સિડનીના એક ડ્રાઇવરની પોલીસે તપાસ કરતાં તે ડ્રાઇવિંગ દરમિયાન જ તેના મોબાઇલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડ કપ મેચની અપડેટ લેતો ઝડપાયો હતો.
9મી જૂનના રવિવારે રાત્રે 10 વાગ્યે બનેલી ઘટનાની વિગતો પ્રમાણે, સિડનીના લીવરપુલના 33 વર્ષીય ડ્રાઇવરને ફેરફિલ્ડ હાઇવે પેટ્રોલ પોલીસે ઓવર સ્પીડીંગના કારણે અટકાવ્યો હતો. તે ડ્રાઇવર કમ્બરલેન્ડ હાઇવે, સ્મિથફિલ્ડ પાસે રાત્રે 70 કિ.મી પ્રતિ-કલાકની ઝડપની પરવાનગી ધરાવતા વિસ્તારમાં 96 કિ.મી પ્રતિ-કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો.
પોલીસે પોતાની તપાસમાં નોંધ્યું હતું કે, ડ્રાઇવરે તેનો મોબાઇલ કારના સ્ટીયરીંગ વ્હીલ સાથે જોડ્યો હતો અને તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં અપડેટ લઇ રહ્યો હતો.વીડિયોમાં સંભાળાય છે તે પ્રમાણે પોલીસ ઓફિસરે ડ્રાઇવરને જણાવ્યું હતું કે, "મોબાઇલ ફોન કારના સ્ટીયરીંગ વ્હીલ સાથે જોડ્યો છે. આ કરવું ગેરકાયદેસર છે."
Source: Supplied
ડ્રાઇવરે તેની ભૂલ સ્વીકારી. ત્યાર બાદ પોલીસે તેને જણાવ્યું હતું કે, આ કરવું ખતરનાક છે. મેં મારા જીવનમાં ક્યારેય પણ આ પ્રકારનું દ્રશ્ય જોયું નથી.
ડ્રાઇવરે ત્યાર બાદ પોલીસને કારની લાઇટ ચાલૂ કરીને મોબાઇલ હોલ્ડર બતાવ્યું.
પોલીસે તેની કારમાં બે વર્ષના બાળકને પણ પાછળની સીટ પર બેઠેલો જોયો હતો. અને, નિયમ પ્રમાણે તેને યોગ્ય રીતે બેસાડવામાં આવ્યો નહોતો.
ડ્રાઇવરને કુલ 24 ડીમેરીટ પોઇન્ટ્સનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ક્વિન્સ બર્થ-ડે લોંગ વીકએન્ડ હોવાના કારણે ડ્રાઇવરને ડબલ ડીમેરીટ પોઇન્ટ્સનો દંડ થયો હતો.
તેને 20 કિ.મીથી વધુની ઝડપ રાખવા બદલ 8 ડીમેરીટ પોઇન્ટ્સ, 10 ડીમેરીટ પોઇન્ટ્સ ચાલૂ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોન વાપરવા બદલ અને 6 ડીમેરીટ પોઇન્ટ્સ બાળકની યોગ્ય સારસંભાળ ન રાખવા બદલ ફટકારવામાં આવ્યા હતા.