વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ મલેશિયાથી આવી રહેલા એક ભારતીય પ્રવાસીને તપાસ માટે અટકાવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી બાળક સાથે મારપીટ થતી હોય તેવો વીડિયો જોવા મળ્યો હતો. જેના કારણે તેમના ટુરિસ્ટ વિસા રદ કરી દેવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "ભારતીય પ્રવાસી પાસેથી બાળશોષણને લગતી સામગ્રી મળી હતી. જે કસ્ટમ્સ ઇમ્પોર્ટ્સ રેગ્યુલેશન 1956નું ઉલ્લંઘન છે."
મોબાઇલમાંથી ગેરકાયદેસર સામગ્રી મળતા અધિકારીઓએ તે પ્રવાસીનો મોબાઇલ જપ્ત કરી લીધો હતો અને તેમની ધરપકડ કરી ઇમિગ્રેશન સેન્ટર મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ, રવિવારે તેમને ભારત પરત મોકલી દેવાયા હતા.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના રીજનલ કમાન્ડર રોડ ઓ'ડોનેલે જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ પ્રકારની બાળશોષણની સામગ્રી લાવવી ગેરકારદેસર છે અને ઓસ્ટ્રેલિયા પ્રવેશતા લોકો આ પ્રકારનો ગુનો ન કરે તેનું અમે વિશેષ ધ્યાન રાખીએ છીએ."
વીડિયોમાં કોઇ બિભત્સ સામગ્રી નહોતી, પરંતુ, બાળક સાથે મારપીટ થતી હોય તેવા દ્રશ્યો હતા. પ્રવાસીઓએ એ ધ્યાનમાં રાખવું જોઇએ કે ઓસ્ટ્રેલિયામાં બાળશોષણની સામગ્રી પ્રતિબંધિત છે.
ઓ'ડોનેલે ઉમેર્યું હતું કે, "બિભત્સ કે બાળશોષણને લગતી સામગ્રી સાથે પકડાવવા બદલ ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે જેમાં દંડથી લઇને વિસા રદ પણ થઇ શકે છે."
ઓસ્ટ્રેલિયામાં કઇ વસ્તુ લાવી/ન લાવી શકાય
પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતી વખતે તેઓ કઇ વસ્તુ લાવી કે ન લાવી શકે તેની યાદી જાણવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના જણાવ્યા પ્રમાણે, પોર્ન વીડિયો, પાઇરેટેડ ડીવીડી, બાળકોનું શારીરિક શોષણ થતું હોય તેવા વીડિયો ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત છે. ઓસ્ટ્રેલિયા પ્રવેશનાર કોઇ પણ વ્યક્તિએ પ્રતિબંધિત સામગ્રીથી બચવું જોઇએ.