મેન્ટલ હેલ્થ ઓસ્ટ્રેલિયાના રૂથ દાસ જણાવે છે કે, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાને વિવિધ રીતે જોઈ શકાય છે - જેમકે, ઘણી વખત લોકો અભિભૂત મહેસુસ કરે છે, તેમની દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં- ઊંઘવામાં સહજતા નથી હોતી, અથવા સતત ઉદાસીનતા અને તાણ ઘણા દિવસો સુધી અનુભવે છે.માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે અન્ય કરતા માઇગ્રન્ટ્સને વધુ પડકાર ઝીલવા પડે છે, જેમાં નવા દેશમાં નવી રીતભાત અપનાવવી, રોજગારની શૉધ કરવી, આવાસની વ્યવસ્થા કરવી વગેરે જેવી બાબતો મુખ્ય છે. આ સાથે નવા દેશમાં સામાજિક રીતે મળતી મદદ કે સહકારનો પણ અભાવ હોય છે જે આ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.
આપના જી પી સાથે વાત કરો
સામાન્ય ઓસ્ટ્રેલિયનોની તુલનામાં માઇગ્રન્ટ્સ સમુદાયના લોકો માનસિક સ્વાસ્થ્ય સહાયનો ઉપયોગ ઓછો કરે છે. અહીં જાણવું રહ્યું કે તેમના માટે વિવિધ ભાષામાં, અને ઘણી નિઃશુલ્ક સેવાઓ ઉપલબ્ધ છે.
આ માટે સૌ પ્રથમ જી પી નો સમ્પર્ક કરવો, જે વ્યક્તિને યોગ્ય માનસિક સ્વાસ્થ્ય સેવા પ્રદાતાને રેફર કરી શકે. જો આપ અંગ્રેજી સિવાયની ભાષામાં આપના જી પી સાથે વાત કરવા ઇચ્છતા હોવ તો દુભાષિયા સેવા ઉપલબ્ધ છે.રૂથ દાસ જણાવે છે કે, કેટલીક સેવાઓ અંગેજી સિવાયની ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. આ માટે યોગ્ય સલાહ અને માર્ગદર્શન જી પી આપી શકે છે. ઓસ્ટ્રેલિયાના ઘણા રાજ્યોમાં ટ્રાન્સ્ક્લચર માનસિક સ્વાસ્થ્ય સેવાઓ ખાસ માઇગ્રન્ટ્સ અને રેફ્યુજી સમુદાયના લોકોને ધ્યાનમાં રાખીને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હેલ્પ લાઈન
વ્યક્તિ પોતાની સમસ્યા અંગે જો કોઈ પ્રકારની મદદ ઈચ્છે તો નિઃશુલ્ક હેલ્પલાઇન ઉપલબ્ધ છે - બીયોનડબ્લ્યુ -1300224636 અથવા લાઈફલાઈન - 131114. જો ઓનલાઇન માહિતી મેળવવી હોય તો beyondblue.org.au અને lifeline.org.au. ની મુલાકાત લઇ શકાય.
જરૂરી નથી કે વ્યક્તિ પોતે જ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાતી હોય, આ મદદ તેઓ પોતાના સ્વજન કે મિત્ર કે કોઈઅન્ય વ્યક્તિ માટે પણ મેળવી શકે છે. બીયોનડબ્લ્યુ દ્વારા વિવિધ ભાષમાં માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત દુભાષિયા સેવા 131450 પર ફોન કરી વ્યક્તિ પોતાની ભાષામાં બીયોનડબ્લ્યુ કે લાઇફલાઈનનો સમ્પર્ક કરી શકે છે.લાઈફલાઈનના ફોર સ્ટ્રેટેજી એન્ડ રિસર્ચ એઝીક્યુટીવ ડિરેક્ટર એલન વુડવોર્ડ કહે છે કે માનસિક સ્વાસ્થ્ય અંગે મદદ માટે સંપર્ક ભલે ગમે તે રીતે કરવામાં આવે, પણ જરૂરી છે કે જરૂરતમંદ લોકો સુધી મદદ પહોંચાડી શકાય.
માનસિક સ્વાસ્થ્ય અંગે મદદ માટે જી પી અથવા સ્થાનિક માઈગ્રન્ટ રિસોર્સ સેન્ટરનો સમ્પર્ક કરવો.
હેલ્પ લાઈન નમ્બર - બીયોનડબ્લ્યુ 1300224636, લાઈફલાઈન 131114.
દુભાષિયા સેવા - 131450.