ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવા ઇચ્છુક માઇગ્રન્ટ્સની અરજીનો ચૂકાદો આવવામાં ઘણો સમય લાગી રહ્યો છે ત્યારે કેટલાક માઇગ્રન્ટ્સ શોષણ તથા દેશનિકાલનો ભય રહે છે, તેમ યુનિયન્સ તથા માઇગ્રેશન એજન્ટ્સનું માનવું છે.
જે માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી માટે તેમના એમ્પલોયર પર આધાર રાખી રહ્યા હોય છે તેમની વિસા એપ્લિકેશનની કાર્યવાહી માટે લગભગ બે વર્ષ જેટલો સમય લાગી જાય છે.
યુનાઇટેડ વોઇસ એસીટી (United Voice ACT) ના સેક્રેટરી લેન્ડલ રાયને જણાવ્યું હતું કે જ્યારે બિઝનેસ પડી ભાંગે છે ત્યારે તેમની પર નિર્ભર રહેલા કારીગરોના વિસાની કાર્યવાહી અટકી પડે છે.અરજીકર્તાએ ફરીથી સંઘર્ષ કરવો પડે છે અને સ્પોન્સરશીપ માટેની જટિલ અને ઘણી મોંઘી કાર્યવાહી ફરીથી કરવી પડે છે.
Source: SBS News
અને, જો તેઓ તેમાં નિષ્ફળ જાય અથવા નિયમ બદલાઇ જાય તો તેમણે વતન પરત ફરવું પડે છે.
વેઇ ચેનની રેસ્ટોરન્ટ બંધ થઇ ગઇ
ચીનથી આવેલા માઇગ્રન્ટ વેઇ મિરા ચેન તેમના પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષથી રહેતા હતા. તેઓ બે વખત ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવાની નજીક આવી ગયા હતા.
બંને વખત તેઓ જે બિઝનેસ માટે કામ કરી રહ્યા હતા, તે પડી ભાંગતા તેમની ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવાની તક બરબાદ થઇ ગઇ હતી.
30 વર્ષીય વેઇ ચેને SBS News ને જણાવ્યું હતું કે, "અમે ઓસ્ટ્રેલિયામાં અમારા ભવિષ્યના સપના જોયા હતા પરંતુ હવે તે ચકનાચૂર થઇ ગયા છે."
Wei 'Mira' Chen at work at Jamie's Italian. Source: Supplied
પર્થમાં બ્રિટીશ સેલિબ્રિટી શેફ જેમી ઓલિવરની રેસ્ટોરન્ટ જેમી'સ ઇટાલિયનમાં જૂનિયર શેફ તરીકે નોકરી કરતી વખતે તેમણે સૌ પ્રથમ વખત પર્મેનન્ટ રેસીડેન્સી માટે અરજી કરી હતી.
જ્યારે કેયસ્ટોન ગ્રૂપના માલિકો નાદાર થઇ ગયા, કેનબેરા ખાતેની જેમી'સ ઇટાલિયન રેસ્ટોરન્ટના માલિકોએ તેમને કેનબેરામાં નોકરી તથા સ્પોન્સરશીપનો પ્રસ્તાવ મૂક્યો. એટલે, વેઇ ચેન પર્થ છોડીને કેનબેરા સ્થાયી થયા અને ત્યાં ફરીથી 3500 ડોલર ભરીને વિસા એપ્લિકેશન કરી.
પરંતુ, ગયા વર્ષે એપ્રિલ મહિના દરમિયાન તેમને રેસ્ટોરન્ટના હેડ શેફનો ફોન આવ્યો અને તેમને રજાના દિવસે પણ રેસ્ટોરન્ટમાં હાજર રહેવા જણાવ્યું.
"હું જ્યારે ત્યાં પહોંચી રેસ્ટોરન્ટના હેડ શેફે જણાવ્યું કે આપણે આજથી રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યા છીએ."હું સ્તબ્ધ થઇ અને વિચાર્યું કે બે વર્ષના ગાળામાં જ મારી સાથે આવું બીજી વખત કેમ બની શકે.
જોકે, ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે વેઇ ચેનની અરજી પર ચૂકાદો આપ્યો નથી. ચૂકાદો આવ્યા બાદના આગામી 28 દિવસમાં જ તેમણે વતન પરત ફરવું પડશે.
વેઇ ચેનની છેલ્લી વિસા અરજી બાદ નિયમ બદલાઇ ગયો અને એનો મતલબ એમ છે કે જો વેઇ ચેન બીજી નોકરી મેળવી પણ લે તેમ છતા તેઓ પર્મેનન્ટ રેસીડેન્સી માટેની જરૂરી શરતો પૂરી કરી નહીં શકે.
ચીનમાં કાફે શરૂ કરવાનું આયોજન
વેઇ ચેન માટે વર્તમાન સમય ખૂબ જ નિરાશાજનક છે. તેમણે ઓસ્ટ્રેલિયા છોડી ચીન પરત ફરવું પડશે. જોકે તેઓ ત્યાં તેમના પતિ સાથે મળીને કાફે શરૂ કરવા અંગે વિચારી રહ્યા છે.
વેઇ ચેને જેમી ઓલિવરને પોતાની પરિસ્થિતિથી અવગત કર્યા હતા પરંતુ તેમને કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો. SBS News પણ જેમી ઓલિવર રેસ્ટોરન્ટ ગ્રૂપનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે જવાબ આપ્યો નહોતો.
માઇગ્રેશન એજન્ટ્સના જણાવ્યા પ્રમાણે, "વેઇ ચેન વિસા એપ્લિકેશનની કાર્યવાહી માટે લાગતા સમયનો ભોગ બન્યા છે. તેમણે જે 187 વિસા માટે અરજી કરી હતી તેમાં લગભગ 21 મહિના જેટલો સમય લાગી રહ્યો છે."
તે સમય દરમિયાન લોકો બ્રિઝીંગ વિસા (bridging visa) પર આવી જાય છે અને તે સમયગાળા દરમિયાન તેઓ ઘણા માનસિક તાણનો ભોગ બને છે.
કેનબેરા ખાતે આવેલી VisAustralia માઇગ્રેશન કંપનીના નિકોલસ હ્યુટ્સનના જણાવ્યા પ્રમાણે ડીપાર્ટમેન્ટ માઇગ્રેશન ઓછું થાય તે માટે ઇરાદાપૂર્વક વિસા એપ્લિકેશન પર કાર્યવાહી કરતું નથી. પેરેન્ટ અને પાર્ટનર વિસા પર પણ ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે.
પેરેન્ટ વિસાની અરજી પણ નિર્ણય આવતા 18થી 36 મહિના જેટલો સમય લાગી જાય છે, તેમ હ્યુટ્સને જણાવ્યું હતું.