ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના નિયંત્રણોના કારણે જાહેર મેળાવડાના આયોજનને અસર પહોંચી છે અને વિવિધ રાજ્યોના જુદા - જુદા શહેરોમાં નવરાત્રીના ગરબા રદ કરવા અથવા ઓછા લોકો સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે.
પરંતુ, વાઇરસના પ્રતિબંધોથી નિરાશ ન થઇને સિડની તથા મેલ્બર્ન શહેરમાં કાર્યરત વિવિધ ડાન્સ સ્કૂલ દ્વારા બાળકોને ઓનલાઇન માધ્મયથી પણ ગરબા શીખવવામાં આવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો ભાગ લઇ રહ્યા છે.
સિડની સ્થિત સર્જન ડાન્સ એકેડેમીના આશિકા માંકડે SBS Gujarati ને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ બાળકોને ડાન્સ અને ગરબા શીખવી રહ્યા છે અને શહેરમાં યોજાતા વિવિધ ગરબાના કાર્યક્રમોમાં તેમનું ગ્રૂપ ભાગ લેતું હતું પરંતુ આ વખતે કોરોનાવાઇરસના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન થયું નથી. તેથી જ, તેમણે બાળકો સાથે ઓનલાઇન ઇ-નવરાત્રિનું આયોજન કર્યું હતું અને, ઘરમાં ગરબા રમ્યા હતા.
વડોદરાના સુપ્રસિદ્ધ રિષભ ગ્રુપ અને શ્રી અચલ મહેતાના ગરબે ઝુમતા ઓસ્ટ્રેલિયા સ્થિત ગુજરાતી બાળકો.
આશિકાએ જણાવ્યું હતું કે હાલમાં સિડનીમાં કોરોનાવાઇરસના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હોવાથી ધ પોન્ડ્સ હાઇસ્કૂલમાં તેઓ વિવિધ વર્ગોમાં 60 બાળકોને ડાન્સ શીખવી રહ્યા છે.
બીજી તરફ, સિડનીમાં નર્તન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ડાન્સ સ્કૂલ તરફથી કાનન શાહે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 11 વર્ષથી બાળકોને ડાન્સ શીખવી રહ્યા છે પરંતુ વર્ષ 2020માં ક્લાસિસના આયોજનમાં થોડા ફેરફાર કરવા પડ્યા હતા.ડાન્સ સ્કૂલ દ્વારા અગાઉના વર્ષોમાં પણ બરવૂડ સ્પ્રિન્ગ ફેસ્ટિવલ, ડૂનસાઇડ ફેસ્ટિવલ, બ્લેકટાઉન સિટી ફેસ્ટિવલ જેવા કાર્યક્રમોમાં ભાગ લેવામાં આવ્યો છે. પરંતુ, કોરોનાવાઇરસના નિયંત્રણોના કારણે માર્ચથી જુલાઇ મહિના સુધી તેમણે ઓનલાઇન માધ્યમ દ્વારા ડાન્સ શીખવ્યા ત્યાર બાદ નિયંત્રણો હળવા થયા પછી તેઓ હાલમાં વ્યક્તિગત પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.
Kids learning Garba at Nartan Institute of Performing Arts. Source: Kanan Shah
કાનને જણાવ્યું હતું કે, આ વર્ષે તેમણે નવરાત્રીના ખાસ વર્ગોનું આયોજન કર્યું નથી પરંતુ ડાન્સ સ્કૂલમાં આવતા બાળકોને નવરાત્રીનો અનુભવ થાય તે માટે તેમણે એક હોલમાં 'હેલ્લારો' ગીત પર ગ્રૂપ ગરબાનું આયોજન કર્યું હતું. જેને લોકોએ ફેસબુક પેજના માધ્યમથી પરોક્ષ રીતે માણ્યું હતું.
મેલ્બર્નમાં રીધમ ગરબા ગ્રૂપ તરફથી ડાન્સ શિક્ષક ધ્રૂવ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વયજૂથના લોકોને ગરબા શીખવે છે. જોકે, મેલ્બર્નમાં કોરોનાવાઇરસના વધુ કડક નિયંત્રણો અમલમાં હોવાથી આ વર્ષે સામાન્ય ગરબા ક્લાસ શક્ય બની શક્યા નથી.
પરંતુ, તેમણે બાળકોમાં ગુજરાતી સંસ્કૃતિ અને ગરબાનું મહત્વ જળવાઇ રહે તે માટે મફતમાં ઓનલાઇન ગરબા શીખવવાનું આયોજન કર્યું છે.