ભારતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. દેશમાં સરકાર ચૂંટવા માટે આગામી એપ્રિલ તથા મે મહિનામાં ચૂંટણી યોજાશે. જેમાં દેશના લગભગ 900 મિલિયન લોકો પોતાનો કિંમતી મત આપીને સરકાર બનાવશે. જે 2014માં યોજાયેલી ચૂંટણી કરતા 86 મિલિયન વધુ છે.
આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં સરકાર વધુને વધુ ભારતીયો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં દેશમાં રહેતા નાગરિકને જ સરળતા નહીં પરંતુ દેશની બહાર રહેતા ભારતીય નાગરિક પણ મત આપી શકે તેવા પગલા લીધા છે.
અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન અપૂરતી માહિતી હોવાના કારણે મોટી સંખ્યામાં ભારતથી બહાર બીજા દેશમાં રહેતા ભારતીય નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકતા નહોતા.
તો આવો જાણીએ, NRI વ્યક્તિએ જો ભારતમાં યોજાનારી ચૂંટણીમાં વોટ આપવો હોય તો તેણે કઇ કાર્યવાહી કરવી પડે છે.
Image
NRI વોટર કોને કહી શકાય
NRI વોટર એટલે કે એ વ્યક્તિ કે જે ભારતીય નાગરિક છે પરંતુ અભ્યાસ, નોકરી કે કોઇ અન્ય કારણસર વિદેશમાં સ્થાયી થયો હોય અને તેણે હજી સુધી જે - તે દેશની નાગરિકતા પ્રાપ્ત ન કરી હોય. આ વ્યક્તિ NRI વોટર તરીકે પોતાનું નામ નોંધાવી મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.
NRI વોટર તરીકે કેવી રીતે પોતાનું નામ નોંધાવી શકાય
NRI વ્યક્તિએ સૌ પ્રથમ ભારતમાં પોતાના મતદાન મથકની તથા તે વિસ્તારના ઇલેક્શન ઓફિસર્સની જાણકારી મેળવવી જરૂરી છે. ત્યાર બાદ તેમણે ઓનલાઇન ઉપલબ્ધ Form 6A ભરવું પડે છે. આ ફોર્મ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પોતાના અંગત ડોક્યુમેન્ટ્સ પણ આપવા જરૂરી છે.
- કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- પાસપોર્ટની કોપી, જેમાં વ્યક્તિનું ભારતનું સરનામું, તેનો ફોટો તથા અન્ય જરૂરી માહિતી હોય.
- જે-તે દેશના વિસા મળ્યા હોય તે દેશના સિક્કા સાથેનું પાસપોર્ટ પેજ.
A tribal women shows her voter card. Source: AAP Image/ EPA/STR
બુથ ઓફિસર તમામ વિગતોની ખાતરી કરશે
એક વખત Form 6A તથા તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા બાદ બુથ ઓફિસર ખાતરી કરવા માટે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા સરનામાની મુલાકાત લેશે. તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ તે વ્યકિતને પોસ્ટ અથવા મોબાઇલ મેસેજ દ્વારા પરિણામની સૂચના અપાશે.
વોટ કેવી રીતે આપી શકાશે
NRI વ્યક્તિને EPIC એટલે કે Electronic Photo Identity Card નહીં મળે, તે મતદાનના દિવસે મતદાન મથક પર પોતાનો માન્ય પાસપોર્ટ દર્શાવીને વોટ આપી શકશે.
ઓનલાઇન વોટિંગ નહીં થઇ શકે
વર્તમાન સુવિધા પ્રમાણે NRI વ્યક્તિએ જો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો હશે તો તેણે મતદાનના દિવસે રૂબરૂમાં આવીને મત આપવો પડશે. હાલમાં NRI વ્યક્તિઓ માટેનું Proxy Voting બિલ રાજ્યસભામાં વિચારણા હેઠળ હોવાથી ઓનલાઇન વોટિંગ શક્ય નથી. આ ઉપરાંત, NRI વોટર્સ પ્રિ-પોલ એટલે કે મતદાનના અગાઉના દિવસે પણ વોટ નહીં આપી શકે, તેમણે સામાન્ય ભારતીય નાગરિકની જેમ મતદાનના દિવસે જ વોટ આપવો પડશે.