જર્વિસ બેનો કિનારો વિશ્વની સૌથી સફેદ રેતી ધરાવતા કિનારા તરીકે પ્રખ્યાત છે. આ ઉપરાંત અહીંની પ્રાકૃતિક સુંદરતાનો નજારો માણવા જેવો છે. સ્વચ્છ નીલા રંગનુંપાણી, બુશવોકિંગ , સૂર્યસ્નાન અને દરિયાઈ અને તટપરની જીવ સૃષ્ટિ સદાય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. અને હા, વેલ વૉચિંગ સીઝન દરમિયાન આપ વેલ માછલીને નજીકથી જોવાની તક પણ ઝડપી શકો છો.
Source: joanne
દિવસ દરમિયાન પ્રવાસીઓને આકર્ષતા બીચનો રાત્રી વૈભવ પણ અલગ જ છે. ખાસ પ્રકારના કેમિકલ રિએક્શનના કારણે પ્લેન્કટોન લુમિન્સેન્ટ બને છે. આ કારણે સમુદ્રી જીવ આ ચમકદાર નીલી લાઈટ નીર્ગત કરે છે અને નીલા રંગના મોજા દેખાય છે.
Source: Joanne Paquette
નીલા પ્રકાશ સાથેના દરિયાના મોજાની અદભુત તસવીરો ખેંચવા માટે જાણીતા ફોટોગ્રાફર જોઆને જણાવે છે કે બાયોલુમીનસીનનો નજારો પ્રત્યક્ષ રીતે જોવા વ્યક્તિએ સાચી જગ્યાએ, સાચા સમયે ઉપસ્થિત રહેવું જરૂરી છે. કેમકે આ ક્યારેક પણ બની શકે છે - આ માટે કોઈ ચોક્કસ સમય કે પળ નથી. તેઓ જણાવે છે કે તેઓએ મોટાભાગે ઓક્ટોબર મહિનામાં આ બનતું જોયું છે, પણ ટાસ્માનિયામાં આ ઘટના સામાન્ય છે.
Source: Joanne Paquette
મળતી માહિતી મુજબ બાયોલુમીનસીન માટે ચોક્કસ પ્રકારનું વાતાવરણ બનવું જરૂરી છે જેમકે અંધારી રાત્રી હોવી, ગરમ તાપમાન હોવું - હુંફાળું પાણી જે મોટાભાગે વસન્ત અને ઉનાળાની ઋતુમાં હોય છે, પાણીમાં એસીડીટી વધુ હોવી, જરૂરી ભરતી અને પવન.
Source: Joanne Paquette
જર્વિસ બે ખાતેના અન્ય આકર્ષણો:
- જર્વિસ બે મરીન પાર્ક: અહીં જમીન અને સમુદ્રની જીવસૃષ્ટિ અને છોડના સંરક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવે છે. 21,100 હેકટરમાં ફેલાયેલ આ મરીન પાર્કમાં બે વિસ્તારમાં આવેલ ઘણા બીચ (દરિયા કિનારો ) અને રિવરફ્રન્ટનો સમાવેશ થાય છે.
- સફેદ રેતી પર ચાલવું : ગ્રીનફિલ્ડ અને હાઈમ્સ બીચ વચ્ચેના પટ્ટામાં આપ જર્વિસ બેની સુંદરતાના સાક્ષી બની શકો છો.
- લેડી ડેનમેન હેરિટેજ મ્યુઝિયમ : લેડી ડેનમેન હેરિટેજ મ્યુઝિયમ આ સ્થળના ઇતિહાસને જાણવા માટેનું ઉત્તમ સ્થળ છે. 10 હેક્ટરમાં ફેલાયેલ આ કોમ્પ્લેક્સમાં કુરી જાતિ સંબંધી, જહાજનિર્માણ, જહાજના અવશેષો, અન્ય વિવિધ દરિયાથી પ્રાપ્ત વસ્તુઓ, લાઈટહાઉસ અને નેવિગેટર સાધનોનું પ્રદર્શન છે.
- હાઈમ્સ બીચ: આ બીચનું નામ વિશ્વની સૌથી સફેદ રેતી ધરાવતા બીચ તરીકે ગિનિસ બુકમાં નોંધાયેલ છે. આ જગ્યા દક્ષિણની ગ્રેટ બેરીયર રીફ તરીકે પણ કે જાણીતી છે.
- બુડેરી નેશનલ પાર્ક :જર્વિસ બેની દક્ષિણમાં આવેલ, 6379 હેક્ટરમાં ફેલાયેલ આ નેશનલ પાર્ક પહેલા જર્વિસ બે નેશનલ પાર્ક તરીકે ઓળખાતો હતો. આ જગ્યા અલબેલા પરિદ્રશ્ય, વન્ય જીવન સાથે નેટિવ સંરક્ષણ માટે જાણીતી છે. આ સ્થળ રેક બે એબોરિજિનલ સમુદાયની માલિકીની છે.
- કેપ સેન્ટ જ્યોર્જ લાઈટહાઉસ : આ સ્થળ ડોલ્ફિન અને વેલ માછલી જોવા માટે સુવિધાજનક સ્થળ છે.
Source: By Pavel from Sydney, AU (Jervis Bay Dolfins) [CC BY 2.0 (http://creativecommons.org/licenses/by/2.0)], via Wikimedia Commons
અહીં કેવી રીતે પહોંચશો?
જર્વિસ બે સિડની અને કેનબેરા જેવા મહાનગરોથી જોડાયેલ છે.
રેલ માર્ગે : સિડની થી હસકિસન, વિંસેન્ટિયા અને જર્વિસ બે માટે નિયમિત ટ્રેન છે. જે લગભગ 6 કલાકનો સમય લે છે. અન્ય વિકલ્પ સિડનીથી બોમ્બાડેરી સુધી ટ્રેન અને ત્યારબાદ બસની મુસાફરી છે.
સડક માર્ગે: સિડની અને કેનબેરા થી જર્વિસ બે માટે ટેક્સી અને વિવિધ બસ સેવા ઉપલબ્ધ છે. આપ ખુદ ડરાઇવ કરી સિડનીથી લગભગ 2 કલાકમાં અહીં પહોંચી શકો છો.
Source: By Dave Naithani (Own work) [CC BY-SA 3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0)], via Wikimedia Commons
Special thanks to Joanne Paquette for the images. She has taken award-winning photos of the bioluminescence in Jervis Bay and shared with SBS Gujarati.