને જાણ થાય છે કે ગાંધીજી અને કસ્તુરબા તેમના ગામમાં આવ્યા છે અને તેઓ તેમને મળવા માંગે છે પણ લોકો તેમને ઓળખી નથી શકતા અને પોતાના જ માં-બાપને મળવા જે પ્રયત્નો કરવા પડે છે -તે પરિસ્થિતિ એ લોકોને ખુબ કે ઈમોશનલ કરી દીધેલ. લોકો પર આ પ્રસન્ગની ઊંડી છાપ પડેલ તો આ શક્તિ છે નાટકની. હરિલાલ જેવા વધુ પાત્રો ભજવવા મળે તેવી દિલ થી ઈચ્છા છે. આમ થવાથી ગુજરાતી તકતાની વિવિધતા જળવાઈ રહેશે.
Source: Anuj Ambalal, Hemang Dave
અન્નપૂર્ણા શુક્લા, અમદાવાદ:
ગુજરાતી રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે 50 વર્ષથી પણ વધુ અનુભવ ધરાવનાર અન્નપૂર્ણા શુક્લા કહે છે કે ગુજરાતી રંગમંચનો મંચ તો એજ છે ખાલી ચહેરા મહોરા બદલાતા જાય છે. પહેલા નાટકના કલાકારો એકબીજા સાથે પરિવારના સભ્યો માફક હતા, હવે આ અભિગમ બદલાયો છે. મહિલા કલાકારોની બદલાયેલ પરિસ્થિતિ વિષે ગમ્મતીલી ટિપ્પણી કરતા અન્નપૂર્ણાજી કહે છે કે, " શરૂઆતમાં જયારે તેઓ નાટક કરવા જતા ત્યારે બંને પિયર અને સાસરી પક્ષમાં લોકો કહેતા કે આ તો ચાલ્યા 'નાટક' કરવા" એ સમયે આડકતરી રીતે સંભળાવતા પણ ખરા. ટૂંકમાં લોકોને નહોતું ગમતું . પણ આજે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે, એજ લોકો આજે નાટકને સ્વીકારતા થયા છે, કલાકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
વર્લ્ડ થિયેટર ડે નિમિત્તે શુભકામના પાઠવતા અન્નપૂર્ણા શુકલા જણાવે છે કે ઉગતા કલાકરોએ આ ક્ષેત્રે નવું ખેડાણ કરવાનું છે, જે માટે સ્વસ્થ મન અને તન જરૂરી છે. તેઓ રંગમંચ ક્ષેત્રે નવીન અભિગમ કેળવી મંચને ફરી પ્રસિદ્ધિના શિખરે લઇ જાય તેવી શુભેચ્છા.
Source: Annapurna Shukla
મંજુલ ભારદ્વાજ, મુંબઈ :
વર્ષ 1992માં કાંતિ નીકળેલ કોમી હુલ્લડો દરમિયાન ભાઈચારો - શાંતિ ફેલાવવાના પ્રયાસ સાથે મંજુલ ભારદ્વાજે શરુ કરેલ "થિયેટર ઓફ રીલેવન્સ ". મંજુલ કહે છે કે નાટકને અત્યાર સુધી આપણે ખુબ સીમિત દ્રષ્ટિથી મૂલવીએ છીએ. મંજુલ કહે છે કે નાટકે તેમને રંગકર્મી, વિચારક, ક્રાંતિકારી, સમાજસેવક અને પ્રચારક બનાવ્યા છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્ર થી લઈને પશ્ચિમી નામી નાટ્યકારો -સર્જકોની શૈલીનો અભ્યાસ કર્યા બાદ મંજુલે વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના પ્રેક્ષકોને વિચારતા કરવા માટેની શૈલી ભજવવા પર પસંદગી ઉતારી, મંજુલનાં નાટકોમાં પ્રેક્ષકો નાટકના પાત્ર બની જાય છે. "ડ્રોપ ઓફ વૉટર", "મૈં ઓરત હું", "ગર્ભ ", " અનહર્ડ સોન્ગ્સ ઓફ યુનિવર્સ " જેવા નાટકો વડે વિશ્વના વિવિધ દેશોના લોકોને વિવિધ સામાજિક પ્રશ્નો માટે જાગૃત કરવામાં મંજુલને સફળતા મળી છે.
મંજુલ કહે છે કે ખરા અર્થમાં જીવન એક રંગમંચ છે અને આપણે સૌ કલાકારો છીએ, જયારે એક કલાકારની શક્તિ થી કે દ્રષ્ટિથી જીવન જીવીએ છીએ ત્યારે જીવનનો અર્થ જ જાણે બદલાઈ જાય છે. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે મંજુલ કહે છે કે," નાટકના વિસ્તૃત રૂપને જાણવાની અને વિકસાવવાની જરૂર છે. નાટક એ શેરી નાટક, મનોરંજન પૂરું પડતું માધ્યમ, જાગૃતિ ફેલાવવાના માધ્યમ કરતા ઘણું વિશાલ સ્વરૂપ ધરાવે છે. દરેક વ્યક્તિ જયારે નાટકના નાયકની લાગણી અનુભવે ત્યારે બદલાવ આપોઆપ આવે છે."
Source: Majul Bhardwaj