છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવકનો મોટો સ્ત્રોત સાબિત થયા છે. અને, તેનાથી દર વર્ષે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 38 બિલિયન ડોલરનો ઉમેરો થાય છે. તથા, શિક્ષણ ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયામાં 250,000 નોકરીનું નિર્માણ થાય છે.
પરંતુ, કોરોનાવાઇરસના કારણે નોકરી છૂટી જવા ઉપરાંત, યુનિવર્સિટીમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ થતા ઓનલાઇન માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે.
કેટલાક વિદ્યાર્થીઓએ હાલની મુશ્કેલ પરિસ્થિતીમાં શિક્ષણ સંસ્થાઓને ફીમાં ઘટાડા માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી છે અને, જીવન નિર્વાહ માટે ચેરિટી સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે.
આ અંગે વાત કરતા કોલંબિયાની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જોઆના વેલાસ્વેઝે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છે. કોરોનાવાઇરસના કારણે નોકરી છૂટી જતા તે ઘર ખર્ચ કાઢવા માટે પણ અસમર્થ બની છે.જોઆના ઇન્ફર્મેશન ટેક્નોલોજી સપોર્ટનો અભ્યાસ કરે છે અને દર સેમેસ્ટરમાં તેને 5000 ડોલરની ફી ચૂકવવી પડે છે.
Lining up at a food bank for students Source: SBS
કોરોનાવાઇરસના કારણે શિક્ષણ ઓનલાઇન માધ્યમથી થઇ રહ્યું છે ત્યારે તેણે ફીમાં ઘટાડા માટે રજૂઆત કરી હતી પરંતુ તેની અરજી નકારવામાં આવી હતી.
ઓનલાઇન શિક્ષણમાં ગુણવત્તાનો અભાવ
જોઆનાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન માધ્યમ દ્વારા આપવામાં આવતા શિક્ષણમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. તેમ છતાં પણ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ફી ભરવી પડી છે.
આ ઉપરાંત, હેરડ્રેસિંગ અને ફીઝીયોથેરાપી જેવા પ્રેક્ટિકલ કોર્સ પણ ઓનલાઇન માધ્યમ દ્વારા આપવામાં આવતા તેની ગણવત્તામાં ઘણો ઘટાડો થયો છે.
બીજી તરફ, લોયર નિક હેના જણાવે છે કે ઘણી બધી કોલેજે ઓસ્ટ્રેલિયન કન્ઝ્યુમરના કાયદા તથા શિક્ષણ સંસ્થાઓ માટે ઘડવામાં આવેલી ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
હેનાએ ઉમેર્યું હતું કે તેમણે વિદ્યાર્થીઓને ફીમાં ઘટાડા માટે અરજી કરવા એક પત્ર આપ્યો હતો પરંતુ જ્યાં સુધી તેમની સંસ્થાએ તેમાં ભાગ ન ભજવ્યો ત્યાં સુધી મોટાભાગની અરજી નકારવામાં આવી હતી.
તેમની સંસ્થાએ વાટાઘાટો કરી ત્યાર બાદ કોલેજ દ્વારા ફીમાં ઘટાડાની અરજી સ્વીકારાઇ હતી.
નિકે ઉમેર્યું હતું કે કેટલીક શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને સહયોગ આપવામાં નિષ્ફળ રહી છે.
કોરોનાવાઇરસની પરિસ્થિતી વિદ્યાર્થીઓના નિયંત્રણ બહાર છે અને તેઓ ઉચ્ચ ગુણવત્તાભર્યું શિક્ષણ મેળવી શકે તે માટે જ જંગી ફી ભરે છે પરંતુ હાલમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ જો ફી ભરવા માટે સક્ષમ ન હોય તો તેમને કેટલીક રાહત આપવી જરૂરી છે.
શિક્ષણ સંસ્થાઓને પણ આર્થિક નુકસાન થયું
ઇન્ટરનેશનલ એજ્યુકેશન એસોસિયેશન ઓફ ઓસ્ટ્રેલિયાના ફી હનીવૂડે જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ શિક્ષણ સૌથી શ્રેષ્ઠ છે પરંતુ હાલમા શિક્ષણ સંસ્થાઓને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
સંસ્થા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને પગાર ઉપરાંત ઓનલાઇન શિક્ષણ માટે વિવિધ ટેક્નોલોજી વિકસાવવામાં પણ કોલેજને ખર્ચ થઇ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મદદે આવી વિવિધ સંસ્થાઓ
સિડની સ્થિત એડિસન રોડ કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશને તેમનો મફતમાં ખાદ્યસામગ્રી આપવાનો કાર્યક્રમ લંબાવ્યો છે. જેમાં તેઓ જરૂરિયાતમંદ લોકોને મફતમાં ખાદ્યસામગ્રી આપે છે.
સંસ્થાના સીઇઓ રોસાન્ના બાર્બેરોએ જણાવ્યું હતું કે, હાલમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સંસ્થાની સેવાનો લાભ લઇ રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં વિવિધ ક્ષેત્રોમાં સેવા દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યા હોવાથી વર્તમાન સમયમાં તેમને સહયોગ કરવો જરૂરી છે.