ગુજરાતી મનોરંજન જગતમાં રંગમંચનું સ્થાન ખુબ મહત્વનું રહ્યું છે. ગુજરાતી નાટકોએ પ્રેક્ષકોને હસાવ્યા છે - રડાવ્યા છે અને વિચાર કરતા પણ કર્યા છે અને આવા જ નાટકોના પ્રભાવથી બૉલીવુડ પણ બાકાત નથી.
102 Not Out
'102 નોટ આઉટ' ફિલ્મ આજ નામ પરથી બનેલ ગુજરાતી નાટક પર આધારિત છે. ફિલ્મ નિર્માતા ઉમેશ શુક્લે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જયારે તેઓ '102 નોટ આઉટ' નાટકનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે તેઓને આ વિષયના ફલક વિષે વિચાર આવ્યો. આ વિષય એક વૈશ્વિક અપીલ કરતો વિચાર છે. આ ફિલ્મ પિતા અને પુત્રના સંબંધો પર આધારિત છે.
ફિલ્મ સમીક્ષકો દ્વારા વખાણવામાં આવેલ આ ફિલ્મ 102 વર્ષના વૃદ્ધ વ્યક્તિની વાત છે જે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે રેકોર્ડ બનાવવા ઈચ્છે છે.
સુપર નાની
વર્ષ 2014માં રજુ થયેલ ફિલ્મ સુપર નાની, ગુજરાતી નાટક 'બા એ મારી બાઉન્ડરી' પરથી બનાવવામાં આવી છે.
આ નાટકને ખુબ સફળતા મળી હતી. આ નાટકમાં પીઢ કલાકરોએ પોતાની અભિનય ક્ષમતાથી પ્રાણ ફૂંક્યો હતો, જેમાં સ્વ. પદ્મારાણી, સનસ વ્યાસ, જાગેશ મુકાતી , જીમિત ત્રિવેદી, લિનેશ ફણસે, સ્નેહલ ત્રિવેદી , દીપ ભૂટા, હર્ષ મહેતા, ધીરજ સિંહ સામેલ હતા.
Source: screen shot of youtube link
આ ફિલ્મની કથા વસ્તુ - જેમાં એક મહિલા પોતાનું જીવન પોતાના પરિવારના જતનમાં ખર્ચે છે પણ તેની કદર કરવામાં આવતી નથી. આ મહિલાને પરિવારજનો અપમાનિત કરે છે અને હાંસીપાત્ર માને છે. ત્યારબાદ તેનો પૌત્ર અમેરિકાથી આવે છે અને તેણીના જીવનમાં પરિવર્તન આવે છે. દિગ્ગ્જ કલાકરો રેખા, રણધીર કપૂર, અનુપમ ખેર, શરમન જોશી અને શ્વેતા કુમાર હોવા છતાં આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી મોળો પ્રતિસાદ મળ્યો હતો.
OMG - ઓ માય ગોડ
ગુજરાતી નાટક 'કાનજી વિરુદ્ધ કાનજી' પર હિન્દી નાટક 'ક્રિષ્ના Vs. કન્હૈયા' અને હિન્દી ફિલ્મ 'OMG ઓ માય ગોડ' આધારિત છે.
'કાનજી વિરુદ્ધ કાનજી' એક નાસ્તિક વ્યક્તિની વાત છે, જેની દુકાન ભૂકંપના કારણે નાશ પામે છે અને આ નુકસાનનની ભરપાઈ કરવા માટે તે અલ્માઈટી સાથે સંઘર્ષમાં ઉતરે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે પરેશ રાવલની મુખ્ય ભૂમિકા ધરાવતા હિન્દી વર્ઝનની મૂળ ગુજરાતી કથામાં મુખ્ય ભૂમિકા ટીકુ તલસાણિયાની હતી.
રંગમંચ ક્ષેત્રે આ નાટકને મળેલ અપાર સફળતાનાં કારણે આ કથા આધારિત ફિલ્મ બનાવવાના વિચારને વેગ મળ્યો. આ ફિલ્મને પણ ખુબ સફળતા મળી. આ ફિલ્મે ધર્મની અવધારણા અને અંધવિશ્વાસ સામે પ્રશ્નાર્થ કરી લોકોને વિચારતા કર્યા હતા .
વક્ત - ધ રેસ અગેન્સ્ટ ટાઈમ
'આવજો વ્હાલા ફરી મળીશું' આ નાટક પર આધારિત છે ફિલ્મ 'વક્ત - ધ રેસ અગેન્સ્ટ ટાઈમ'. હેટ્સ ઓફ પ્રોડક્શન દ્વારા નિર્મિત નાટકને ખુબ સમીક્ષકો દ્વારા વખણવામાં આવ્યું હતું . જેમાં દેવેન ભોજાણી, વંદના પાઠક, જમનાદાસ મજેઠીયા (JD) અને સુચેતા ત્રિવેદી એ અભિનય કર્યો હતો.
ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિપુલ શાહની હિન્દી ફિલ્મ 'વક્ત - ધ રેસ અગેન્સ્ટ ટાઈમ'ને પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શેફાલી છાયા, અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું.
આંખે
વિપુલ શાહ દિગ્દર્શિત વર્ષ 2002 માં રજૂ થયેલ થ્રિલર ફિલ્મ 'આંખે', ગુજરાતી નાટક ' આંધળો પાટો' પરથી બનાવવામાં આવી છે.
ઇત્તેફાક
વર્ષ 1969માં રજુ થયેલ ફિલ્મ ઇત્તેફાક ગુજરાતી નાટક "ધુમ્મસ" પરથી બનાવવામાં આવી હતી. આ ચોથી હિન્દી ફિલ્મ હતી જેમાં એકપણ ગીત ન હતું. ગુજરાતી નાટક માં સરિતા જોશી મુખ્ય ભૂમિકામાં હતા જયારે ફિલ્મમાં રાજેશ ખન્ના, નંદા અને બિંદુ એ કામ કર્યું હતું