ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યમાં જાહેર સ્થળે વધુ પડતા દારૂના (આલ્કોહોલ) સેવનની હાલતમાં જો કોઇ પણ વ્યક્તિ જોવા મળે તો પોલિસ તેની ધરપકડ કરી શકે તેવો કાયદો અસ્તિત્વમાં હતો પરંતુ હવે વિક્ટોરિયામાં તે નાબૂદ કરવામાં આવશે.
વિક્ટોરિયાની રાજ્ય સરકારના જાહેર સ્થળે દારૂના વધુ પડતા સેવનથી ભાન ગુમાવનારા વ્યક્તિની ધરપકડ નહીં કરવાનો નિયમ લાગૂ કર્યા બાદ ફક્ત ક્વિન્સલેન્ડમાં જ આ કાયદો અસ્તિત્વમાં રહેશે.
વિક્ટોરિયન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને વધુ સહયોગ મળી રહે અને તેઓ જાહેર સ્થળે નશાની હાલતમાં ઉત્પાત ન મચાવે તે અંગે વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે નશાની હાલતમાં ધરપકડ કરવાના કાયદાને નાબૂદ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી રોયલ કમિશને ભલામણ કરી હતી. અને હવે, રાજ્ય સરકારે હવે તે નિયમ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.
Source: AAP
સરકારે પોતાના નિવદેનમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દા વિશે નાગરિકોને કેવી રીતે સહયોગ આપી શકે તે માટે એક એક્સપર્ટ રેફરન્સ ગ્રૂપની રચના કરશે.
આ ઉપરાંત સરકાર વિક્ટોરિયા પોલીસ, એબઓરિજીનલ આગેવાનો, આરોગ્યની વિવિધ સર્વિસ અને સમાજ સાથે મળીને જાહેર સ્થાનો પર નશા સંબંધિત ગુનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનું પણ કાર્ય હાથ ધરશે.
પોલીસ કસ્ટડીમાં મહિલાના મૃત્યુ બાદ કાયદા નાબૂદીની માંગ વધી
વર્ષ 2017ના ડિસેમ્બરમાં તાન્યા ડે નામના એબઓરિજીનલ મહિલા ટ્રેન દ્વારા એચુકાથી મેલ્બર્ન આવી રહ્યા હતા ત્યારે ફરજ પરના અધિકારીઓએ તેમને ટ્રેનની ટિકીટ દર્શાવવા જણાવ્યું હતું. પરંતુ તેઓની હાલત ખરાબ હોવાથી તેઓ ટિકીટ ન દર્શાવી શક્યા અને પોલીસે તેમની ધરપકડ કરી હતી.
પોલીસ કસ્ટડીમાં તેમણે પાંચ વખત તેમનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. અને, ત્યાર બાદ તેમને હેમરેજ થતા પોલીસ કસ્ટડીમાં જ મૃત્યું પામ્યા હતા.
સરકારના નિર્ણયની પ્રશંસા કરતા તાન્યા ડેની પુત્રી બેલિન્ડા સ્ટીવન્સે જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય આવકાર્ય છે પરંતુ તેમની માતાના મૃત્યુની કિંમત પર આ નિયમમાં ફેરફાર કરાયો તેનું દુ:ખ છે.