ભારત દેશ સ્વતંત્ર થયો તેને વર્ષ 2022ની 15મી ઓગસ્ટના રોજ 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
અને, તે સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષનું સમાપન થશે અને તેને યાદગાર બનાવવા માટે ભારતની કેન્દ્ર સરકારે 'હર ઘર તિરંગા' ઝુંબેશની હાકલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ 2022 દરમિયાન દેશના દરેક રહેવાસીને તેમના ઘર બહાર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે અનુરોધ કરાયો છે.
સામાન્ય રીતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ દરેક સરકારી ઇમારતોમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાય છે.
પરંતુ આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી કાર્યલયો અને શૈક્ષણિક સંસ્થાઓની જેમ દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે અનુરોધ કર્યો છે.
એ માટે ભારતની તમામ નગરપાલિકા, મહાપંચાયત, જિલ્લા પરિષદ અને ગ્રામપંચાયતોને ધ્વજના વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે.
1 ઓગસ્ટથી ભારતની દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ થઇ રહ્યું છે.

Credit: Dinodia Photo/Getty Images
ગુજરાતના ચાર મહાનગરોમાં પણ રાષ્ટ્રધ્વજની ખરીદી
મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના ચાર મોટા મહાનગરોમાં 3 લાખ જેટલા રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવી છે. આગામી 3 દિવસમાં આ આંક 15 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત 'હર ઘર તિરંગા' ઝુંબેશને દરેક રહેવાસી સુધી પહોંચાડવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને સુરેન્દ્રનગરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ તિરંગાા યાત્રા યોજાશે.
વેબસાઇટ પર સેલ્ફી અપલોડ કરી શકાય
તાજેતરમાં જ ભારતીય કેન્દ્ર સરકારે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત એક વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. જેના પર લોકો ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે પોતાની સેલ્ફી પણ અપલોડ કરી શકે છે.
આ વેબસાઇટ પર અત્યાર સુધીમાં 62 લાખ જેટલા લોકોએ પોતાના ફોટોગ્રાફ્સ મૂક્યા છે.
75 સપ્તાહ અગાઉ એટલે કે માર્ચ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની જાહેરાત કરી હતી.
અત્યાર સુધીમાં દેશના વિવિધ શહેરો અને નગરોમાં કુલ 50,000 જેટલા કાર્યક્રમો યોજાઇ ચૂક્યા છે, તેમ સાંસ્કૃતિક વિભાગે જણાવ્યું હતું.
હર ઘર તિરંગા કેમ્પેઇન અંતર્ગત ભારતીય ધ્વજ ફરકાવવાના નિયમોમાં સુધારા
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાને 20મી જુલાઇ 2022ના રોજ સુધારવામાં આવ્યો હતો. જે અંતર્ગત હવે ભારતીય રાષ્ટ્રધ્વજ સવારે અને રાત્રે એમ બંને સમયે ફરકાવી શકાય છે.
અગાઉના નિયમ પ્રમાણે, સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત અગાઉ ધ્વજ ફરકાવી શકાતો હતો.
જોકે, રાષ્ટ્રધ્વજ ખુલ્લી જગ્યામાં અને દેશના રહેવાસીના ઘર પર ફરકાવવો જરૂરી છે. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમ અંતર્ગત નુકસાનગ્રસ્ત અથવા ફાટી ગયો હોય તેવો ધ્વજ ફરકાવી શકાતો નથી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.