ઓસ્ટ્રેલિયન સરકારના નવા વલણ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં નવા સ્થળાંતરિત થતા લોકોને પાંચ વર્ષ સુધીનો સમય પ્રાદેશિક વિસ્તારમાં ગાળવા ફરજિયાત બને તેમ છે. મંત્રી એલન તુજ દ્વારા મંગળવારે કરવામાં આવેલા સંબોધનમાં પણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્તારના શહેરોમાં વધી રહેલી વસ્તી ગીચતાને એક ગંભીર મુદ્દો ગણવામાં આવ્યો હતો.
નવા સુધારા બાદ કેટલા સ્થળાંતરિત લોકોને અસર પડશે તે નક્કી નથી પરંતુ સરકાર ચૂંટણી અગાઉ આ ક્ષેત્રમાં મહત્વના સુધારા કરે તેવી શક્યતા છે. આ અંગે પોપ્યુલેશન અને સિટિઝન મંત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે, "આપણો દેશ દર વર્ષે એક કેનબેરા શહેર જેટલો વધારો કરે છે જ્યારે દર 3.5 વર્ષે એક એડિલેઇડ જેટલો વધારો થાય છે. "
"બીજા દેશમાંથી થતું સ્થળાંતર પૂર્વ ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વધતો વસ્તી વધારાનું એક કારણ મુખ્ય કારણ છે. તેથી સ્થળાંતર કરતાં લોકોને પ્રાદેશિક વિસ્તારમાં મોકલવા જરૂરી બન્યા છે. દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા સ્થળાંતરમાં 75 ટકા સ્થળાંતર સિડની તથા મેલ્બોર્નમાં થાય છે. નવા માઇગ્રન્ટ્સને પ્રાદેશિક વિસ્તારોમાં મોકલવાથી મોટા શહેરો પર વધી રહેલા દબાણમાં રાહત મળશે."
નવા પ્લાન પ્રમાણે, સ્કીલ માઇગ્રન્ટ્સને સિડની, મેલ્બોર્ન, કેનબેરા તથા પર્થથી દૂર રાખીને તેમને ઓસ્ટ્રેલિયાના અન્ય પ્રાદેશિક વિસ્તારમાં પાંચ વર્ષ સુધી રહેવા માટે ફરજ પાડવામાં આવશે.
સરકારના જણાવ્યા પ્રમાણે આ તમામ શહેર સિવાયના અન્ય બધા જ વિસ્તારોને પ્રાદેશિક ઓસ્ટ્રેલિયા ગણાશે, જેમાં એડિલેઇડ તથા ડાર્વિનનો પણ સમાવેશ થાય છે.
શ્રી તુજે વધુમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં સ્કીલ કારીગરોની અછત છે. નાના તથા પ્રાદેશિક વિસ્તારોમાં સ્થળાંતરિત થવાથી મોટા શહેરો પર વધી રહેલું દબાણ દૂર થશે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ આ વિચારને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સમાજની આર્થિક તથા વસ્તી અંગેની પોલિસીને ટેકો મળશે.
પરંતુ જ્યારે સ્કોટ મોરિસન 2010માં વિરોધ પક્ષમાં હતા ત્યારે તેમણે એબીસીના લેટલાઇન કાર્યક્રમમાં આ વિચાર અંગે વિરોધ વ્યક્ત કરીને તેને કાલ્પનિક ગણાવ્યો હતો.
બીજી તરફ, વિરોધ પક્ષના નેતા બ્રેન્ડન ઓ'કોનોરે જણાવ્યું હતું કે, "આ પ્રસ્તાવમાં ખામી છે અને તેનાથી પ્રાદેશિક ઓસ્ટ્રેલિયામાં બેરોજગારીનો આંક વધુ વધશે."
તેમણે મોરિસનના વિચારનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, "જે સ્કીલ માઇગ્રન્ટ્સને પ્રાદેશિક ઓસ્ટ્રેલિયામાં મોકલવાનો પ્રસ્તાવ છે તે લાગુ પડશે તો પરિસ્થિતિ વધારે ખરાબ થશે કારણ કે ત્યાં અગાઉથી જ બેકારીનો દર ઉંચો છે."
સરકારી આંકડા પ્રમાણે, ગયા વર્ષે 180,000 લોકોએ ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યું હતું. જેમાંથી ફક્ત 12,000 લોકો જ પ્રાદેશિક ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે જે લગભગ કુલ સ્થળાંતરના 6 ટકા જેટલું છે.
ઓસ્ટ્રેલિયાના સેટલમેન્ટ કાઉન્સિલના મુખ્ય અધિકારી નિક ટેબ્બીએ જણાવ્યું હતું કે, સરકારનો નવો પ્રસ્તાવ થોડો અનિશ્ચિત છે. તેમણે જણાવ્યું હતું કે, "આ વલણમાં થોડું જોખમ છે, નવા સ્થળાંતરીત થઇ રહેલા લોકોને પ્રાદેશિક વિસ્તારમાં મોકલવાની શરતમાં એમ લાગી રહ્યું છે કે સ્થળાંતર કરીને આવતા લોકો દેશ પર બોજ છે અને તેઓનો શહેરોમાં આવકાર્ય નથી."