કોફી ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. ઓસ્ટ્રેલિયાના લોકો કેફીનના પદાર્થોનો પોતાની રોજિંદી જીંદગીમાં, બિઝનેસ મીટિંગમાં તથા સામાજિક પ્રસંગોમાં વારંવાર ઉપયોગમાં લે છે. નવા રીસર્ચ પ્રમાણે કેફીનના પદાર્થોનો વધુ પડતો ઉપયોગ માનવ શરીર પર પ્રતિકૂળ અસર પેદા કરી શકે છે.
આ વર્ષે ઓસ્ટ્રેલિયા સ્લીપ અવેરનેસ વીક દરમિયાન ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિમાં વધી રહેલા કેફીનના પદાર્થોના ઉપયોગ પર પ્રકાશ પાડી રહ્યું છે ત્યારે જોઇએ કે માનવ શરીર પર તે કેવી રીતે આડઅસર પેદા કરે છે.
રીસર્ચના તારણ પ્રમાણે લગભગ 75 ટકા ઓસ્ટ્રેલિયન લોકો કેફીનના પદાર્થોનું સેવન કરે છે. તેઓ એક દિવસમાં કેફીન ધરાવતા ઓછામાં ઓછા ત્રણ પદાર્થો પીણા તરીકે ઉપયોગમાં લે છે. જેમાંથી લગભગ અડધા ભાગના લોકો એવા પીણા પસંદ કરે છે કે જેમાં ભારે માત્રામાં કેફીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.કેફીનના પદાર્થોના સકારાત્મક તથા નકારાત્મક બે પાસાઓ છે. તે ધ્યાન લગાવવામાં તથા જાગૃતિ લાવવામાં મદદરૂપ થાય છે પણ જો કેફીનના પદાર્થો વધુ માત્રામાં લેવામાં આવે તો તેની આડઅસર શરીરને નુકસાન કરે છે.
Female friends drinking coffee and using cell phone in cafe. Source: Getty Images/Caiaimage/Paul Bradbury
કેફીનના પદાર્થોના વધુ પડતા ઉપયોગ દ્વારા માનવ શરીર થતી આડઅસર વિશે SBS Gujarati સાથે વાત કરતા ડો. ક્રિસ હાર્ટે જણાવ્યું હતું કે, "કેફીનના પદાર્થોના વધુ પડતા સેવનથી ઊંઘ ન આવવાની તકલીફની સાથે સાતે ડાયાબિટીસ, હતાશા, સ્થૂળતા અને હ્દયરોગ જેવી બિમારીઓ થઇ શકે છે."
"નાના બાળકો માટે કેફીનયુક્ત બે ગ્લાસ ઠંડાપીણા તથા વયસ્ક લોકો માટે ત્રણ ગ્લાસ કોફી અસ્વસ્થતાનું મુખ્ય કારણ બને છે."
ચા તથા કોફી સિવાય પણ અન્ય શક્તિવર્ધક પીણાઓ બજારમાં ઉપલબ્ધ છે જેનો લોકો વારંવાર પોતાની રોજિંદી જીંદગીમાં ઉપયોગ કરે છે. આ તમામ ઉત્પાદનો માનવ શરીર પર આડઅસર કરે છે.
Image
કેફીનના પદાર્થોની ઉંઘ પર પ્રતિકૂળ અસર
કેફીનમાં એક પ્રકારનું સાયકોએક્ટિવ ડ્રગ હોય છે જેના કારણે તે વ્યક્તિનું ધ્યાન લગાવવામાં તથા જાગૃત અવસ્થામાં રહેવા માટે મદદ કરે છે. રીસર્ચના તારણ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં 93 ટકા લોકો કેફીનના પદાર્થોવાળી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. વધુ માત્રામાં આ પદાર્થો ઉપયોગમાં લેવાથી તેની આડઅસર ઊંઘ પર પડે છે.
રાત્રે યોગ્ય રીતે ઊંઘ ન આવવાના કારણો વિશે ડો. ક્રિસ હાર્ટે વધુમાં જણાવ્યું હતું કે, "કેફીનમાં ઉપયોગમાં લેવાતા દ્વવ્યોના કારણે તે માનવ શરીરને ચેતનવંતુ બનાવે છે." તેમાં રહેલા દ્વવ્યોની અસર તેના સેવનની 30થી 70 મિનિટની વચ્ચે શરૂ થાય છે, તે સાત કલાક સુધી જાગૃત રહે છે. અને માનવ શરીરમાં તે 24 કલાક સુધી હાજર રહે છે."
"કેફીનના પદાર્થો ધરાવતા પીણાનું જો સવારના સમયમાં સેવન કરવામાં આવે તો તે આખો દિવસ શરીરને જાગૃત્ત રાખે છે પરંતુ જો તે સાંજના કે રાત્રીના સમયે લેવામાં આવે તો તેનાથી ઊંઘ આવતી નથી અને તે બેચેની તથા અનિંદ્રાનું કારણ બને છે,"
Young Indian woman sleeping in a bed with an alarm clock in the foreground. Source: Getty Images/PaulMaguire
યોગ્ય ઉંઘ માનવ શરીરને તંદુરસ્ત રાખે છે
એક સામાન્ય વયસ્ક ઉંમરના માનવી માટે રોજની સાતથી આઠ કલાકની ઊંંઘ જરૂરી છે. જેનાથી તેનું મગજ તથા શરીર તંદુરસ્ત રહી શકે છે. રાત્રે યોગ્ય ઊંંઘ લેવા અંગે રાખવામાં આવતી તકેદારી અંગે વાત કરતા ડો. ક્રિસ હાર્ટે જણાવ્યું હતું કે, "વધુમાં વધુ એક કે બે ગ્લાસથી વધારે માત્રામાં કેફીનનો ઉપયોગ ન કરવો જોઇએ અને લંચ બાદ તેના વપરાશથી દૂર રહેવું જોઇએ. વળી, 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને કેફીનના પદાર્થો ધરાવતા શક્તિવર્ધક પીણાથી દૂર રાખવા જોઇએ.
"કેફીનના પદાર્થોના સેવનથી દૂર રહેવા ઉપરાંત રાત્રે સૂતા પહેલા મોબાઇલ તથા કમ્પ્યુટરનો ઉપયોગ ટાળવો તથા યોગ્ય ટાઇમટેબલને અનુસરવાથી સારી ઊંંઘ મેળવી શકાય છે," તેમ ડો. હાર્ટે જણાવ્યું હતું.